ઓફબીટ / સમય સાથે સેલ્ફી

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Jan 30, 2019, 06:38 PM IST

હમણાં સમય નથી એવું કહેનારા મોટેભાગે નવરા હોય છે. જેમને કામ કરવું જ છે, જેમને ‘આજ’ ઊજવવી જ છે એમને માટે ‘હમણાં’ પછીનું કોઈ વાક્ય કે શબ્દ અગત્યનો જ નથી. જીવનને જીવવામાં આપણે કોને પ્રાયોરિટી આપવી એ નક્કી કરવાનું છે અને છેલ્લે સુધી છેક છેલ્લી પ્રાયોરિટી પૂરી થાય ત્યાં સુધી ઝઝૂમવાનું છે. આપણે સમય એટલા માટે નથી બચતો, કારણ કે આપણો સમય વેડફાય છે. આપણે ઈશ્વરની હાલતી-ચાલતી ઘડિયાળો જ છીએ.

નાનાં-મોટાં શરીર આપણે પહેરેલી ઘડિયાળ જેવાં જ ઈશ્વરનાં નાનાં-મોટાં મોડલ છે. ઘડિયાળના કાંટાની આસપાસ સમય ઊગતો હોય છે એમ જીવનમાં ઈર્ષા, અપેક્ષા, મહાત્ત્વકાંક્ષાના કાંટાની અાસપાસ આપણે પણ ફૂલની જેમ મહેકવાનું અને મહોરવાનું છે. સમજાય તો સુગંધ પણ કાંટો જ છે.


તણાવના તાણાવાણા વચ્ચે જીવાતી આસપાસની જિંદગીઓ જોઉં છું ત્યારે દુ:ખ અને દયા બંને ઊપસે છે. એવું કયું કારણ છે કે આટલા બધા તણાવની ખેંચતાણમાં અાપણે જ આપણા નથી રહી શકતા? સંબંધો તો એના એ જ છે. એવા ને એવા જ છે. તો પછી કેમ આપણે એ સંબંધોને જીવી કે જીરવી નથી શકતા? દરેક વખતે અપેક્ષાઓનો જ વાંક કાઢવાનો?

અપેક્ષાઓ તો બંને પક્ષે વધારે પડતી જ રહેવાની! એટલે તો ગુસ્સે થયા પછી કોઈ મનાવવા આવે છે, એમાં મજા પડે છે! વાંક આપણા વિચારવાનો છે. કદાચ, વધારે પડતું વિચારવાનો છે. સાથે હોઈએ છીએ ત્યારે સંબંધોમાં હૂંફ અનુભવાય છે. સંબંધોથી વિરહ અનુભવીએ છીએ ત્યારે એકલતા! આ એકલતા ચેટિંગથી ચીટિંગ સુધી ન કરવા જેવી બધી જ બાબતો આપણાં ટેરવાં પાસે કરાવે છે. જે ટેરવાં કોઈકના સ્પર્શથી ક્યારેક સુગંધ વિના પણ મહેકી શકતા હતા!


આપણા ડિપ્રેશનનું, તણાવનું વધુ એક કારણ વધુ પડતું વિચારવાનું કે ધારી લેવાનું છે. સંબંધો સાચવવામાં આપણે વિચારોને નેવે મૂકી દઈએ છીએ. જે જીવ્યા છીએ, જેવું જીવ્યા છીએ, બધું જ ભૂલીને ‘હવે કેમ આવું ફરી ફરીને ન જીવાય?’ એ બાબતે વિચારતા થયા છીએ. આપણાં કામો એટલે જ જીવવાની જેમ બાજુ પર રહી જાય છે.


સમય આવે માણસે ગુસ્સો કરી લેવો. એ જ ગુસ્સાને ઉંમરના મુકામે સંભાળી પણ લેવો, એ જ પ્રેમને વહેમ બનતો પણ વિચારો જ અટકાવી શકે છે. સેક્સને લીધે ટકેલા સંબંધો પાંદડાં પહેલાં ખરી પડે છે અને માત્ર સ્નેહને લીધે ટકેલા સંબંધો ઊગ્યા પછી પુષ્પ અને ફળોની રાહ પણ જોતા જ હોય છે. અરસપરસ મૂકેલો વિશ્વાસ જ્યારે તૂટે છે ત્યારે એમાં માત્ર કોઈ એક કારણ નથી હોતું. એ તો નિમિત્ત બને છે.

આપણી દૃષ્ટિમાં જેની ઉપર વિશ્વાસ મૂક્યો હતો, એની દુનિયા જોવાની વિચારસરણીને બદલવાની આપણે કરેલી ભૂલ પણ એટલી જ જવાબદાર નીકળે છે.
એકલતાને ઉકેલવાના ઘણા રસ્તા છે. આપઘાત કરવાનો વિચાર એ તો શરમનો સ્વાઇન ફ્લૂ છે. જીવનને સાવ નાખી દેવાની બાબતમાં સંમત થતાં ડિપ્રેશનના દર્દીઓ આપણી અંદર જ છે. એક શિબિર આપણે કોઈને ખબર ન પડે એમ આપણા માટે કરવી જોઈએ. જેમાં આપણો અરીસો આપણો ભરોસો હોય એવા દીવાલો વગરના રૂમમાં રહેવું જોઈએ.

આપણે એવો કેવો ભરોસો મૂક્યો કે તૂટી ગયો? પેચ લડાવતી વખતે પતંગો કપાય છે ત્યારે સામેવાળાની દોરી આપણા કરતાં વધુ પાકી હતી એવું માનવું ભૂલભરેલું છે. આપણી ચગાવી શકવાની આવડત બરાબર છે, પણ પેચ લડાવવાની હેસિયત ઓછી પડી હોય એવું બની શકે છે.


સંબંધો તો ત્યાંના ત્યાં જ છે, સમય પણ પસાર થઈને ફરીથી રોજ એના સમયે આવે જ છે. આપણા વિચારો આપણને માફ નથી કરતાં એટલે જ ઊંઘની ગોળી જાગે છે અને માણસ પથારીમાં આળોટે છે.
ઓન ધ બીટ્સ :
આ બધું કેમ નવું લાગે છે?
કોઈ હૈયામાં ગયું લાગે છે.
- ગૌરાંગ ઠાકર
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી