Back કથા સરિતા
અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી

કવિતા (પ્રકરણ - 78)
કવિ સંમેલનોનાં સંચાલનમાં નોખી ભાત પાડનારા અંકિત ત્રિવેદી ખુદ જાણીતા કવિ અને કટાર લેખક છે.
પ્રકરણ-35

આપવામાં આનંદ આવે એવું લિસ્ટ...

  • પ્રકાશન તારીખ17 Feb 2019
  •  

પ્રભુ દેજો...
પ્રભુ, મારી અંધારી રાત્યુંને દેજો તારલા જી,
મારી અજવાળી રાતડીને ચાંદ,
કે ઊજળા દિનોને દેજો ભાણ જી,
પ્રભુ, મારી ફોરમને દેજો એનાં ફૂલડાં જી, પ્રભુ મારી૦
મારા વગડાને દેજો એનાં ઝાડ,
કે ધરતીને દેજો એના આભ જી,
પ્રભુ, મારી ચણને દેજો રે ચણનાર જી, પ્રભુ મારી૦
મારાં પાણીડાંને દેજો એના તીર,
કે સમદરને દેજો એના લોઢ જી.
પ્રભુ, મારા આંગણાને દેજો એનાં બાળુડાં જી, પ્રભુ મારી૦
મારા ગોંદરાને દેજો રે તળાવ,
કે ગાવડીને દેજો એનાં દૂધ જી.
પ્રભુ, મારા મનડાને દેજો એના માનવી જી, પ્રભુ મારી૦
મારા દિલડાને દેજો એનું દિલ,
કે આતમાને દેજો એના રામ જી. પ્રભુ મારી૦
- સુન્દરમ્

ઈશ્વરે આપણને ઘણું બધું આપ્યું છે. એ પછી પણ આપણે શું માંગવું જોઈએ એનું આ કાવ્ય છે. સુન્દરમ્ે આજીજી નથી કરી, સીધો હુકમ જ કર્યો છે. માંગવામાં આપણી આવડતનું શાણપણ હોવું જોઈએ.
ભલે જીવનમાં રાતોનું અંધારું હોય, પણ મારી આંખો એ અંધારાને જોઈને પ્રભાવિત થાય એવા ‘તારલા’ પ્રભુ પાસે માંગવાના હોય, અંધારું જ અજવાળાની કેડીને રળિયામણી બનાવે છે. ચાંદલાથી અજવાળેલી રાત પાસે કવિ ચાંદની અપેક્ષા રાખે છે અને ઈશ્વર પાસે માંગે પણ છે. દિવસ એકલો ઊગે તો ન ચાલે એની પાસે એનો ‘ભાણ’ એટલે કે સૂરજ પણ હોવો જોઈએ.
આપણી પાસે હાથ હોય તો કોઈકની હૂંફ ઝંખી શકીએ. આપણે જ હાથમોજાં પહેર્યાં હોય તો હાથ હોય તો પણ હૂંફ વગરના જ છે. અંદરની સુગંધને ફૂલ ફૂટવાં જોઈએ, અંદરના અફાટ વગડામાં એનાં પોતાનાં ઝાડ હોવાં જોઈએ. ધરતી જેવા ધૈર્ય પાસે આકાશ જેવી વિશાળતા પણ હોવી જોઈએ. કવિ નકશો દેખાડીને પ્રભુ પાસે NA ક્લિયર નથી કરાવતા. ખાલી જગ્યામાં ‘ખાલીપો’ વધે એ પહેલાં ખુદને વાવીને પોતાના છાંયડામાં રાચવાની એપ્લિકેશન કરે છે. ચણ હોય એટલું કાફી નથી, ચણનાર પણ જોઈએ. પાણીનો ધોધ હોય ત્યાં કિનારો જોઈએ, સમંદરને એનાં મોંજા વહાલાં પણ છે અને એનાથી એ રૂપાળો પણ છે.
આંગણું ખાલી હોય ત્યારે થનગનાટ ઘરડો લાગે છે. એમાં તો બાળકોની ઉછળકૂદ હોવી જોઈએ. ગોંદરે એકાદ તળાવ હોવું જોઈએ. ગાયને એનું દૂધ દેજો. પ્રભુને આપવામાં છોછ કે સંકોચ ન થાય એવું કવિ માગે છે.
છેલ્લો અંતરો આ કવિતાનો પ્રાણ છે. મારું મન મને સારો માનવી બનાવે, મારું દલડું એના પ્રિયતમ માટે ધબકે, મારો આત્મા એના રામથી રળિયાત છે. આટલું આપજો પ્રભુ.કાવ્ય અને પ્રાર્થના વચ્ચે ઓગળી ગયેલી ક્ષણ સુન્દરમ્ જેવા સાધક પાસે સજીવન લાગે છે. 28 જાન્યુઆરી, 1956માં લખાયેલું આ કાવ્ય આજે પણ પ્રસ્તુત લાગે છે. હકાર એટલે જ અજરાઅમર છે, કારણ કે એ સમયની બહાર સમયને વીંધીને જીવતો હોય છે. ઈશ્વરે આ બધું જ આપ્યું છે છતાંય આપણે હવે તારા વગરની રાત અને મન વગરનાં માનવીની મોકાણ માંડી છે.

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP