Back કથા સરિતા
અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી

કવિતા (પ્રકરણ - 78)
કવિ સંમેલનોનાં સંચાલનમાં નોખી ભાત પાડનારા અંકિત ત્રિવેદી ખુદ જાણીતા કવિ અને કટાર લેખક છે.
પ્રકરણ-44

આનંદનું મોતી

  • પ્રકાશન તારીખ24 Mar 2019
  •  

ગીત પ્રેમનું ગાય તો
‘હું’ ને ‘તું’નાં પિંજરાં તોડી અગર ઉડાય તો,
લાભ-હાનિની બધી સરહદને ઓળંગાય તો.

થાય ઉત્સવરૂપ જીવનની પછી પ્રત્યેક પળ,
મોતના ભયનોય પર્દાફાશ જો થૈ જાય તો.

હોય છોને દૂર તો યે વસવસો ના કૈં રહે,
સ્વપ્નમાં આવી રહસ્યો જો એ ખોલી જાય તો.

હચમચી ઊઠે બધી એ માન્યતાઓ આંધળી,
સત્યનો જો શંખ કોઈ કૃષ્ણથી ફૂંકાય તો.

જે રિસાયાં છે તે આવી ભેટશે ઘરઆંગણે,
તું હૃદયનું રક્ત સીંચી ગીત પ્રેમનું ગાય તો.

એ સ્વયં ‘આનંદ’નું મોતી પકવશે ગર્ભમાં,
વેદના-રાણીને રીઝવતાં તું શીખી જાય તો.

- મુનિશ્રી મુનિચંદ્રજી મહારાજ, બંધુ ત્રિપુટી

બ્રહ્માંડ પણ અસ્તિત્વનું પાંજરું છે. પાંચ તત્ત્વોનાં ઝાડમાં આપણું હોવું પાંદડું છે. જે ક્યારેક ખરી પડશે અને ક્યારેક નવું ઊગીને વસંતને વધાવશે! આપણે પાડ્યા છે ‘હું’ અને ‘તું’ના પિંજરાના ભાગલા. અસ્તિત્વની આંખે જોઈએ તો બધું જ ખુલ્લું અને ખેલદિલ છે. બધું જ આપવામાં માને એવું દરિયાદિલ છે. ‘હું’ અને ‘તું’માંથી આપણી ગતિને ‘આપણે’ના પુલ પરથી પસાર થવા દઈશું તો હાથ વગર આવકારતો હકાર આપણને સામેથી ભેટીને મળવા આવશે. લાભ અને હાનિ અપેક્ષા અને મહાત્ત્વાકાંક્ષાની બહેનપણીઓ છે.

આપણે જીવનને ઉજવીશું તો મૃત્યુ પણ મહોત્સવ જ છે. આ રજનીશજીનું વાક્ય પ્રત્યેકે આંસુથી પોતાના શ્વાસમાં કોતરી રાખવા જેવું છે. સ્વપ્ન બધાને ગમે છે. બસ, સવારે ઊઠીએ છીએ ત્યારે યાદ નથી રહેતા અને જે યાદ રહે છે તે સ્વપ્નો નહીં આપણી બીજાને કરાવવાની ઈર્ષા છે. સ્વપ્ન જો રહસ્યો સામે આવીને ખૂલી જાય તો ઈશ્વર ભલે દૂર હોય એનો વસવસો જ ન રહે!

માન્યતાઓને આપણે ધર્મ માની બેઠા છીએ. આપણી બારી પાસેનો તડકો જુદો હોય એમ દરેકની બારી પાસેનો તડકો જુદો! આ માન્યતાને આપણે નરી આંખે જોઈએ છીએ, પણ એ વાસ્તવમાં આપણા અંત:કરણ આગળ આંધળી છે. સત્યનો શંખ ફૂંકે એવો કૃષ્ણ બહાર નથી આપણી ભીતર છે. આપણામાં એને સ્વીકારવાની ક્ષમતા હોવી જોઈએ.

આપણે પણ આપણાથી રીસાઈએ છીએ. બીજા પણ આપણાથી રીસાઈ શકે છે. દરેકને રાજી રાખવા આપણે પણ ઈશ્વર જેટલા જ બિનસક્ષમ છીએ. બસ હૃદયથી રીસાયાનું શુભ થાઓ-એવું ગીત ગાઈ શકાય તો ગીતાનાં પાનાં ઉથલાવવાં નહીં પડે! એનું વણસમજાયેલું ભાષ્ય આપણું ભવિષ્ય થઈ જશે.
વેદનાને રીઝવતા આવડે તો સંસારના સમુદ્રમાં આનંદનું મોતી પાકતા વાર નહીં લાગે. ‘જીવનના હકારની આ કવિતા’ ભીતરથી ‘આનંદ’ ઊજવતા વ્યક્તિત્વએ સમાજને પાછો આપેલો આનંદ છે. બંધુ ત્રિપુટીના બંધુ મુનિશ્રી મુનિચંદ્રજી મહારાજનું આ સર્જન છે. માળી રોજ ફૂલછોડને પાણી પાય છે. કંટાળતો નથી. સર્જક હકારની વાણી દ્વારા સમાજને ખુશ રાખે છે.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP