આપણા ક્લાસરૂમમાં

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Oct 17, 2018, 07:11 PM IST

અસ્તિત્વ આ શબ્દ બહુ વહાલો લાગે છે. અસ્તિત્વ પર સામાન્ય રીતે કોઈ સંદેહ નથી કરતું, પરંતુ એની જગ્યાએ ઈશ્વર શબ્દ આવે છે ત્યારે આસ્તિક અને નાસ્તિકથી સભા ભરાય છે. આપણા પ્રશ્નો પણ સામાન્ય રીતે આપણા માટે છે જ નહીં, બીજાને માટે જ છે. ઈશ્વર મળે તો આપણે એને પ્રેમ કરવાની કે ચૂપચાપ માણવાની જગ્યાએ પ્રશ્નો જ વધારે પૂછીએ એમ છીએ. આપણે એવી રેસમાં દાખલ થયા છીએ જેના નિયમો અને રમતનું નામ આપણને જ ખબર નથી. આપણા કોસ્મેટિક સ્વભાવમાં પાણીમાં તરતી હોડી જેવાં છિદ્રો છે, જે માછીમાર હોડી ચલાવતાં ચલાવતાં બહાર કાઢતો રહે છે.

આપણા દુ:ખનું કારણ જો આપણે જ હોત તો આપણે આટલા દુ:ખી ન હોત

આપણે દુ:ખી થઈએ છીએ, કારણ કે આપણે આપણા શરીર પાસેથી અપેક્ષાઓ રાખીએ છીએ. શરીર તો ઉધાર છે, પાછું આપી દેવાનું છે. શરીર શાશ્વત નથી. શાશ્વત અસ્તિત્વ છે. જેમાં આપણને વિશ્વાસ નથી. સમાજનો ભય આપણા સ્વભાવનો ભાવ બની ગયો છે. આપણા સુખનો સ્વભાવ આઇ.એસ.આઇ. માર્કાવાળો નથી. આપણને આજે જેમાં મજા મળે છે, કાલે એમાં મજા ન પણ મળે. અમાસની રાતનું અજવાળું રોજ રહે તો કોને ગમે? સૂર્ય ચોવીસ કલાક ઊગ્યા જ કરે અને આથમે નહીં તો કોને ગમે? પીડા એ આનંદના આગમનની છેલ્લી સાયરન છે. એની સાયરન વાગે તો સમજવું કે હવે આનંદના દરબારમાં આપણે જવાનું જ છે. જે આપણું છે જ નહીં એને આપણે ભોગવવા માગીએ છીએ. જેમ કે, શરીર! શરીર ઉધાર છે. એની સાથે તાદાત્મ્ય કેળવવાનું છે અને આપણે એનામાં તન્મય થઈ ચૂક્યા છીએ. એટલે જ આપણું મન બીજાને દુ:ખી કરીને ખુશ થાય છે. એટલે જ આપણી સવાર ખુશનુમા હોય છે અને રાત પડતાં સુધીમાં આપણે લોટપોટ બની ગયા હોઈએ છીએ.


આપણે અવારનવાર બદલાયા છીએ એ વાત ભૂલી જઈએ છીએ. આપણા દુ:ખનું કારણ જો આપણે જ હોત તો આપણે આટલા દુ:ખી ન હોત. આપણા દુ:ખનું કારણ બીજા ઉપર મદાર રાખે છે એટલે આપણે વધારે દુ:ખી છીએ. બીજો દુ:ખી થાય તો જ આપણે સુખી હોઈએ છીએ. આપણી પાસે રેઇનકોટ હોય તે પૂરતું નથી. બીજાની પાસે રેઇનકોટ ન હોવો જોઈએ ત્યારે જ આપણે આનંદિત હોઈએ છીએ.


જેટલી પ્રાર્થના આપણે ઈશ્વરને કરીએ છીએ એ પ્રાર્થના ફળે અને ઈશ્વર આપણને મળે ત્યારે આપણે શું કરીએ? બધું જ બાજુ પર મૂકીને ઉઘરાણી ચાલુ કરીએ. અસ્તિત્વ અને ઈશ્વર બંને એકબીજામાં ખોવાયેલા સાબિતી આપ્યા વગરના ખુલાસા છે. આકાશ તો સદીઓથી છે જ. બારી શોધાઈ પછી એ આકાશની ખૂબસૂરતીનો પરિચય મળ્યો. થોડુંક જોયા-અનુભવ્યા પછી જ આપણને અખિલાઈનો આનંદ મળતો હોય છે. આકાશ પણ બ્રહ્માંડની બારી જ છે ને?


જીવવા મળેલી પાંચ ઇન્દ્રિયો કેવા કેવા ખેલ કરાવે છે. જેણે બનાવ્યા અને જેનામાં ખોવાઈ જવાનું છે એ અસ્તિત્વ પર ચર્ચા કરાવે છે. આમ બધી જ ઇન્દ્રિયો અલગ છે અને આમ બધી જ ઇન્દ્રિયો એકમેક પર નિર્ભર છે. ઇન્દ્રિયો શરીરમાં સમયાંતરે સ્થિર બને છે. ત્યારે બુઢાપો સમયની બુકાની પહેરીને આવે છે. અસ્તિત્વ અહીંયાં પોતાનું પ્રમાણભાન આપે છે. જે પતંગિયાં પાછળ આપણે દોડતા હતા એ પતંગિયાં આપણી આગળ-પાછળ ફરે છે, પણ હવે આપણો બગીચો જે જગ્યાએ બેઠા છીએ એ જગ્યા પૂરતો બાંકડો બની ગયો હોય છે. સારું, ખરાબ, નસીબ આ બધા જ શબ્દો દરેક ઉંમરે પોતાનો પરચો બતાવે છે. બીજા તમને સુખી કરીને જ જંપશે એ વિચાર માત્ર જ આપણને વધારે દુ:ખી કરે છે. આપણા કાર્ય માટે આપણે પૃથ્વી પર આવ્યા છીએ. આપણું પીંજરું વધારે સ્વતંત્ર છે જે આપણા વગર પણ બીજાનું થઈ શકે છે. વરસાદ વગર પણ ભીંજાઈ શકે છે. આંસુ વગર પણ રડી શકે છે. ફરિયાદ કર્યા વગર પણ હસી શકે છે. ચાહ્યા વગર પણ અપનાવી શકે છે. બે આંખોના પ્રેમમાં બંધ આંખે ઉપડી શકે છે. કોઈનું કામ ન થાય તો એનો વસવસો ઈશ્વરની મૂર્તિ આગળ કરીને પોતાનું પ્રાયશ્ચિત્ત કરી શકે છે. પોતાના ભવેભવના ખેલની દોરી છે જેના પર લટકીને આપણે બજણીમાનો ખેલ કરી રહ્યા છીએ.


ઓન ધ બીટ્સ : માણસને જે ગુસ્સો કરાવે છે એ સત્ય હોય છે.}લેટિન કહેવત
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી