Back કથા સરિતા
અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી

કવિતા (પ્રકરણ - 78)
કવિ સંમેલનોનાં સંચાલનમાં નોખી ભાત પાડનારા અંકિત ત્રિવેદી ખુદ જાણીતા કવિ અને કટાર લેખક છે.
પ્રકરણ-5

કાગળ પર કવિ સંમેલન...

  • પ્રકાશન તારીખ19 Sep 2018
  •  

કવિતાની પંક્તિઓમાં જાદુ છે, રોમાંચ છે, સહવાસ છે, જીવનને સ્પર્શતી એકાદ પંક્તિ પણ મળી જાય પછી એ જ પંક્તિઓ આપણામાં એનાં મૂળ નાખે છે અને ઉગાડે છેે. જિંદગી મુખવટાનો ખેલ નથી કે જાણગાંડાનો સમજ્યા વગરનો અર્થ પણ નથી. એ તો જે છે તે એની ખબર પડવાની ક્ષણો પણ મજેદાર હોય છે. વેણીભાઈ પુરોહિત એ જ તો કહે છે,
આ તરફ એની મુરાદો, મુજ ઇરાદો ઓ તરફ,


બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઈ જિંદગી.
ઉતાવળ અને ધીરજ બંને સમયસર થવી જોઈએ. આવું બને ત્યારે કાવડ શ્રવણની બને છે. શેખાદમ આબુવાલા બીજાને માટે જીવવાની ફિલસૂફીમાં પોતાનું જીવન જીવે છે.
આ તરંગી જિંદગાનીનો હતો એ પણ નશો,
ખુદ રહી તરસ્યા, હંમેશાં અન્યને પાતા રહ્યા.
વફાદારી હોય તો કસોટી પર હાથ અજમાવવાની માગ આવે છે. કપિલરાય ઠક્કર એ જ વાતને સામી છાતીએ કહે છે,


ઉછળતા સાગરે મેં છે ઝુકાવ્યું આપની ઓથે,
શરણમાં જે પડે તેને ડુબાવીને તરી જોજો.
કટોરા ઝેરના પીતાં જીવું છું એ વફાદારી,
કસોટી જો ગમે કરવી, બીજું પ્યાલું ધરી જોજો.
સાથ આપીને છૂટી જનારાઓને શૂન્ય પાલનપુરી
નવાજે છે,


જાઓ, દુનિયાની ખબર તો લો કે એને શું થયું,
કેમ તાજો ઘાવ દિલ પર આજે દેખાતો નથી.
આગળ વધવું એટલે સફળ થવું એ જ નહીં, સફળ અને સંતોષી થવું એ પણ ખરું. પ્રવાસો અંદર ઊતરે છે ત્યારે યાત્રા બની જાય છે. પૂજાલાલ દલવાડીની પંક્તિઓ છે,
આગળ ડગલું માંડો મર્દો, આગળ ડગલું માંડો,
એકલમલ ને એકલવાયા ધપો રાત ને દા’ડો.


આપણી ચેતનાનો સમગ્ર વિસ્તાર જગતના નાથથી અજાણ્યો નથી. એને આપણી બધી જ ખબર પડે છે. દલપતરામ કવિ દિલ નિચોવીને કહે છે...
આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ,
ઘાસચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ.
ભોંયમાં પેસી ભોંયરે કરીએ કાંઈ વાત,
ઘડીએ મનમાં ઘાટ, તે જાણે જગનો તાત.
આપણાં વલખાંની એ તકેદારી રાખે છે, પણ ‘બેફામ’ સાહેબ જરા જુદી રીતે પોતાની આવડતને ઊંચાઈ બક્ષે છે.


આ પાર તરી આવ્યો છું તો,
સાગરને કહી દઉં ભેદ હવે,
તોફાન મહીં જે ડૂબી ગયો,
એ મારો તારણહાર હતો.


વિસ્તાર જીવનનો અને પર્દાફાશ જે શ્વાસને આંધીની જેમ આવીને રફેદફે કરી નાખવા માગે છે એનો, પણ ઉમાશંકર જોશી તો ફૂલ ચૂંટતી કન્યાને પણ કહે છે, ‘ચૂંટે તો બહેન! મને મૂકજે અંબોડલે.’ અને એટલે જ હકારાત્મક વાતનું સમર્થન કરતાં સાંઈ મકરન્દ દવે કહે છે.
આ નૂર વિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું,
એક પંખી ટહુકી ઊઠ્યું, તો લાગ્યું કે તું નારાજ નથી.
એક વાર સામે ઊભેલી સ્થિતિને ગળે લગાડીએ તો બધા જ અજ્ઞાનના અંચળા દૂર થઈ જશે. ‘જટિલ’ વ્યાસ આવું જ કહેવા માગે છે.


‘અંચળો અજ્ઞાનનો ઓઢી, ‘જટિલ’ રડતું રહ્યું,
બિન્દુએ જાણ્યું નહીં કે એ સ્વયં સાગર હશે.’
બિન્દુને સ્વયંના સાગર હોવાની ખબર પડે ત્યારે દરિયાની ભરતી અને ઓટ એના તળિયે બેઠેલા મોતીનો પાક બની જાય છે. એને તો અંત:કરણ સાથે લેવાદેવા છે. ઝવેરચંદ મેઘાણી કહે છે,
આતમની એરણ પરે,
જેદી અનુભવ પડછાય જી,
તેદી શબદ-તણખા ઝરે,
રગરગ કડાકા થાય.
જી જી શબદના વેપાર.


‘જીનકું શબદ મેં ખબરાં પડી’ એવા લોકોના ભરાયેલા મેળાની વાત છે! ‘આજ’ અને ‘અત્યાર’થી નક્કી નથી કરી શકાતી સંવેદના! આ બધું જ સચેત નજરનું પરાક્રમ છે. ‘મરીઝ’ મમળાવે છે,


આ આજના ભરોસે મને માન આપ ના,
કોને ખબર કે શું મારી આગામી કાલ છે.
બસ, એક નજર સચેત તો વૈભવ બધા મળે,
બસ, એક નજર ચૂકો તો બધું પાયમાલ છે.


એક નજરથી સચેત રહીને જીવન જીવીએ તો સચોટ માર્ગની દિશા સામે આવીને મળે. બાલમુકુન્દ દવે આખી સૃષ્ટિને પોતાની આશાના તાંતણે પરોવે છે.
‘તૂટું તૂટું થતો તોયે ગંઠાયો હજી તાર છે,
વીંટાયો સ્નેહને સૂત્રે વિશ્વનો પરિવાર છે.’
અને પ્રજારામ રાવળ તો વાંસળીને વીંટળાયેલો સૂર કાન માંડીને સાંભળવા માગે છે.
અહીંયાં બધુંયે અધૂરું અધૂરું,
છતાં શું મધૂરું, પિયારે.


હજી કાન માંડી હજી સાંભળી જો,
ન સંગીત જગનું બસૂરું, પિયારે.
જગતના સંગીતને કાન માંડીને સાંભળવાની તાલાવેલી કેળવાય તો ઉત્સવની રાહ નહીં જોવી પડે. તમે સ્વયં ઉત્સવ બની જશો. છેલ્લે ‘ગની’ દહીંવાલાથી આ કાગળના કવિસંમેલનને વિરામ આપું છું.


‘મૂકી છે દોટ બંનેએ, હવે જે થાય તે સાચું,
જમાને ઝાંઝવાંરૂપે, અમે તરસ્યા હરણરૂપે.’
ઓન ધ બિટ્સ: આ લખવું, કહેવું બધું છે કપોળકલ્પિત ને,
કશુંક સત્ય છે વાણીવિલાસથી આગળ.- હનીફ સાહિલ

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP