Back કથા સરિતા
અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી

કવિતા (પ્રકરણ - 78)
કવિ સંમેલનોનાં સંચાલનમાં નોખી ભાત પાડનારા અંકિત ત્રિવેદી ખુદ જાણીતા કવિ અને કટાર લેખક છે.
પ્રકરણ-37

જ્ઞાનની માળા પર ભક્તિનાં ટેરવાંનો સંસ્પર્શ

  • પ્રકાશન તારીખ24 Feb 2019
  •  

ગુરુજી મ્હારા હૃદયમાં આપ પધારો,
ગુરુજી મ્હારા અંતરની જ્યોત પ્રગટાવો.
અંધારાં અંતરનાં દૂર કરીને,
જ્ઞાનની દીવડી અંતર ધરીને,
નિજનાં રૂપ ઓળખાવો. ગુરુજી...

જ્યોતના રૂપે મંદિરે બિરાજ્યા,
હૃદય ગુફાનાં અંધારાં કાપ્યાં,
તેનાં સ્વરૂપ દર્શાવ્યાં. ગુરુજી...

અજવાળે સમજણના ઉર ઉજાવ્યા,
વિષયનાં અંધારાં ઓલવી નાખ્યાં,
આતમનાં રૂપ ઓળખાવ્યાં. ગુરુજી...

હૃદયમાં આવ્યા છો દૂર કાં થાશો,
દૂર થઈને આઘા ગુરુજી ક્યાં જાશો,
મારા જીવનથી જુદા કેમ થાશો? ગુરુજી...

લક્ષ્મણદાસના ગુરુજી મળિયા,
રામ સાધુને દર્શન કરાવ્યાં,
સંતને ભાવે સમાવ્યા. ગુરુજી...

- રામદાસ મહારાજ

ઈશ્વર મંજિલ છે માનવજીવનની. છેલ્લે તો ઈશ્વરના રૂપમાં, કુદરતના સ્વરૂપમાં વિલીન થઈ જવાનું છે. જો ઈશ્વર મંજિલ છે તો એનો રસ્તો ગુરુજીના ચરણ અને આચરણ છે. ભક્તનાં લક્ષણો કયાં? ભક્ત નિરક્ષીર છે, ભક્ત સહજ છે, એની ભક્તિમાં સરળતા છે. એની વાણીમાં માત્ર ને માત્ર ઈશ્વર પ્રત્યેનો અનુરાગ છે. સંત રામદાસ મહારાજની આ પદરચના ‘ગુરુજી મારી અંતરની આંખો ઉઘાડો રે’ રાગ ઉપરથી લખાઈ છે, પણ ભક્તની, શિષ્યની પ્રેમલક્ષણા ભક્તિ પ્રગટ થઈ છે. શિષ્યભાવે આપણે તો જ્યાં છીએ ત્યાં જ રહેવાનું છે. એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. માત્ર હૃદયમાં આપણા ગુરુજી પધારી શકે એટલો અવકાશ કરવાનો છે.
ગુરુજી હૃદયમાં પ્રવેશે પછી અંતરનાં અંધારા દૂર થતાં જાય, હૃદયના અંધારામાં જીવતી આપણી વાસનાઓ, ભોગ-વિલાસોનો મોક્ષ થઈ જાય અને આપણે આપણા અજવાળે આપણને અજવાળતા જઈએ. એકવાર હૃદયમાં પ્રવેશ થાય પછી ગુરુજીને એટલી જ પ્રાર્થના કરવાની કે હૃદયમાંથી દૂર ન થશો! દૂર થઈને આઘા ન જશો. જીવન અને તમારું ‘હોવું’ મારા માટે એક જ છે! છેલ્લા બંધમાં સ્વામી રામદાસજી મહારાજ પ.પૂ. લક્ષ્મણદાસજી ગુરુને યાદ કરે છે અને પોતાને સંતને ભાવે સહજ રીતે અનુરાગમાં ઓગાળ્યાની વાત માંડે છે.
આપણા જીવનમાં એક ગુરુજી હોવા જ જોઈએ. આપણે જીવીએ છીએ, પરંતુ જીવંત રહી શકીએ એના માટે ગુરુની જરૂર પડે છે. ગુરુનું અજવાળું આપણામાં પ્રગટે પછી આપણે પણ ગુરુજીના સરનામે જીવીએ છીએ. ગુરુજી વ્યક્તિ નથી, સમષ્ટિમાં છુપાયેલો આ જગત પ્રત્યેનો અનુરાગ છે, કરુણા છે, પ્રેમપ્રપાત છે.
‘જીવનના હકાર’ની આ કવિતા રામદાસજી મહારાજે લખેલો અંતરના અજવાળાનો શિલાલેખ છે. જ્યાં ગુરુજી સમર્થ હોય ત્યાં આપણે પણ એટલા જ સાર્થક થવાની વેતરણમાં હોઈએ છીએ. જ્ઞાનની માળા પર ભક્તિનાં ટેરવાંનો સંસ્પર્શ થાય ત્યારે પદ સ્વયં જીવનની પ્રેમપ્રાંજલિ બની જાય છે.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP