હળવાશ / ચેનલો જાય ત્યારે...

When channels go ...

જિગીષા ત્રિવેદી

May 14, 2019, 03:32 PM IST

‘ઓલો બાયણા વાંહે હંતાણો’તો, ઓલીનું ધ્યાન ગ્યું જ’તું ઓલા ઉપર ને ઓલાનું ધ્યાન નો’તું. ઇવડી ઇ એને જોઇ ગઇ ને ઓલાને રંગે હાથોં પકડવા જતી’તી, ને એકદમ ‘ધમ્મ’ અવાજ હારે ચેનલો ગઇ, યાર! જાણે આપડું ઇન્સલ્ટ થ્યું હોય, એવું લાગે યાર.’ સવિતાકાકીએ મંડાણ કર્યાં. ‘ઇન્સલેટ તો ઠીક, પણ અપ્સોસ થાય અલા. માર એક દન તમાર જેવું જ થ્યેલું. ખરેખરો એપીશોડ આબ્બાનો હતોન, ત્યારે જ ચેનલમાં ડિષ્ટબન્સ!’ બીજો ભાવ પ્રગટ કરતાં હંસામાસીએ જણાવ્યું. ‘તે પણ ચેનલવારાન રિંગ ના મારીએ?’ કલાકાકીએ કહ્યું, એટલે કંકુકાકીએ ઉભરો ઠાલવ્યો, ‘ચેનલવારાએ જિંદગીમં ફોન ઉપાડ્યો છે કોઇ દહાડો?’ પછી કહે, ‘આપ્ડે તો હમજ્યા, કે બીજે દહાડે રેકપ (આઇ થિંક રીકેપ) જોઇ લઇએ, પણ ખરેખરો પોબ્લેમ તો આ લોકોને થાય. ન્યુજો વખતે તો વાંધો ના આવ, પણ મેચ ટાઇમે આમ ખરાખરીનો ખેલ જામ્યો હોય અને ચેનલો જાય, પછી થાય સું, કે શીધ્ધા હાર્યા કે જીત્યા એ જ જાણવા મલે. ‘હવે સું થસે? હવે સું થસે?’નું એ લોકોને જે એક્શાઇટમેટ હોય ને, એની આખી મજા જ મરી જાય. મને તો એ વખતે ‘એમને’ જોઇને એટલો જીવ બળે.’ ‘મને તો મજા આવે. આપ્ડાન શિરીયલો વખતે ચેનલો જાય, ત્યારે એ લોકો કેવો હાશકારો કરે છે? પછી એનો બદલો ઉપરવાળો વાળે જ! બધું અહીંનું અહીં જ છે હમજ્યા.’ હંસામાસીએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કર્મનો સિદ્ધાંત પણ સમજાવ્યો. (બાય ધ વે, આ વાર્તાલાપમાં ‘એ લોકો’ એટલે પતિ-મહાશય)‘એક સવાલ મારા મનમાં ઘુમરાયા કરે છે, કે આ ચેનલો કેમ જાય?’ સામેના ઓટલેથી સ્મિતાબેને પોતાની વાત રજૂ કરી. ‘શિમ્પલ છે યાર. એમાં મગજમાં આટલું બધું ગોર-ગોર ફરાવવાન જરૂર નહીં. ચેનલવારાન કારણે જ તો.’ લીનાબેને જાળીએથી જ જવાબ વાળ્યો અને સ્મિતા-લીના કન્વર્સેશન સ્ટાર્ટ.. ‘એટલે એ સું કરે, તો ચેનલો જાય?’ ‘એ કસું કરે એટલે નંઇ, પણ કસ્સું ‘ના’ કરે એટલે જાય.’ ‘હેં?’ ‘હા, મેં તો માર્ક કરીને આવું કેમ અને ક્યારે થાય, એ પરિસ્થિતિનો તાગ મેળવી લીધો છે. એ રહ્યો એ એના ન્હાવા-ધોવાના ને જમ્બાના ટાઇમો ફિક્સ રાખે ને, તો પોબ્લેમ ના થાય. અમુક વખતે એ એમનેમ ચેનલો મૂકીને ન્હાવા-જમ્બા જતો રહે, પછી સિરિયલોની સીડી ચોંટવા માંડે. એને ખબર પડે ત્યાં હુંધીમ તો અગત્યનું બધુંય જતું રહ્યું હોય. ક્યાં તો એણે ત્યાં ને ત્યાં જ જમી લેવું જોઇએ, ક્યાં તો પછી, કોઇકને બેહાડીન જવું જોઇએ.’ ‘ન્હાવાનું તો બરોબર છે ચલો, પણ જમવાવારા પોબ્લેમનું સોલ્યુસન તો છે જ. એણે ઘેરથી ટિફિન મંગાઇ લેવું જોઇએ.’ ‘હવે હમજાણું, કે આટલા બધા બ્રેકો કેમ આવે છે? એય માણસ છે ને. એનેય બાપ્ડાને નાની રીસેસ, મોટી રીસેસમા જવું તો પડે ને. હારું છે વરી, એનામ એટલી હમજણ છે, કે પોજ (પોઝ) કરીન જાય છે.’ સવિતાકાકીએ સમજાવ્યું, ‘એમાં કાંઇ ઉપકાર નથ કરતો. એનું કાંઇ નો જતું રે, એટલે પોજ કરીન જાય છે.’ અને ઉમેર્યુ, ‘નાના-મોટા બ્રેકો પોહાય, પણ ડિશ્ટોબન્શ તો ના જ પોહાય.’ ‘તોય એને માથે જવાબદારી નઇ બચાડાને? જેટલી ચેનલો એટલા ટીવી અને જેટલી શિરિયલો એટલી નવી નવી સીડીઓ. મને લાગે છે, એક રૂમ ભરીન સીડીઓ ભેગી થઇ ગઇ હસે. પાછું યાદ કેટલું રાખવાનું એણે. એક જ સિરિયલની કાલની સીડી આજે જુદા ટાઇમે મૂકવાની.’ હંસામાસીએ ચેનલવાળા પ્રત્યે સહાનુભુતિ દર્શાવી. ‘મને એક બીજો પ્રસ્નય થાય છે કે, આ બધું તો સુટિંગ કરીન, સીડીઓ બનાઇ દે, પણ આ ક્રિકેટની ને બધી રમતોની લાઇવ મેચો કેવી રીતે આવતી હસે?’ સ્મિતાબેને બીજો પ્રશ્ન રજૂ કર્યો. (આ પ્રશ્નના જવાબની સૌથી વધુ આતુરતા મને હતી) લીનાબેન બોલ્યાં, ‘એનીય સીડી જ હોય અલા. એ તો ‘લાઇવ’ એવું લખી નાખે. પૈસા લેવા આવે, ત્યારે એની પાંહે ટાઇમ હોય નંઇ અને ફોન તો એ ઉપાડતો જ નથી. તમે લોકો એની જોડે ઝગડો કરતાં નઇ. નકર જો એ ચેનલોના રૂમને તાળું મારીને જતો રહેશે ને, તો આપ્ડે લેવા ના દેવા થઇ જશે. હમજ્યા?’ બધાં સમજી ગયાં અને હુંય.

X
When channels go ...

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી