Back કથા સરિતા
અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી

કવિતા (પ્રકરણ - 78)
કવિ સંમેલનોનાં સંચાલનમાં નોખી ભાત પાડનારા અંકિત ત્રિવેદી ખુદ જાણીતા કવિ અને કટાર લેખક છે.
પ્રકરણ-47

લખવા અને વલખવા વચ્ચે...

  • પ્રકાશન તારીખ03 Apr 2019
  •  

નિરાંત છે, રાત છે, મૌનની મધરાત છે. એકાંતને ઓળખી શકું એટલી નજીક સવાર છે. વિચારું છું લખવાના વિષયો વિશે. ક્યારેક થાય છે, બગીચામાં ઊગેલાં ફૂલો જોડે રોજ જે વાતો કરું છું એના વિશે લખું! પછી સમજાય છે કે એ વાતો તો કવિતા બની જાય છે! જેવી રીતે ઊગ્યાં છે બગીચામાં ફૂલો. ક્યારેય પૂરાં નહીં થતાં રસ્તા વિશે લખું. પછી થાય છે રસ્તો તો મારા પગલાથી શરૂ થાય છે અને પગલાં અટકે ત્યાં પૂરો થાય છે. અટકી ગયા પછી એ રસ્તો નથી હોતો, માત્ર ડામરની સડક હોય છે. થાય છે આંખો વિશે લખું, પણ આંખો તો દૃશ્યો જોવામાં વ્યસ્ત છે. દૃશ્યોનું મૌન એટલે આંખોનું બંધ થવું તે. આવું ખુલ્લી આંખે પણ થઈ શકે છે! ચુપકીદી અને મૌન વચ્ચે બહુ અંતર નથી, પણ ખાસ્સી નિકટતાએ થાય છે, નિકટતા વિશે લખું, પરંતુ નિકટતા વિશે લખવામાં પોતાનાથી દૂર જવું પડે. એવો સમય કોણ વેડફે? હજી તો માંડ હું મારા હાથમાં આવ્યો છું! મારે ‘મને’ હાથતાળી નથી આપવી. થાય છે પડછાયા વિશે લખું, પણ ભીંત કોતરીને પડછાયો બહાર આવે તો એની સાથે મુલાકાત ગોઠવીને લખી શકું ને. પડછાયો રંગ વગરનો, કાં તો બધા જ રંગો એનામાં છે. પડછાયા વિશે લખું તો ખરો, પણ વર્ષોથી સાથે રહેતા પાડોશી જેવો અબોલો છે. ક્યાંક એવું તો નહીં હોય ને કે પડછાયો પોતે જ મને ‘પડછાયો’ માનતો હોય અને એને પોતાને ‘માણસ’!
થાય છે હવા વિશે લખું, પણ હવા તો વાયરા જોડે વાતો કરવામાં મશગૂલ છે. બગીચામાં માળો બાંધીને રહેતી ચકલીને હવા ક્યારનીયે Tackoff અને Lending કરાવે છે. થાય છે કશું જ નથી થતું એવી અવસ્થા વિશે લખું. કશું જ ન થતું હોય એવી અવસ્થા વિશે લખવામાં કશુંક થઈ જાય એનું જોખમ રહેલું છે. થાય છે, અજવાળા વિશે લખું, પણ અંધારાને માઠું લાગી જશે તો. કાયમ માટે રિસાઈને ઘરના ખૂણામાં પડ્યું રહેશે. અંધારાની અવગણના નથી કરવી. થાય છે, પ્રેમ વિશે લખું. એમાંયે શરૂઆતની ચાર-પાંચ લીટીઓ વિરહ વિશે લખવી પડશે અને એમાં ને એમાં ક્યાંક આખો નિબંધ વિરહ ઉપર જ લખાઈ
જશે તો!

  • પેન શરીર છે, એની અંદરની શ્યાહી પેનનો આત્મા છે

જે પેનથી લખું છું એના વિશે લખું તો! એમાં મારા અક્ષરો અને કોરા કાગળની વાત નીકળશે. પેન શરીર છે, એની અંદરની શ્યાહી પેનનો આત્મા છે. પેન અને શ્યાહી દ્વારા નીકળતા શબ્દો લખનારની કુંડળી નક્કી કરે છે. જેનો રોજ ઉપયોગ કરું છું, જે રોજ કામમાં આવે છે એ પેન હાથ વગર તો અધૂરી છે. જવા દઉં, પેન વિશે લખવાનું! આપણે વસ્તુને વાપરીએ છીએ ત્યારે વસ્તુને આપણા હાથમાં આવ્યાનો આનંદ હોવો જોઈએ. બને છે એવું કે આપણા હાથમાં આવ્યા પછી વસ્તુ પણ નિરાશ થઈ જાય છે, વ્યક્તિની જેમ. થાય છે, આનંદ વિશે લખું. આનંદ વિશે લખું તો ખરો, પણ સુખ અને દુ:ખ મારી સામે ડોળા કાઢે છે અને કહે છે, ‘અમને ભૂલી ગયો?’ આમ જુઓ, તો ‘કોના વિશે લખું?’ એની મૂંઝવણમાં કેટલા વિશે લખી નાખ્યું. ખરેખર તો જેના વિશે લખાયું છે, એ લખવાના વિષયો નથી, ‘જીવવાના વિષયો’ છે. જીવવું એટલે પળના કાગળમાં; પ્રેમની પેનથી અક્ષરના પડછાયે આનંદને પ્રેમપત્ર લખવો. જીવવાના વિષયો ઓછા છે તો લખવાના વિષયો પર લખું.
ઓન ધ બીટ્સ
કાયમી ભાવ-ભાષામાં તેજી રહી,
લાગણીઓ સદા ગુજરે’જી રહી,
કોઈ નિર્ણય થવા ના દીધો ભીતરે,
સુખ દુ:ખની વ્યથા ગોળમે’જી રહી.
- અંકિત ત્રિવેદી
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP