Back કથા સરિતા
અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી

કવિતા (પ્રકરણ - 78)
કવિ સંમેલનોનાં સંચાલનમાં નોખી ભાત પાડનારા અંકિત ત્રિવેદી ખુદ જાણીતા કવિ અને કટાર લેખક છે.
પ્રકરણ-19

કુતૂહલની અટારીએથી

  • પ્રકાશન તારીખ12 Dec 2018
  •  

જિંદગીને અલ્લડ, તોફાની, ધીંગામસ્તી કરતા બાળકના કુતૂહલથી જીવવાની મજા આવે છે. બધું જ ગોઠવીને જીવનારા માણસો વહેલા નવરા પડી જતા હોય છે. એ લોકો પાછા બીજો પણ વહેલો નવરો થાય એમ ઇચ્છે છે. સલાહ કે વાકેફ કરવાનું કામ એવા લોકોનું છે જેમને પોતાના કામમાંથી સમય મળતો હોય! જિંદગીને ટાઇમટેબલમાં ગોઠવ્યા પછી પણ હવે પછી શું થવાનું છે? તેની અસમંજસ તો રહે જ છે. તો પછી ‘સહજ’ને માન આપીને ‘સમય’ને સ્વીકારવા જેવું મોટું સુખ બીજું કયું હોઈ શકે? ‘માન’ કોને આપવું? સામે ઊભેલા માણસને કે એ માણસે સર કરેલા સમયને?

જીવનની પ્રત્યેક ક્ષણ પાસે આનંદ છે. આપણા મૂડ પર તેનો આધાર છે

જો એણે કોઈ પણ વાત મેળવીને કે સાર્થ કરીને લીધી છે તો એ ક્યારેક યથાર્થ રીતે પાછી પણ આપવી પડશે. ખુરશીને કોઈ લેવાદેવા નથી. એ ખાલી હોય તો પણ એ ખુરશી જ છે. માણસ માટે એવું કહેવાય ખરું? ખાલી માણસો ટોળાના માણસો છે. એમને વારેઘડીએ સંસ્કારો પ્રમાણેની ચિચિયારીઓ કરવાની ટેવ પડી છે. ભરેલા માણસો મેળાની પણ ચિંતા કરતા નથી. સૂરજ ઊગ્યા પહેલાંનું આકાશ કોનું? ચંદ્ર સૂરજને ઊગવાની બાંહેધરી નથી આપતો. સૂરજ ચંદ્રને પોતાની હોશિયારી નથી બતાવતો. બંનેની સમજને કારણે આકાશ શોભાયમાન છે. આપણે જીવનને કારણે અને જીવન આપણને કારણે શોભાયમાન છે. નાની-નાની બાબતોમાં ચંચુપાત કરીને મૃત્યુના સનેપાતને ક્યાં સુધી છાવર્યા કરીશું? એસિડિટી ન થાય માટે ખાવાનું ચાલુ રાખવું એ એક બાબત છે અને ખાવાને કારણે ડાયટિંગ કરવું પડે એ બીજી બાબત છે.


જીવનની પ્રત્યેક ક્ષણ પાસે આનંદ છે. આપણા મૂડ પર તેનો આધાર છે. કંટાળો એટલે આવે છે કારણ કે ન કરવાનાં કામોમાં આપણે વ્યસ્ત રહીએ છીએ. દુ:ખી એટલે થવાય છે, કારણ કે બીજા ઉપર મદાર રાખીએ છીએ. ઇચ્છાઓ રાખવા કરતાં મહત્ત્વાકાંક્ષી બનવું વધુ સારું છે. મહત્ત્વાકાંક્ષા આપણે રાખવી હોય છે. અપેક્ષા બીજા પાસે રાખવામાં આવે છે. ઇચ્છા મનને પોતાનું ધાર્યું કરાવડાવવાની જરૂર પડાવે છે. પરિણામે વાતે વાતે દુ:ખ પ્રગટ થાય છે.


નાનકડા ઘરમાં જિંદગીની મુશ્કેલીઓને હસતાં-હસતાં જીવી કાઢતો આમઆદમી મોટા બનવા કરતાં ‘સારા’ બનવાનું વધારે પસંદ કરે છે. જે દેખાય છે તે સુખ છે, પરંતુ જે અંદરથી અનુભવાય છે તે આનંદ છે. સુખને આંખો છે, આનંદને હૃદય છે. સુખની આંખોને નિંદાનાં ચશ્માં અને દુ:ખનો મોતિયો આવે છે. આનંદના હૃદયને આ બધી પળોજણમાંથી મુક્તિ મેળવવી છે.


તમારા ખિસ્સાને પરવડે છે તે આનંદ છે, પરંતુ આપણને ખિસ્સામાં વધારે ભરવાની આદત છે. પરિણામે ‘મોટા’ બનવું પડે છે. આપણે જેવા છીએ એવા આપણી જાત આગળ રજૂ થઈએ તો માણસ બનવા માટે ચિંતા કરવી નહીં પડે! ‘સારા માણસ’ થવું એ આપણી હોબી હોવી જોઈએ. આદતમાં વધારો થતો જાય ત્યારે આપણે મોટા માણસ બનવાની સ્પર્ધામાં આગળ વધીએ છીએ. આદતમાં ઘટાડો થતો જાય ત્યારે સારા માણસ બનવાની આદતમાં વધારો થતો જાય છે.


મોટા માણસોની લાઇફસ્ટાઇલ સાવ કાઢી નાખવા જેવી નથી. એમાં સચ્ચાઈની સુગંધનો સંબંધ હોય છે. તમે તમારી જાતનું એનાલિસિસ કર્યું છે? આપણે સારા કે મોટા માણસની સાથે સાથે સારા માણસને જાળવી રાખવાનો છે. કુદરત નક્કામા ઘાસની સાથે સાથે જરૂરિયાતની વનસ્પતિ પણ ઉગાડે છે.
ઓન ધ બીટ્સ:
મારી ન્યૂનતા ના નડી તને,
તારી પૂર્ણતા ગઈ અડી મને.
- ઉમાશંકર જોશી

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP