Back કથા સરિતા
અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી

કવિતા (પ્રકરણ - 78)
કવિ સંમેલનોનાં સંચાલનમાં નોખી ભાત પાડનારા અંકિત ત્રિવેદી ખુદ જાણીતા કવિ અને કટાર લેખક છે.
પ્રકરણ-26

અકાળે મૃત્યુ જવાબદાર કારણોની બેદરકારી

  • પ્રકાશન તારીખ09 Jan 2019
  •  
આ જગતની નગ્નતાઓ જોઈ જોઈ થાકી જઈ,
સૌ અરીસાઓએ કપડાં પહેરી લીધાં છે હવે

શેર પાર્થ પ્રજાપતિનો છે. જેના આપઘાતના, મૃત્યુના સમાચાર થોડાક કલાકો પહેલાં મળ્યા. પાર્થ પ્રજાપતિ હજુ તો નવી કવિતામાં નક્કર ઊંડાણ સાથે કામ કરનારો પ્રતિભાસંપન્ન જીવ. મારી પાસે શરૂઆતના સમયમાં ગઝલો શીખતો. સમયની બાબતમાં પાક્કો. એની કવિતામાં જીવનની પીડા અને ઉદાસીનો મેળો જામેલો રહેતો. ઓછું બોલે, પણ સાંભળે બધાનું. છવાઈ જવાની ભૂખ નહીં, માત્ર ગઝલ લખ્યાનો આનંદ જ. એની આંખોમાં વહેવાની બાકી એવી બધી જ નદીઓ ચશ્માંના ચમકારામાં ઝગારા મારતી હતી. એ લખે છે...
દર્દનો તેથી વધેલો ભાર છે,
આંસુઓ ડૂસકાંના વારસદાર છે
ગઝલની વાત આગવી રીતે પ્રગટાવનારા કવિઓમાં એની રજૂઆતને કારણે ઘણી વાર એને અન્યાય થયાનું એ અનુભવતો. મારી સાંત્વના એના ભવિષ્યને ભરોસો આપતી. એની જિંદગીની હજુ તો પા પા પગલી થઈ રહી હતી. જિંદગી માંડ સ્થિર રહી હતી. કવિ નાનો કે મોટો નથી હોતો, એ તો માત્ર કવિ જ હોય છે. સકળ મૌનને સકળ લયમાં પરોવીને એ સમયના શિલ્પ પર સંસ્કૃતિનો ચહેરો ઉપસાવે છે, પણ કવિ સ્વયં જિંદગીથી હારી જાય અને શ્વાસની કિટ્ટા કરી લે ત્યારે સમાજે વિચારવું જોઈએ. એની સભામાં માણસો તો હશે જ, પણ એણે જે ઝાડ, પાંદ, પ્રકૃતિ વિશે લખ્યું છે, એ બધાં જ આજે પોતપોતાની જગ્યાએ ‘બેસણું’ કરીને ઉદાસ હશે.
અકાળે ચાલી જનારા કવિઓ અને એમની પીડા એ તો ભાવકોએ જ ભોગવવાની રહી. જમાનો ચાલ બદલે ત્યારે એ રસ્તાની જગ્યાએ શતરંજની નીકળે છે એનો ગમ કવિને જ હોય છે. વધુ જીવ્યો હોત અને પોતાની પીડાની વાત કરી હોત તો ભીની આંખે આવું લખવાનું ન આવત. એણે જ એની FB વોલ પર કવિતા લખી છે તેની કેટલીક પંક્તિઓ જોઈએ.
વાંચવા જેવો કાગળ
કાલે કદાચ હું નહીં હોઉં, મારા ઓશિકાની નીચે,
રાખેલાં સપનાંઓની જાણ કોઈને નહીં થાય. એ
સપનાંઓ મારી સાથે જ બળીને રાખ થઈ જશે.
*
મારા મૃત્યુના માનમાં નિશાળમાં એક દિવસની રજા
રાખવામાં આવશે. નિશાળમાં હાજરી પૂરતી વખતે
મારો રોલનંબર બોલાશે, ત્યારે કોઈ મારી પ્રોક્સી
નહીં પૂરે.
*
મારા આમ અચાનક મરી જવાથી મારી ગેરહાજરીની નોંધ
ચોક્કસ લેવાશે. મારું કુટુંબ, મારી આસપાસનો સમાજ
અને મારી નિશાળ મારી ગેરહાજરીને કારણે થોડા સમય
સુધી સ્તબ્ધ થઈ જશે. મારી આત્મહત્યાને કારણે થોડા
દિવસ સુધી લોકો આજની શિક્ષણપ્રથાને અને પરીક્ષા
પદ્ધતિને ગાળો આપશે. બહુ જ ટૂંકા સમય સુધી મારી ગેરહાજરી વર્તાશે. બહુ જ ટૂંકા સમય સુધી અને પછી સમય બધું જ બરાબર કરી આપશે. કોઈ મને યાદ નહીં કરે. કોઈ પરીક્ષા પદ્ધતિ કે શિક્ષણપ્રથા બદલવાની વાતો નહીં કરે.
*
મારી ગેરજારીના માનમાં લોકો બે મિનિટનું મૌન પાળશે,
જે ક્યારેય બે મિનિટ સુધી પણ ચાલતું નથી.
ગઝલ લખીને આવતા પાર્થને, નવી ગઝલ વાંચતી વખતના એના ઉત્સાહને આજે પણ અનુભવું છું. ગુજરાતી ગઝલ નજરાઈ ગઈ છે, નહીંતર આવું તો સાવ ન જ બને! ⬛
ઓન ધ બીટ્સ:
જમાનાનું ધાર્યુંયે કરવું પડે છે,
કમોતે ઘણી વાર મરવું પડે છે
- શૂન્ય પાલનપુરી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP