વેઠવામાં વૈકુંઠનો અનુભવ

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Dec 02, 2018, 12:05 AM IST

કાયમ માગું છું

હા, તકલીફો બેફામ રહે બસ એ જ તો કાયમ માગું છું,
લડવાની કિંતુ હામ રહે બસ એ જ તો કાયમ માગું છું.

પથ્થરમાં પથ્થરને બદલે માણસમાં હો માણસ જ્યાં,
એ મારું તીરથધામ રહે બસ એ જ તો કાયમ માગું છું.

જતા રહ્યા હો જે એ કાં તો પાછા આવે રે... અથવા-
યાદોનું ઘર સૂમસામ રહે બસ એ જ તો કાયમ માગું છું.

જનોઇધારી આરત-પૂજા થાય અહીંયા અલ્લાની,
’ને બાંગના સૂરમાં રામ રહે બસ એ જ તો કાયમ માગું છું.

યુદ્ધોમાં પ્રવૃત્ત રહું શ્રીકૃષ્ણ બની હું, પણ તાસીર,
પ્રેમમાં કેવળ શ્યામ રહે બસ એ જ તો કાયમ માગું છું.

- શોભિત દેસાઇ


માગવાનો હક બધાને છે. પણ શું માંગવું? અને કોની આગળ માંગવું? એ સૌથી વધારે અગત્યની બાબત છે. સુખ માંગીશું તો ક્યારેક જતું રહેશે ને માગતી વખતે પણ ક્યારેક જવાનું જ છે એમ માનીને સુખને આપણે માણી નથી શકવાના!


સુખ અને દુ:ખ દરેકના જીવનમાં આવ્યા કરે છે. આ દુ:ખને જ આપણે તકલીફો ગણીએ છીએ. હકીકતમાં તો આ તકલીફો કાયમ રહે અને બેફામ રહે તો જીવનને પણ જરાય પારકું ન લાગે! આમ જોવા જઈએ તો આ તકલીફો જ તકની મહેફિલ છે. અને આ તકલીફો કાયમ ભલે હોય પણ એની સામે લડવાની હામ હોય એટલું માંગવું વધારે જરૂરી છે. તકલીફો સામે લડતા રહેવાની હિંમત હોવી બહુ જરૂરી છે.


સુખ પછી દુ:ખ અને દુ:ખ પછી સુખ આવે છે એ સાચું અને આ સુખ વિતાવવા માટે પણ કોઇક તો સાથે જોઇશે. તમે જોજો કે દુ:ખમાં-તકલીફોમાં કોઇક આપણી સાથે આપણને પણ ખબર ન પડે એમ હશે! પ્રતિકૂળ પરિસ્થિતિમાં હતાશ થઈને બેસી રહેવાને બદલે હિંમતભેર ઊભા રહીને એેને ઝીલવાની છે. તેથી જ વિવેકભાન રાખીને અને ધીરજ ધરીને આપણે એને આ પરિસ્થિતને સમાનભાવે સ્વીકારવાની છે.


પથ્થરની જગ્યાએ અને માણસમાં ‘માણસ’ વસે એ સ્થળે આપણું તીરથધામ હોય તો ભયો ભયો! ર.પા. કહે છે...


‘માણસથી મોટું કોઇ નથી તીર્થ પ્રેમનું,
હું છું પ્રથમ મુકામ લે, મારાથી કર શરૂ.’


ગયેલી વ્યક્તિ કાં તો પાછી આવે અથવા યાદોનું ઘર સૂમસામ રહે. કોઇ સ્થળ કે સરનામા વગરનું અવાવરું રહે. કોરા કાગળની મજા લખેલા અક્ષરોના વરઘોડામાં નથી જીવતી! જનોઇ-ધારી જ્યારે આરતી પૂજા કરે ત્યારે અલ્લાહને અને બાંગમાં રામને સાથે રાખે ત્યારે બિનસાંપ્રદાયિક વાતો જ નહીં, વાતાવરણ પણ ખડું થશે. જે શાશ્વત રહે એ જ માંગવું એ કવિધર્મ છે.


આપણે દુનિયામાં જીવીએ છીએ. એટલે મહાભારતનું યુદ્ધ આપણા અરીસાથી જ લડવાનું શરૂ થાય છે. ત્યાં આપણે કૃષ્ણ હોઇએ એ બહુ જ સ્વાભાવિક છે. પણ, પ્રેમમાં આપણે શ્યામ જ રહેવાનું હોય છે. જ્યાં સ્વભાવ અને અભાવ એક જ કક્ષા પર જીવે છે.


ઉમાશંકર જોશીએ એક કવિતામાં હૈયું, મસ્તક, હાથ આપ્યાનો આભાર વ્યક્ત કર્યો છે. પછી કશું નથી જોઇતું એમ કવિને કવિતામાં માણસાઇનો વિસ્તાર કર્યો છે. શોભિત દેસાઇનું આ કાવ્ય ‘જીવનના હકારની કવિતા’નો એવો એવો ચેતોવિસ્તાર કરે છે જ્યાં વેઠવામાં વૈકુંઠનો અનુભવ થાય છે.
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી