ગીતા વાંચવા કરતાં જીવનમાં ઉતારીએ તો સાર્થક

article by ajay naik

અજય નાયક

Sep 02, 2018, 12:05 AM IST

પાછી કાલે જન્માષ્ટમી. આમ તો દર વર્ષે કૃષ્ણનો જન્મોત્સવ ઊજવીએ છીએ પણ તેમના જીવનમાંથી શીખવાનું છે તે શીખતા નથી. એક યંત્રવત્ રીતે ગીતા વાંચીએ છીએ અને ઉપવાસના નામે ઢગલાબંધ ફરાળ આરોગીએ છીએ. શ્રીકૃષ્ણ તો ઉત્સવપ્રિય ભગવાન છે કહી તમામ દુન્યવી હરકતો કરીએ છીએ. કશું ખોટું કરવું હોય તો પણ એમને જ આગળ ધરી કહીએ છીએ કે ભગવાને ગીતામાં કહ્યું છે કે પાપીને દંડ દેવામાં કોઈ પાપ નથી. અહીં પાપી એટલે આપણને ન ગમતી વ્યક્તિ કે જેની સામે આપણને વાંધો હોય એ તમામ.


ગીતા પર અને શ્રીકૃષ્ણ પર સદીઓથી લખાતું આવ્યું છે અને હજી લખાતું રહેશે પણ જે વસ્તુ પકડવાની છે તે આપણે પકડતા નથી. ગીતા વાંચવી અને તેને જીવનમાં ઉતારવી એ બેમાં આસમાન જમીનનો ફરક છે. ડોંગરેજી મહારાજ સરસ અર્થઘટન સાથે ભાગવત કથા કરતા હતા. તેઓ જીવતા પણ એ રીતે. આજના કથાકારથી તદ્દન વિપરીત રીતે. કેટલાક ચિંતકો ગીતાના નામે પોતાની ધોરાજી હાંકે છે એ અલગ બાબત છે. કથામાં પણ કથાકારો મૂળ તત્ત્વને બાજુએ મૂકી પોતાની જ વાત કરે રાખે છે.

શ્રીકૃષ્ણને જીવવાની એક જ રીત છે- મસ્ત રહો અને અન્યાય હોય ત્યાં બોલો. સમજૂતીના છેક સુધી પ્રયાસ કરો અને છેલ્લે ત્રીજું નેત્ર ખોલો

શ્રીકૃષ્ણને જીવવાની એક જ રીત છે- મસ્ત રહો અને અન્યાય હોય ત્યાં બોલો. સમજૂતીના છેક સુધી પ્રયાસ કરો અને છેલ્લે ત્રીજું નેત્ર ખોલો. હવે આને આપણા અત્યારના જીવન સાથે કેવી રીતે જોડવા એ જ ખરી કસોટી છે. મોટાભાગના લોકોમાં ધીરજ હોતી નથી. ઘણીવાર સમય જ ઉકેલ લાવી આપતો હોય છે. સામેવાળાને સાંભળવાની પણ તૈયારી હોવી જોઇએ. આપણો જ કક્કો ખરો એવો આગ્રહ ક્યારેય હોવો જોઈએ નહીં.


વિનોબા ભાવેએ 1932-33માં જેલમાં આપેલા ગીતા અંગેનાં પ્રવચનો વાંચવા જેવાં છે. કેદીઓ સમક્ષ આપેલાં પ્રવચનો થકી ગીતાને સરળ ભાષામાં સમજાવાઈ છે. કિશોરલાલ મશરૂવાળાની ગીતા ધ્વનિ, સ્વામી સચ્ચિદાનંદની શ્રીકૃષ્ણ લીલા રહસ્ય, સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ આઠવલેનું ગીતામૃતમ, રવિશંકર મહારાજની ગીતા બોધવાણી, કનૈયાલાલ મુનશીની કૃષ્ણાવતાર વગેરેમાં એક યા બીજી રીતે ભાષ્ય આપ્યાં છે. આ તમામ કંઈક અંશે સમજણ આપે છે.


એક ઠેકાણે વિનોબા લખે છે કે ગીતા એ કોઈ ઉપદેશાત્મક ગ્રંથ નથી પણ તે જીવનશૈલી શીખવાડતો ગ્રંથ છે. આધ્યાત્મિક અને વ્યાવહારિક માર્ગદર્શનની બાબતમાં તેમની શ્રદ્ધા ગીતા પર કેન્દ્રિત થયેલી છે. ગીતાનો વ્યાપક અને અવિરોધી અર્થ સમજવામાં મદદ મળી છે. કર્મયોગ, પ્રેમયોગ, ધ્યાનયોગ અને જ્ઞાનયોગ, બુદ્ધિયોગ અને શુદ્ધિયોગ- એ બધું જ ગીતાએ એક જીવનસૂત્રમાં પરોવી દીધું છે. ગીતાના કહ્યા પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરતાં રહેવાથી અપાર શાંતિ મળે છે.


આઠવલેજી પણ એવું જ કહે છે કે ગીતા વાંચી ત્યારે જ કહેવાય કે જ્યારે આપણું જીવન જ ગીતા ઉપરનું જીવંત ભાષ્ય બની રહે. અર્જુન આપણો આદર્શ હો અને કૃષ્ણ આપણો સહાયક હો! એ બે મહાપુરુષોને દૃષ્ટિ સમક્ષ રાખીને આપણા જીવનને યોગ્ય રીતે ઘડવાની શરૂઆત કરીએ એ જ ગીતાની ફળશ્રુતિ!


ગાંધીજી કહે છે કે ગીતાકારે મોક્ષ અને વ્યવહાર વચ્ચે ભેદ રાખ્યો નથી. પણ વ્યવહારમાં ધર્મને ઉતાર્યો છે. જે ધર્મ વ્યવહારમાં ન લાવી શકાય તે ધર્મ નથી એવી સૂચના ગીતામાં છે એમ તેમને લાગ્યું છે.


ટૂંકમાં કહીએ તો ગીતાનું નિત્ય પઠન કરીએ એ આવકાર્ય છે પણ તેને જીવનમાં ઉતારવી એ વધુ આવશ્યક છે. આપણો વ્યવહાર, વાણી, વર્તન વગેરે ઘણુંબધું કહી જતું હોય છે. ગીતામાંથી આ જ શીખવાનું છે. દરેક પરિસ્થિતિમાં સ્વસ્થ રહેવું અને દરેક કાર્ય સાક્ષીભાવે જોવાં. આ બહુ અઘરું છે પણ અશક્ય નથી. માત્ર શરૂઆત કરવાની જરૂર છે.


ફિલ્મ મિ.નટવરલાલમાં એક ગીત છે. છેલ્લે એ ગીતમાં એવું આવે છે કે વાઘ અમિતાભને ખાઈ ગયો. ત્યારે એક બાળક પૂછે છે કે તમે તો જીવો છો. જવાબમાં અમિતાભ કહે છે કે યે જીના ભી જીના હૈ ક્યા? આપણા બધાની દશા લગભગ આવી જ છે અને એવા તબક્કે શ્રીકૃષ્ણ ગીતા સ્વરૂપે આપણું માર્ગદર્શન કરી શકે એમ છે પણ શરત એટલી કે આપણે કોરી પાટી લઈને ગીતા ભણીએ.

X
article by ajay naik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી