જીવનના હકારની કવિતા / રૂપિયાથી નહીં રુદિયાથી થાય તે પ્રેમ...

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Jan 20, 2019, 12:05 AM IST

પ્રેમ મીઠો કે મીઠા પ્રિયતમ, બેમાં મીઠું કોણ?
કોઈનો અનુભવ કોઈ શું જાણે?

રસિક વિના કહે કોણ,
સજની! બેમાં મીઠું કોણ?
રાગ મીઠા તો લોચન મીઠાં,
ભાવ મીઠા તો ભોજન મીઠાં.

ભાવ વિનાનાં મીઠાં ભોજન, ભાવે જમશે કોણ?
સજની! બેમાં મીઠું કોણ?

મન વિના નવ મીઠાશ દીઠી,
હોય રસિક તો રાતડી મીઠી,
રસિયા વિણ રસ રમતો મીઠી, રસતી રમશે કોણ?
સજની! બેમાં મીઠું કોણ?

- રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ


પ્રેમ કરવો જ જોઈએ. પ્રેમમાં રચ્યાપચ્યા પણ રહેવું જોઈએ. પ્રેમમાં પડ્યા પછી પોતાની ફિકર પણ કરવાની જરૂર નથી. પ્રેમ આપણે છીએ એના કરતાં વધારે આપણને પોતાને જ ગમાડવાની મોસમ છે.

પ્રેમમાં આવેલાં આંસુમાં પણ મોગરા અને મધુમાલતીની સુગંધ છે. પ્રેમ અને પ્રેમી એકબીજામાં ઓતપ્રોત હોય તો જ ભવોભવનો તરણેતરનો મેળો જામે! પ્રેમ અને પ્રેમીની સરખામણી જ સ્વયમ્ પ્રેમનો ઊજળો હિસાબ છે. પ્રેમ અને પ્રેમી મીઠો પણ છે અને ખટમીઠો પણ. બંનેવ એકબીજાના અનુભવમાંથી પ્રેમમાં પડેલાને પસાર કરે છે. પ્રેમ અને પ્રેમીનો મીઠો અનુભવ કહેવા માટે પણ રસિક હૈયું જ જોઈએ. આ રસિક પણ પ્રેમનો અને પ્રેમીનો આશિક જ હોય છે. પ્રેમ અને પ્રેમી બંનેની મીઠાશ સરખામણીનું પાનેતર પહેરીને આ ગીતમાં રસિકતાનું મીંઢળ બાંધે છે.


રાગ મીઠો હોય તો લોચન એટલે કે આંખો મીઠી લાગે. ભાવ મીઠા હોય તો કોઈપણ પ્રકારનું ભોજન મીઠું જ લાગે. પ્રેમમાં ભાવ જોઈએ જેને રૂપિયાથી નથી મપાતો! રુદિયાથી પમાતો હોય છે. મીઠાશ સહુથી પહેલાં મનમાં હોવી જોઈએ. રસિક સાથે હોય તો રાતડી મીઠી હોવી જોઈએ. રસિક સાથે હોય તો રમતમાં પણ રસ પડે! રમત એટલે એકબીજાના પ્રેમને અનુભવવાની અને પ્રેમમાં પડ્યા પછી પ્રેમને ઊજવવાની રમત!

પ્રેમ અને પ્રેમીની મીઠાશ રસિક જણ જ જાણે! રસિક એટલે અનુભવી નહીં! રસિક એટલે રસને માણનારો ઉદ્્ગાતા! પ્રિયતમ મીઠો એટલે છે કે પ્રેમ મીઠો છે અને પ્રેમ મીઠો એટલે છે કે પ્રિયતમ મીઠા છે. આ સંવાદનો આસવ પોતાના જ પ્યાલામાં પોતાને ભરીને પીવાના અનુભવમાં છે. રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટનાં ગીતોનું સંપાદન તાજેતરમાં જ ‘સાહ્યબો મારો ગુલાબનો છોડ’ નામે પ્રકાશિત થયું છે. જૂની રંગભૂમિનાં ગીતોના ચાહકોએ અને જેણે ગુજરાતી કવિતાના અછોવાના કરવા છે એ બધાએ આ પુસ્તક વાંચવું અને વસાવવું જોઈએ એવું છે. મૂળ સાંભર-રાજ નાટકના ગીતનો આ પ્રણય-સંવાદ છે.


‘જીવનના હકારની કવિતા’માં આ કવિતા પ્રેમ અને પ્રિયતમ વચ્ચેના રસિક મૌનને ખોલવા અને ખૂલવાના મિજાજનું મરમાવું પ્રણયતીર્થ છે. પ્રેમમાં પડેલી કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી ફોરવર્ડ કે આધુનિક હોય, પણ પ્રેમમાં પડ્યા પછી આવી મૂંઝવણમાંથી પસાર થાય તો જ નવાઈ! પ્રેમ અને પ્રિયતમ ભાષા બદલે છે. સમયાંતરે પણ ભાવ અને ભવ બંને સરખા જ જિવાય છે. રસિકને વધુ વાત કહેવાય?
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી