Back કથા સરિતા
રાજ ભાસ્કર

રાજ ભાસ્કર

(પ્રકરણ - 46)
લેખક યુવા પત્રકાર અને વાર્તાકાર છે.

સહેલીને મળવાનું કહીને ગયેલી પાયલને કોણ ઉપાડી ગયું?

  • પ્રકાશન તારીખ01 May 2019
  •  

નવેમ્બર મહિનાની ઠંડી સાંજ ઉત્તર પ્રદેશના રામપુર મહોલ્લાને આગોશમાં લઈ રહી હતી. તા. 1 નવેમ્બર, 2018. સાંજના પાંચ વાગ્યા હતા. શહેરના જાણીતા વેપારી શાહનવાજ ખાનની બીવી ગઝાલા બેગમ બંગલાની પરસાળમાં બેઠાં હતાં. ત્યાં જ બાવીસ વર્ષની યુવાન દીકરી પાયલ તૈયાર થઈને બહાર આવીને બોલી, ‘અમ્મી, હું મારી સહેલી સાથે શોપિંગમાં જાઉં છું. કલાકમાં પાછી આવી જઈશ.’
પાયલનું મૂળ નામ જૈનબ, પણ કોલેજ અને મહોલ્લામાં એ પાયલ નામથી જ ઓળખાતી. ખૂબ સંસ્કારી અને સુંદર છોકરી. એને જોઈને જ નજર લાગી જાય એવી રૂપાળી હતી એ. એ દિવસે એ શોપિંગનું કહીને ગઈ પછી પાછી જ ન આવી. આખરે શાહનવાજ ખાન ગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને દીકરીના ગુમ થયાની ફરિયાદ લખાવી. ઇન્સ્પેક્ટર નરેન્દ્ર ત્યાગીએ પાયલની ગુમશુદગીનો કેસ નોંધી ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું.
આ તરફ પાયલના મોટાભાઈ રાહિલને શંકા થઈ ગઈ હતી કે કદાચ જહાંગીરે જ એનું અપહરણ કર્યું હશે. મુંબઈથી પરત આવતાં એણે રસ્તામાંથી જ જહાંગીને ફોન કર્યો, ‘પાયલ ક્યાં છે? સાચુ બોલ!’
‘અરે! મારે પાયલ સાથે કોઈ લેવાદેવા જ નથી. મને ખબર નથી કે તારી બહેન ક્યાં છે? હવે મને ફોન કર્યો છે તો અંજામ સારો નહીં આવે.’ જહાંગીરે ધમકી આપીને ફોન કટ કરી નાખ્યો.
રાહિલ ખાન રામપુર આવીને તરત જ પિતા સાથે પોલીસ સ્ટેશને ગયો. ઇ. નરેન્દ્ર ત્યાગી બોલ્યા, ‘અમે પાયલની શોધખોળ કરી રહ્યા છીએ. એની કોલ ડિટેઇલ પણ કઢાવી છે. મને એ કહો કે પાયલનું કોઈ અફેર ચાલતું હતું?’
‘ફિલહાલ તો નહીં સર!’
‘તો પહેલાં ચાલતું હતું એમ જ ને?’
‘હા, સર! અમે એટલે જ તમારી પાસે આવ્યા છીએ. અમને શંકા છે કે જહાંગીરે જ મારી બહેન પાયલનું અપહરણ કર્યું છે.’
‘આ જહાંગીર કોણ છે?’
સવાલ પુછાતાં જ રાહિલ ખાને માંડીને વાત કરી, ‘સર, દરઅસલ વાત એમ છે કે મારી બહેન પાયલ જહાંગીરને પ્રેમ કરતી હતી. અમે જહાંગીર વિશે તપાસ કરી. એ મહોલ્લા ગંજમાં રહે છે. મધ્યમવર્ગીય પરિવારનો એક નંબરનો લાલચુ અને માથાફરેલ છે. અમે પાયલને સમજાવી કે આપણું ખાનદાન ખૂબ ઊંચું છે, આર્થિક કે સામાજિક કોઈ રીતે જહાંગીર અને એની શાદી મુમકીન નથી, પણ એ એની સાથે જ લગ્ન કરવાની જીદ લઈને બેઠી હતી. પાયલ અમારા ઘરની લાડકી હતી. અમે એને ના ન પાડી શક્યા. માર્ચ, 2016માં પાયલ અને જહાંગીરની મંગની કરી નાખી. અમે નક્કી કર્યું હતું કે જહાંગીર થોડો સરખો કામધંધો કરવા લાગે અને પાયલની પઢાઈ ખતમ થઈ જાય બાદમાં બે વર્ષ પછી જ લગ્ન કરીશું. બે વર્ષ દરમિયાન પાયલ અને જહાંગીર સાથે ફરતાં હતાં, પણ બે મહિના પહેલાં જહાંગીરના પિતા તાહિર ખાનનો ફોન આવ્યો કે જહાંગીરને પાયલ પસંદ નથી એટલે અમે મંગની તોડીએ છીએ.
આ સમાચાર અમારા માટે આઘાતજનક હતા. અમે ખૂબ કોશિશ કરી પણ એ ન માન્યા. પાયલે જહાંગીરને કોલ કરીને પૂછ્યું, એણે પણ ગોળ ગોળ વાત કરીને ફોન કાપી નાખ્યો. પાછળથી અમને ખબર પડી કે જહાંગીરે એક બહુ મોટા ઘરની પૈસાદાર બેટીને પ્રેમજાળમાં ફસાવી છે અને પૈસાની લાલચે એ એની સાથે લગ્ન કરવાનો છે. પાયલને આ વાત જાણી ખૂબ દુ:ખ થયું. આખો દિવસ ઘરમાં રોતી રહેતી હતી. એ જહાંગીરને ભૂલી નહોતી શકતી. એ એને ફોન કરતી, વોટ્સએપ કરતી, પણ જહાંગીર એને કદી જવાબ નહોતો આપતો. મને શંકા છે કે કદાચ જહાંગીરે જ પાયલનું અપહરણ કરાવ્યું હશે. તમે તપાસ કરો સર! એ શૈતાન માથાફરેલો છે, મારી બહેન સાથે કંઈ પણ કરી શકે છે.’
‘તમે ફિકર ન કરો ! અમે એમના રિમાન્ડ લઈએ છીએ.’ ઇ. નરેન્દ્ર ત્યાગીએ રાહિલ અને શાહનવાજને આશ્વાસન આપ્યું. વાતો ચાલતી હતી એ દરમિયાન એક ઇન્સ્પેક્ટર કેટલાક કાગળો લઈને આવ્યા અને બોલ્યા, ‘સર, પાયલની કોલ ડિટેઇલમાં એક નંબર શંકાસ્પદ છે. એ ગાયબ થઈ એ દિવસે સાંજે ચાર વાગ્યે અને પાંચ વાગીને પાંચ મિનિટે એના પર એ નંબરથી કોલ આવેલો છે. ફિલહાલ એ નંબર બંધ છે.’, ‘વેરી ગુડ! કોનો નંબર છે એ તપાસ કરી?’, ‘સર, કોઈ ઇમરોજનો નંબર છે. એ પણ આ વિસ્તારનો જ રહેવાસી છે.’, ‘તાત્કાલિક એના ઘરે તપાસ કરો. એને ઉઠાવીને અહીં લઈ આવો.’
ઇ. નરેન્દ્ર ત્યાગીએ સૂચના આપીને એક ટુકડી ઇમરોજના ઘર તરફ રવાના કરી અને પોતે જહાંગીરના ઘર તરફ ગયા. જહાંગીરના ઘરે એના અબ્બુ તાહિર ખાન હાજર હતા. એમણે કહ્યું, ‘મારો દીકરો બિઝનેસના કામે બહાર ગયો છે. શાહનવાજ અને પાયલ સાથે અમારો નાતો ખતમ થઈ ગયો છે. અમને નાહકના પરેશાન ન કરો.’ ઇ. ત્યાગી ધારત તો એને ત્યાં ને ત્યાં જ સીધો કરી દેત, પણ એ જુદી ચાલ ચાલ્યા. તેઓ ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા અને તાહિર ખાનનાં ઘર અને મોબાઇલ નંબરો પર નિગરાની મૂકી દીધી.
આ તરફ ઇમરોજનું ઘર પણ બંધ હતું. પોલીસને યકીન થઈ ગયું હતું કે જહાંગીર અને ઇમરોજ પાયલને લઈને ક્યાંક ભાગી ગયા છે. શાહનવાજની ખૂબ ઉપર સુધી ઓળખાણો હતી. એમણે મીડિયા, રાજકારણ અને પોલીસ બધે જ હોબાળો મચાવી દીધો.
પાયલની ગુમશુદગીનો કેસ ટોક ઓફ ધ ટાઉન બની ગયો. પોલીસ પર માછલાં ધોવાવા લાગ્યાં. મોટા મોટા રાજકારણીઓના કોલ આવવા લાગ્યા એટલે બરેલી મુરાદાબાદના એ.ડી.જી પ્રેમપ્રકાશે પોલીસને ઠપકો આપી રામપુરના એસ.પી. શિવહરિ મીણાને ખાસ નિર્દેશ આપ્યા કે જલદી પાયલની શોધ કરવામાં આવે.
પોલીસ વધારે ચોકન્ની બની. પાંચ ટીમો કામે લગાડી. આખરે તેમને એક કડી મળી. ઇમરોજના પરિવારને પોલીસે દબોચી લીધો હતો એટલે એનાથી પરેશાન થઈને ઇમરોજ ખુદ એક દિવસ પોલીસ સ્ટેશનમાં હાજર થયો. ઇ. નરેન્દ્ર ત્યાગીએ કંઈ પણ પૂછ્યા વિના પહેલાં એની હડ્ડીપસલી ચમકાવી પછી એક ઓરડામાં ડંડો લઈને સામે બેઠા, ‘બોલ બેટા! પાયલને ક્યાં છુપાવી છે?’
ઇમરોજ કણસતા અવાજે બોલ્યો, ‘સાહેબ, મારશો નહીં. બધું જ સાચેસાચું કહું છું. પહેલી નવેમ્બરના દિવસે જહાંગીરે મને કહ્યું હતું કે હું પાયલને ફોન કરું અને કહું કે જહાંગીરને હવે પસ્તાવો થાય છે અને એ એને મળવા માંગે છે. પાયલ ખુશ થઈ ગઈ. હું પાંચ વાગ્યે સ્કૂટી લઈને એને લેવા ગયો. એને લઈને હું કોસી નદી પાસે આવેલા જહાંગીરના ફાર્મહાઉસ પાસે ગયો અને ત્યાં ઉતારી પાછો આવી ગયો. પછી મને ખબર નથી કે શું થયું? પછી જહાંગીરનો ફોન પણ સ્વિચ ઓફ થઈ ગયો. બીજા દિવસે છાપામાં પાયલના ગુમ થવાના સમાચાર વાંચી હું ડરી ગયો અને થોડા દિવસ અંડરગ્રાઉન્ડ થઈ ગયો. આનાથી વધારે હું કંઈ જાણતો નથી સર! મને માફ કરો.’ ઇમરોજ પગમાં પડી ગયો.
ઇમરોજને પોલીસે પછી પણ ખૂબ માર્યો, પણ એ એની વાત પર મુકર્રર જ રહ્યો. પોલીસ માટે આટલી માહિતી પૂરતી નહોતી. જહાંગીર પાયલને લઈને ક્યાં ગયો? પાયલ જીવતી છે કે નહીં? એ બધા પ્રશ્નો હજુ ઊભા હતા. બીજી તરફ મીડિયા, રાજકારણ અને અધિકારીઓનું દબાણ વધતું જતું હતું. (ક્રમશ:) {[email protected]

x
રદ કરો
TOP