Back કથા સરિતા
અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી

કવિતા (પ્રકરણ - 78)
કવિ સંમેલનોનાં સંચાલનમાં નોખી ભાત પાડનારા અંકિત ત્રિવેદી ખુદ જાણીતા કવિ અને કટાર લેખક છે.
પ્રકરણ-43

ધુ‌ળેટી : નજરની ‘નજર’ ઉતારવાનો દિવસ

  • પ્રકાશન તારીખ20 Mar 2019
  •  

રંગનો સત્સંગ એટલે ધુ‌ળેટી. રંગનો ઉમંગ એટલે ધુ‌ળેટી. રંગો હાથમાં લઈએ છીએ ત્યારે મેઘધનુષ પકડતા હોઈએ એવી અનુભૂતિ થાય છે. રંગ છાંટીએ છીએ ત્યારે જાણે કે એકબીજા ઉપર મેઘધનુષનો છંટકાવ કરતા હોઈએ એવી ભાવના પ્રબળ બને છે. રંગે રંગાયેલી પ્રકૃતિને, ગમતી વ્યક્તિ પર રંગ છાંટવાનો અવસર એટલે ધુ‌ળેટી. જેમાં લાગણી છે, ઉમંગ છે, ઉત્સાહ છે, ઉદાસી છે – આ બધા જ જીવનના રંગો છે. એમ રંગોમાં પણ લાગણી છે, ઉમંગ છે, ઉત્સાહ છે અને ઉદાસી છે. કબીરની ચદરિયા જુદા રંગે રંગાયેલી છે, મીરાંનો કામળો શ્યામ રંગ સમીપ રહ્યો. આપણે રંગોથી રંગાયેલા છીએ, પરંતુ રંગો દ્વારા પામવાના ઉમંગને ઓળખી નથી શક્યા. ધુ‌ળેટી રમીયે છીએ, પરંતુ ધુ‌ળેટી જીવતા નથી આવડ્યું.

હોળી અને ધુ‌ળેટી બંને તહેવારો ભક્તિ અને રંગો પ્રત્યેની આસક્તિ પ્રગટ કરે છે. મનુષ્યની ચામડી કાં તો ગોરી, કાં તો કાળી અને કાં તો ઘઉંવર્ણી હોય છે. ચામડી નવા રંગો પહેરીને આનંદનો સમારંભ યોજે છે. ગમતી વ્યક્તિને રંગવાનો મહિમા અનેરો છે. ગમતી જ શું કામ? કોઈ પણ વ્યક્તિને રંગવાનો ને રંગાઈ જવાનો આનંદ અદકેરો હોય છે. સફેદ વસ્ત્ર પર પડેલા રંગો જીવતા લાગે છે. આપણા અસ્તિત્વ પાસે આકાર અને નિરાકારને ઓળખવાની સમજણ છે. આકારમાં રંગ હોય છે, રંગ પૂરવો પડે. ચિત્રકારની 0utline આકારને આભારી છે. નિરાકારમાં માત્ર રંગ જ હોય છે, આકાર નથી હોતો. ધરતી અને આકાશની વચ્ચે કેટલા બધા રંગો નિરાકાર હોવા છતાં આકારમાં સમાયેલા છે. બધું જ એક રંગનું હોત તો નજરને જોવું ન ગમે. contrastનો પણ મહિમા છે.

બાળપણની ધુ‌ળેટીમાં પિચકારીનો મહિમા હતો, યુવાનીની ધુ‌ળેટીમાં સ્પર્શની સંહિતા હતી. લગ્ન પછી એ જ સંહિતા મીમાંસા બનેલી. ઉંમરના અમુક પડાવ પછી ધુ‌ળેટી દૂરથી જોવી ગમે છે. ‘ઋતુ’ શબ્દ સત્ય ઉપરથી આવ્યો છે. પ્રત્યેક ઋતુને એક સત્ય છે અને પ્રત્યેક સત્ય પાસે એની પોતાની ઋતુ હોય છે. રંગો પાસે ઋતુનું સત્ય ખડું થાય છે એટલે જ કેટલાકને રંગો શોભે છે. કેટલાકની શોભામાં રંગો અભિવૃદ્ધિ કરે છે. ધુ‌ળેટી એ ખરેખર તો જીવનના રંગોને સંતુલિત કરવાનો ઉત્સવ છે. આપણી ધુ‌ળેટી ઇકો ફ્રેન્ડલી થઈ છે, પરંતુ ‘ઇગો-ફ્રેન્ડલી’ બને એની રાહ જોવાય છે. જેમ કુદરત આગળ બધા જ રંગો સરખા એમ માણસે પણ જીવનની બધી જ અવસ્થાઓમાં જાતને સ્વસ્થ અને તટસ્થ રાખવી જોઈએ. આપણી પાસે પ્રહ્્લાદ જેટલું ધૈર્ય અને ઈશ્વર પ્રત્યે વિશ્વાસ નથી. આપણે પૂજા કે માળા કરતા હોઈશું તો દુનિયા અટકાવશે, પરંતુ ભક્ત પ્રહ્્લાદની જેમ કોઈ ચમત્કાર આપણા જીવનમાં થવાનો નથી કે જેને કારણે લોકો ધુ‌ળેટી ઊજવી શકે. આપણે તો વ્યસ્તતામાંથી થોડો સમય ઈશ્વર સાથે કે જાત સંગાથે ગાળીએ અને એવા સમયે દુનિયાની દખલગીરી ન નડે એ ચમત્કાર જ છે. ધુ‌ળેટી જ છે.

ધુ‌ળેટી પાસે અમે–આપણે અને બધાનો આનંદ છે. રંગોને સમૂહમાં જોવા ગમે છે. ‘નજર’ જાણે ધુ‌ળેટીના દિવસે પોતાનો જન્મદિવસ ઊજવતી હોય એવું લાગે છે. પાંપણો જાણે કે બધા જ રંગોને જોઈને હળવાશ અનુભવતી હોય એવું લાગે છે. ‘કર્મઠ’ કીકી જાણે ભ્રમરના ભારને હળવો કરતી હોય એમ રંગોને જોઈને અધીરી બને છે. દુનિયાને નિરખવાનાં કામો પડતાં મેલે છે. ધુ‌ળેટી એ પ્રત્યેક રંગમાંથી સાચું અને પ્રત્યેક સાચામાંથી રંગો શોધવાનો દિવસ છે. ધુ‌ળેટી એ રંગોથી નજરની ‘નજર’ ઉતારવાનો દિવસ છે.
ઓન ધ બીટ્સ
બે ડાળી વચ્ચે જાણે કે તડકો ગુલાબ છે,
મોસમનો રંગ કેટલો મીઠો બની ગયો!- શ્યામ સાધુ
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP