ઓફબીટ / નથી ઓળખતો વસંતને, ઓળખું છું માત્ર તને

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Mar 06, 2019, 02:43 PM IST

મોબાઇલમાં તને મોકલેલા વોટ્સએપની,
ડબલ ટિકમાં બ્લૂ રંગ દેખાયો અને થયું
વસંત આવી.

  • ઉંમર વધ્યા પછી પણ હજુ એવી ને એવી જ છે, વસંત! જેવી તું!

ભરચક કામોની વચ્ચે તું યાદ આવી,
વસંત કહ્યા વગર વસંત થઈને આવી.
***
એકબીજાની આંખોમાં જોયું,
બાલ્કનીના કૂંડામાં ઊગું ઊગું થઈ રહેલી
કૂંપળે વસંત અને ફાગણનાં રંગબેરંગી ગીત ગાયાં.
***
આંખોમાં આંજવી ગમે એવી ચમક તને યાદ
કરતાં કરતાં અરીસામાં જોઈ ગેલમાં આવેલા
પડછાયાએ ફાગણનાં ગીતો ગાયાં.
***
ઉંમર વધ્યા પછી પણ હજુ એવી ને એવી જ છે,
વસંત...! જેવી તું!
***
ખાનું ફંફોસતાં હાથ લાગ્યાં તારાં જૂનાં કાર્ડ્ઝ
અને પત્રો એમાં ફરીથી તારા મરોડદાર અક્ષરો જોઈને
મારા ભરાઈ ગયેલા કાગળ પર લખવાનું
ભૂલી ગયેલા મારા હાથથી તારું નામ લખ્યું :
કેસૂડાનાં ફૂલોના માદક ઉમંગ ધબકારા વચ્ચે ફૂટ્યો
રૂંવાડા રંગો વગર ધુળેટી રમ્યા.
***
બીજાના નામને સર્ચ કરતાં સેવ થયેલું તારું
નામ મોબાઇલમાં ઝળક્યું, નંબર લગાડીને
તરત જ ફોન કટ કર્યો. મિસ કોલ ગૂંગળાઈ મર્યો,
પણ અંદરની વસંત મારી બહાર નીકળીને મને
ભેટી પડી.
***
તને કેટલી વાર કહું?
નથી ઓળખતો વસંતને! ઓળખ છું માત્ર તને!
***
લોંગડ્રાઇવ પર તારી સાથે નીકળ્યો હતો,
ત્યારે ગાડીની પાછળની સીટમાં બેઠી બેઠી વસંત
આપણી ‘કેન્ડિડ મૂમેન્ટ’ ક્લિક કરતી હતી.
હવે મોબાઇલના ફળિયામાં ફાગણ સ્ટેચ્યૂ થઈ ગયો છે.
***
મૌનમાં પાનખર અનુભવાતી હતી અને અચાનક
તારો અવાજ સંભળાયો. વસંતે તારી આંગળી
ઝાલીને પ્રવેશ કર્યો.
***
સપનામાં આવેલી વસંતે રંગબેરંગી ફૂલો હાથોહાથ
મારા હાથમાં મૂકીને આભાર માન્યો અને કહ્યું :
‘મારું ચાર્જર તો તમારા ‘તું’ છે.’
ઓન ધ બીટ્સ : તમારા અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
તમારા નયનની અસર થઈ ગઈ છે.
ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન,
કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે,
વિધાતાથી કોઈ કસર થઈ ગઈ છે.-

- ‘ગની’ દહીંવાલા
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી