આજને, અત્યારને, પળને, પ્રાણને ઊજવતી કવિતા...

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Oct 21, 2018, 12:24 PM IST

બબ્બે બારણાં
મારા તે ઘરને રે કે બબ્બે બારણાં,
ખુલ્લાં દિન ને રાત-કે બબ્બે બારણાં.
આ રે તે બારણાંને તોરણિયે ગૂંથ્યાં
સૂરજનાં સોનેરી હાસ,
પેલા તે બારણાની દીવડીએ પૂર્યા
અંધારી રાતના ઉજાસ-કે બબ્બે બારણાં.
આ રે તે બારણે વાસંતી વાયરા
કૂંપળની લહેરોમાં ન્હાય,
પેલે તે બારણે પગલાંની છાપમાં
વણઉકલી લિપિ અંકાય-કે બબ્બે બારણાં.
આ રે તે બારણે હું, અણજાણ પેઠો
જાવું છે જાણીને બહાર,
પેલા તે બારણાને તેજે ટકરાતી પછી
આંખે શે વળતા અંધાર-કે બબ્બે બારણાં.
- સ્નેહરશ્મિ

માણસના મનની જેમ એની વસવાટ કરવાની જગ્યા પણ સાંકડી થઇ ગઇ છે. ઓસરી સ્વયં ઓસરી રહી છે. ફળિયું ચિત્રકારની પીંછીમાં કે ઘરની દીવાલ પર લટકતાં કુદરતી દૃશ્યોમાં સ્થિર થઇ ગયું છે. પહેલા ઘરને બે બારણાં હતાં હવે એક જ બારણું છે. એ બારણું અંદર ખૂલે કે બહાર એ તો પછીની વાત છે. અત્યારની વિષમતા તો ડોરબેલ વગાડ્યા પછી પણ બારણું ખૂલતું નથી એની છે. સ્નેહરશ્મિના આ ગીત ઉપર બહુ ઓછા લોકોની નજર પડી છે. આજે સ્નેહરશ્મિને આ ગીત સંદર્ભે હકારમાં ગૂંથીને રવિવારમાં ઊજવવા છે...


ઘરનાં બે બારણાં મુખ્ય-બહાર ખૂલે કે અંદર એ તો ગૌણ... પરંતુ ખૂલે એ અગત્યનું... આ બારણાં તો નિમિત્ત છે. કવિ વાત કરે છે જીવન અને મરણની... એનું કોઇ સરનામું નથી હોતું. ખરેખર તો એનું ઘર પણ નથી હોતું. હા, આપણે જ્યાં જીવીએ ત્યાંથી એનું વણઝારાપણું શરૂ થાય છે. Entry અને exitની વચ્ચે, આગમન અને વિદાયની વચ્ચે એ બારણાંને આંગણે સોનેરી સૂરજના હાસ્યનું તોરણ ઝૂલે છે... એના ઉંબરે સૂરજે દીવા કર્યા છે... અને દીવો ઓલવાઇ જાય પછીનો રાત્રિનો ઉજાસ પણ બારણાનાં ઓવારણાં લે છે. એ બારણે ક્યારેક વસંતની કૂંપળની લહેરોમાં નાહી-ધોઇને વાયરો આવન-જાવન કરે છે જાણે કે આયખાની વણઉકેલી લીટીનું લીંપણ છે!

આપણે એમાં અજાણ્યા યાત્રીની જેમ આવન-જાવન કરીએ છીએ, અંદર-બહાર કરીએ છીએ જાણીતાને મળીને મેળો અને અજાણ્યાને મળીને ફેરો સાર્થક કરીએ છીએ, પુનર્જન્મ, પૂર્વજન્મ અને પુનર્જીવન-ત્રણેયને એકસાથે શ્વસીએ છીએ અને ફરી પાછા નવે નામે પ્રગટીએ છીએ. બારણું બંધ થયાનું અંધારું, બારણું ખૂલ્યાના અજવાળા સાથે નવા અવતારને ધારણ કરે છે. ફેફસામાં શ્વાસની આવન-જાવન એમ બબ્બે બારણાં આપણા જ મૃત્યનું ગમન અને આવાગમન... જીવનમાં હકારની આ કવિતા, આપણે જ આપણા બારણાની સાંકળ જાતે ઉઘાડીને જાતને અંદર પ્રવેશવા માટે કંકુ-ચોખા અને આરતી લઇને ઊભેલી છે. આમ, આપણે સરનામાં વગરનાં-દીવાલો વગરનાં, શરીર-ઘર વગરનાં અને તો ય આ દિવસ-રાતનું બારણું આપણને આશ્ચર્ય અને અચંબા સાથે હકારમાં હૂંફાળું રાખે છે...! આપણે પણ ડોરબેલ વગાડ્યા વગર એમાં પ્રવેશ કરવાનો છે. બાકીનું આવન-જાવન કરતી હવા ઉપર છોડી દેવાનું...!
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી