Back કથા સરિતા
જિગિષા ત્રિવેદી

જિગિષા ત્રિવેદી

હાસ્ય (પ્રકરણ - 26)
લેખિકા હાસ્યલેખક છે.

માળિયું ક્યારે સાફ કરવાનું?

  • પ્રકાશન તારીખ07 May 2019
  •  

બહાર મહિલા-મંડળ અલક-મલકની વાતો કરતું’તું. કંકુ-કલા બાંકડે, સવિતાકાકી મારે ઓટલે, હંસામાસી પગથિયે. (એ જાડાભમ છે, એટલે એમને એમના પગ ધડથી એક સ્ટેપ નીચે જ રાખવા પડે છે) બધાંય બેઠેલાં. મંજુ મેચિંગ પણ સામેલ થયેલાં. સ્મિતાબેન અને લીનાબેન એસયુઝઅલ પોતપોતાના ઓટલે. કોઇ અદભુત ટોપિક નીકળ્યો નહોતો, એટલે હું ઘરમાં જ બધું સમુંનમું કરતી’તી. એટલામાં દૂધ ઉભરાય એવો અવાજ આવ્યો. મને થયું. બધાં વાતોમાં છે, તો ધ્યાન દોરવા દે, ‘કોઇનું કશું ઉભરાયું લાગે છે.’ એવું કહેવા હું બહાર આવી અને હંસામાસીને છીંક આવી. ‘ફ્શુયુયુયુયુયુયુ...’ હું ડોળા ફાડીને ઊભી રહી ગઇ, કારણ કે ઘરની અંદરથી સંભળાતો આ દૂધ કે દાળ કે ચા ઉભરાવાનો અવાજ અસલમાં હંસામાસીની છીંકનો હતો! વધારે આશ્ચર્યની વાત તો એ થઇ, કે દૃશ્ય-શ્રાવ્ય જ્યારે સાથે થયું, ત્યારે વળી આ અવાજથી હંસામાસીના મોઢા ફરતે ભમરડો ફરતો હોય એવું લાગ્યું. ના, ઇંટાડો નાખીએ અને પાણીમાં વમળ થાય એવું લાગ્યું. હવે આને ન તો ઉપમા અલંકાર કહી શકાય કે ન દ્વંદ્વ સમાસ. ટૂંકમાં, એક્ઝેટલી તમે કોઇ પણ રીતે વ્યક્ત ન કરી શકો, તેવા મિશ્ર ભાવો ઉદ્્ભવ્યા. એટલે આંખો ભાવહીન થઇને હંસામાસીને માત્ર જોતી જ રહી. ‘અલી, કેમ બાઘાની જેમ ઊભી છું?’ કલાકાકીએ મારી આંખમાંથી નીતરતો સાચો ભાવ પકડતાં કહ્યું.‘માળિયામાં કશુંક જીવડાં જેવું ઊડ્યું, એટલે ડરીને બહાર નીકળી.’ મેં જે સૂઝ્યું, એ જવાબ આપી દીધો.‘અત્યારે તે માળિયું સાફ કરાતું હશે?’ સવિતાકાકીએ વાંધો ઉઠાવ્યો. કોઇએ એવું ના વિચાર્યું, કે જો માળિયામાં જ જીવડું હતું, તો હું નીચેથી કેવી રીતે દોડીને બહાર આવી? અને બધાં વારાફરતી માળિયા (ટોપિક) માથે ચડી બેઠાં.‘અમુક જગ્યાઓ દિવાળી માટે રીઝર્વ્ડ હોય અલી. ગમ્મે ત્યારે ગમ્મે તે ના કર્યા કરવાનું હોય. હમજી?’ કલાકાકીએ મીઠો ઠપકો આપીને સમજાવ્યું.‘તે પણ તમારે માળિયું ડોઇંગરૂમમાં છે?’ કંકુકાકીના પ્રશ્નનો ઉત્તર હું આપું એ પહેલાં ફ્લેટમાં રહેતાં સીમાબેન પસાર થતાં’તાં, એય આ સાંભળીને બોલ્યાં, ‘તે અમારેય ડોઇંગરુમમાં જ છે. કેમ? તમને વાંધો છે?’ કંકુકાકીને લાગી આવ્યું એટલે એમણે જવાબ આપ્યો,‘હાસ્તો. માળિયું તો રહોડામં જ રખાય અને ઉનાળામાં જ સાફ કરાય. એટલે માળિયાની હારોહાર રહોડુંય સાફ થઇ જાય. પછી દિવાળી વખતે બહારના રૂમમાં ઝાળાં-બાવાં ને પંખા જ રહે.’ (મને નિર્દોષ જાહેર કરતાં કહે) ‘આને તો હમજ્યાં, પણ તું તો ફ્લેટમાં રહે છે. બનતું’તું ત્યારે ચેન્જ ના કરાઇ દઇએ? અરે! રહેવા આયા પછી બી ચેન્જ કરાઇ દેવાય. માળિયું તો અંદરના રૂમમાં કે રહોડામાં જ હોવું જોઇએ.’ ‘મારે તો અંદરના રૂમમાં જ છે. દિવાળીમ એક વાર સાફ ના બી થાય ને, તો મહેમાનને આઇડિયા જ ના આવે કે ‘માળિયું સાફ થયું છે કે નઇં’ હમજ્યાં?’ કલાકાકીએ માળિયાની સફાઇ વિશે લોકો કેવી રીતે અજાણ રહી શકે, તે દર્શાવ્યું. ‘પણ હાચું કઉ, પછી મેળ પડતો જ નથી. માળિયું સાફ ના કરીએ, ત્યાં સુધી તહેવાર જેવું લાગે જ નઇં યાર.’ સ્મિતાબેને માળિયાની વેલ્યુ જ વધારી દીધી. ‘તે પણ ઉનાળામાં જ સાફ કરી નાખવાનું. વેકેસનમાં નણંદ રહેવા આઇ હોય ને, તો કામ હોંપી જ દેવાનું. કાં તો રસ કાઢો, કાં તો માળિયું કરાવો. મારે તો બબ્બે નણંદો છે. એક રસ કાઢે, ને એક માળિયું સાફ કરે. જો બેન, અમુક કામ એટલે જ વેકેસનમાં કરવાનાં હોય, જેથી આપ્ડાને મહેનત ઓછી પડે. વેફર-કાતરી-સાબુદાણાની સેવ-ચકરી કરતી વખતે તગારાં ને તપેલાં ઉતારીએ, ત્યારે હારોહાર માળિયાનો પાર લાઇ જ દેવાનો. આ બધું નણંદોને ઉનાળામાં રહેવા બોલાઇને સેટિંગ પાડી જ દેવાનું હમજ્યાં?’ લીનાબેન ક્યારે? કેમ? અને કોના થકી? એ ત્રણેય એકસાથે કહીને હુકમનો એક્કો ઉતર્યાઁ. માની ગયાં બાકી લીનાબેનને. કુશાગ્ર બુદ્ધિનો જીવતો-જાગતો હાથવગો નમૂનો બાકી! વિચારતાં મારી આંખોમાં ફરી મિશ્ર ભાવો પ્રગટ્યા.

x
રદ કરો

કલમ

TOP