Back કથા સરિતા
અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી

કવિતા (પ્રકરણ - 78)
કવિ સંમેલનોનાં સંચાલનમાં નોખી ભાત પાડનારા અંકિત ત્રિવેદી ખુદ જાણીતા કવિ અને કટાર લેખક છે.
પ્રકરણ-42

કાગબાપુની અજાણી વાતો

  • પ્રકાશન તારીખ13 Mar 2019
  •  

કેસર, ચંદન, નિજકુરંગ, ચારણ, સેંદુર ને સિંહ
એતાં નગર ન નિપજે, (એ) પહાડમાંય પ્રસિદ્ધ.

કહેવાય છે કે ચારણો પહાડમાંથી આવ્યા. એમના નગર ન હોય એ તો પાતાળે શેષનાગ એમનું મોસાળ અને માતા-પિતા પાર્વતી અને મહાદેવ તથા જીવનમાં સરસ્વતીની ઉપાસના એ જ એમનું ધૈર્ય.
ગિરિજાસૂત ચારણ ગણાં, મણા પિતા મહાદેવ,
પખ મોસાળે શેષ પત, સરસત રસના સેવ.

ચારણની ચેતનાનું આવું સૂર્યપુંજ એટલે કવિ કાગ. ચારણના અછોવાના કરીને સર્જન અને શાશ્વતી જેમણે બક્ષી છે એવા લોકમર્મજ્ઞ એટલે જયમલ પરમાર. ભગતબાપુ બાળપણમાં જેમને ‘દાદા’ કહેતા એ રાજુલ દવેએ ‘દુલાકાગના પત્રો-પ્રેરણા’ પ્રગટ કર્યા છે. દુલા કાગે જયમલ પરમારને લખેલા આ પત્રોમાં લોહસાહિત્યની હૃદયસ્પર્શી વાતો તો છે જ, પણ એમાંથી એમની શબ્દ પ્રતિભાનો ઉછળતો દરિયો આપણા કાનમાં ઘૂઘવાટા મારે છે. આ પુસ્તકમાં કુલ 197 પત્રો છે, જેમાં દુલા કાગના વધારે અને જયમલભાઈના ઓછા છે. એ પણ સૂચક છે કાગબાપુએ વાણીથી જ કામ અાદરવાનું છે. જયમલભાઈએ એ વાણીના પ્રવાહને લોકો આચરણમાં મૂકી શકે તેવું કાર્ય કરવાનું છે.

1956માં દુલાભાઈ કાગ, મેરુભા ગઢવી જેવા ધુરંધરો અને અન્ય વિદ્વાન ચારણોનો વારસો નવી પેઢીને મળે એવો વિશેષ પ્રબંધ ઊભો કરવાનો પહેલવહેલો વિચાર રતુભાઈ અદાણીના મનમાં આવ્યો તેમાંથી જયમલભાઈના મંત્રી પદે ‘સૌરાષ્ટ્ર લોકસાહિત્ય સભા’ની સ્થાપના થઈ. આવું કાર્ય પોતાની નિસ્બત સાથે આજના સમયમાં કરનારા કેટલા? અવિનાશ વ્યાસે સુગમ સંગીત માટે આવા વિદ્યાલયનો નકશો અને નામ આપેલાં ‘નાદબ્રહ્મ’. જે આજે પણ ગૌરાંગ વ્યાસના ઘરમાં શબરીની જેમ પ્રતીક્ષા કરે છે.
મેઘાણીભાઈના ગયા પછી રવિશંકર મહારાજના હૃદયમાં ઘૂંટાતો ખાલીપો કાગબાપુએ પૂરો કર્યો હોય એવું લાગે છે. માત્ર ડાયરા અને સંમેલનો કરીને એમણે ધાર્યું હોત તો ઘર ભરી શક્યા હોત! ચારણનું ચોથું લક્ષણ છે :
સત્યવક્તા, રંજનસભા, કુશળ દિલ હિતકાજ,
બેપરવા દિલ કા બડા, સો રચ્ચા કવિરાજ.
નીડર, બેતમા અને વિશાળ દિલનો ચારણ સભાનું ખોટું રંજન ન કરે.

જયમલભાઈના કહેવાથી રામનવમી ઉપર પૂર્ણાહુતિ થાય એ રીતે મજાદરમાં ભાગવત બેસાડી. ખોબા જેવા મજાદમાં ગિરથી વાળાક સુધીના માણસોની હિંસ બોલતી હતી. રામનવમીને દિવસે કથાની પૂર્ણાહુતિ બંધ રખાવીને દુલાભાઈ ઊભા થયા અને બોલ્યા, ‘તમે બધા ભાઈ-દીકરા છો. મારા પોતાના છો. તમારો મારો નાતો કુટુંબ જેવો છે. કેટલાક સાંગણીઉં, ઊંટિયું વગેરે સાથે તો પેઢીવારનો સંબંધ છે. છોકરા બદલવાનો નાતો છે. સરપ હવે ફળિયામાંથી ઘરમાં અને ઘરમાંથી બધાને ખાટલે ચડતો જોઉં છું. મારી ફરજ છે કે તમને ચેતવવા જોઈએ. જો ન ચેતવું તો મોત ભાળું છું. હવે આપણે એકબીજાના સંબંધ જાળવવાના હોય તો દુલો અને દારૂ હવે ભેળા નહીં રહે. તમારે બેમાંથી શું જોઈએ છે તે નક્કી તમારે કરવાનું છે. જ્યાં સુધી ગિરથી વાળાક સુધીના લોકો તરફતી મને દારૂ છોડ્યાના ખબર નહીં મળે ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું.’ અને ભગતબાપુએ માથેથી પાઘડી ઉતારી ભાગવત પાસે મૂકી.
સમાજજાગૃતિ માટે માત્ર પદો જ લખ્યાં પાયાનું નક્કર કામ કર્યું. ગામેગામ ફર્યા. ગળું ખરાબ હોય ત્યારે કહેતાં કે ‘ગળું હરદ્વાર ગયું છે.’ માઇકને તેઓ ‘અવાજ ચલાવવાનો સંચો’ કહેતા! કાગબાપુજ કહ્યું છે, ‘ખુશામદ પાપ છે, પણ એથીયે મહાપાપ છે, ગુણના ઉચ્ચારનું મૌન.’ અંતે કાગબાપુની વાત સાથે શિષ્ટ અને લોક વચ્ચેની ભેદરેખા ઓગાળી દઈને એટલું જ કહેવું છે કે ભારતની કોઈ પણ કલાની જોડાજોડ ઊભું રહી શકે એટલું સમૃદ્ધ આપણું લોકસાહિત્ય છે. કાગબાપુની વાણીમાં આત્મજાગૃતિનું પ્રભાત છે.
ઓન ધ બીટ્સ:
આવ્યો પણ જાણ્યો નહીં, મનખા દેહનો મર્મ,
શેર લોટને કારણે, કોટિ બાંધ્યાં કર્મ.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP