તું : જિવાતી આ ક્ષણ...

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Dec 05, 2018, 12:05 AM IST

તને લખું કે મને. વાત અનુસરે પ્રેમને. તને પ્રેમ કરવાનો અર્થ ધીરે ધીરે વર્ષોથી શીખી રહ્યો છું. પ્રેમને શીખવાની અને તારા નામને ઘૂંટવાની બાબતનો હું આજીવન વિદ્યાર્થી છું. દરિયાકિનારે તારું નામ નથી લખવું. દરિયાનાં મોજાંની બીક લાગે છે. કિનારાને છાલક ભલે ગમે. તારું નામ ફીણફીણ થઈ જાય તે ન પાલવે. તારા નામને હાડકામાં કોતરવું છે. શ્વાસમાં ભરું ત્યારે સંગીતની જેમ સોંસરવું ઊતરી જાય એમ ગણગણવું છે. મારું પ્રત્યેક અંગ તારો અક્ષર બની જાય એ રીતે તને અરીસામાં અનુભવવી છે. સમજીને સહેલા થવાનું તારી પાસેથી જલદી શિખાય છે. તારી આંખોમાં દુનિયા છે જેમાં મારું અસ્તિત્વ પાંપણની જેમ પલકારા મારે છે. તારી યાદમાં નીકળેલાં આંસુ મંજીરા વગાડે છે વિરહને ઊજવવાની ક્ષણના.

તું એટલે પ્રેમ? તું એટલે એવો ટેકો જેના સહારે મારો નાતો પ્રગટે છે

કશું જ સૂઝતું ન હોય એવા સમયે ધાર કાઢીને બેઠેલા શબ્દોની મૂંઝવણ પણ તું જ છે. લખવું છે, પણ શું? એની નથી ખબર, લખાઈ ગયા પછી પેનની અંદર વસતું શ્યાહીનું તું જ છે નગર. જ્યાં ભૂલો પડીને ફરીથી મને ઓળખવા માગું છું. તું મને રોજ લખે છે. તું પળેપળની પંચમી છે. તું પરમ અવસ્થાની પૂનમ છે. ઢળેલી પાંપણોની અમાસ છે. પંક્તિ વગરના વાક્યને મળેલો અનાયાસ પ્રાસ છે. તને હું ને મને તું લખીએ છીએ ત્યારે દૂરતા ક્યારે નજીકની સૂરતા બની જાય છે તેનું ભાન નથી રહેતું. તું એકતારા પરનું ગીત, હું એકતારા જ પરનું સંગીત. તું અને હું એટલે એવી ક્ષિતિજ જ્યાં ધરતી અને દરિયો ભેગાં મળીને પોતાની જ દુનિયાને બથ ભીડીને જોતાં હોય છે. તું વાતાવરણ છે, જે ક્યારેક ઉદાસ કરે છે ને ક્યારેક મને જ ન ખબર હોય એ પ્રીતે આનંદિત કરે છે. તું મારા કર્મને આગળ વધારનારો રસ્તો છે. તું મને ભૂંસીને ઉપસેલો રાજમાર્ગ છે. ચશ્માંની ફ્રેમ બદલે દૃશ્યોની સમસ્યા હળવી નથી થવાની, એની ઊંડી સમજણ છે.


તું એટલે પ્રેમ? તું એટલે જિંદગી? તું એટલે એવો ટેકો જેના સહારે મારો નાતો પ્રગટે છે. મને અરીસા વગર જે જોઈ અને શબ્દો વગર જે ઓળખી શકે છે તે તું. તું વ્યાખ્યામાં નથી, વ્યાખ્યાનમાં પણ નથી. તું બધે જ છે. શક્તિની ઉત્પત્તિ અને સહનશક્તિની વ્યુત્પત્તિમાં તું જ છે. તારો ડેટાબેઝ સદીઓથી એવો ને એવો છે. મારા માહ્યલાનું સોફ્ટવેર બદલાયા કરે છે. ભાષા બદલાયા કરે છે. પરિભાષામાં તું એવી ને એવી જ. તને પ્રેમ કરવાનો અર્થ પોતાના ભણી પાછા વળવાને બનવું સમર્થ. તને જોવાની છે જ નહીં, રૂપ અને સ્વરૂપ તારી અંદર તદ્્રૂપ છે. તું ક્યારેક જગતજનની છે ક્યારેક જગતમિત્ર છે, ક્યારેક કેનવાસ પર નહીં દોરાયેલું ચિત્ર છે. તું પર્વ છે. આંગણાની રંગોળી છે. પરિવર્તનની હવાને લઈને ઊડતો મારી જ અગાશીનો પતંગ છે. બીબાઢાળ અવસ્થાને રંગી નાખતી ધુળેટી છે. તને કહેવાનો કોઈ અર્થ નથી, કારણ કે તું જ મને આ બધું લખાવે છે. તું એવી ઘેલછા છે જેને વધુ ને વધુ સાથે જીવવી ગમે! તું એવો પ્રયત્ન છે જે દરેક વખતે સફળ જાય એવી ઇચ્છા થતી રહે. તું એવા આશીર્વાદ છે જે દરેક અજાણી પરિસ્થિતિને ભવોભવની ઓળખ અપાવે.


તું સોળ વર્ષનો કુંવારો પ્રેમ, ચાલીસે આવતી સમજણ, સાઠે સાથે અનુભવાતો સંગાથ. તું એક દિવસે ઊગતી પ્રત્યેક દિવસની સવાર, બપોર, સાંજ અને રાત. તને નામ પાડ્યા વગર જીવતા આવડે છે. મને નામ પાડીને જીરવતા આવડે છે. આ પ્રેમ નથી, ઋણાનુબંધ નથી, સગપણ કે કશું જ નથી. આ છે આ ક્ષણ. ‘તક્ષણ...’ જ્યાં મળીએ છીએ એકબીજાને ત્યારથી જ છૂટા પડવાની વેદના કોરી ખાય છે. શ્વાસનું સરનામું શરીર છે. નિસાસા સાથેના ઉચ્છવાસનું સરનામું પુખ્ત વયનું હોવા છતાંયે સગીર છે.


ઓન ધ બીટ્સ:
પ્રેમમાં થઈ જાય છે દિલદાર આંખો,
વ્હેમમાં થઈ જાય ચોકીદાર આંખો.- મનીપ પાઠક ‘શ્વેત’

[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી