ઓફબીટ / વેકેશન: બાળપણનું વિઝિટિંગ કાર્ડ

Vacation: Childhood Visiting Card

અંકિત ત્રિવેદી

May 16, 2019, 05:30 PM IST

વેકેશનના દિવસો છે. ઉનાળો સોળે કાલે ખીલ્યો છે. કવિવર રાજેન્દ્ર શાહની પંક્તિઓ યાદ આવે છે...
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમહોર.
અાભ ભલે આગ વરસાવે, પણ આભમાંથી જ ગુલમહોરને શાતા મળે છે. ગુલમહોર વિષમ પરિસ્થિતિઓની વચ્ચે પણ આંખોને ટાઢક આપવા માટે ડાહ્યોડમરો થઈને આકાશને તાકી રહે છે. સ્કાયસ્ક્રેપર્સના જંગલમાં ગુલમહોર ભૂંસાતાં ગયાં છે. કોમ્પ્યૂટરે સ્લેટ પણ છીનવી લીધી છે. સ્લેટને ભીનાં પોતાંથી લૂછ્યા પછી ‘ચકી ચકી પાણી પી ...’ -વાળી કવિતા પણ આડા હાથે મુકાઈ ગઈ છે. બાળકમાંથી બાળપણ ઊડી ગયું છે, ઝાકળની જેમ.
આમલી- પીપળી, ખોખો, કબડ્ડી, સંતાકુકડી બધી રમતો ‘હતી’! રમતો રમવા માટે આસપાસમાં ખુલ્લાં મેદાનો પણ હતાં. હવે, ખુલ્લાં મેદાનો પણ નથી રહ્યાં અને ખુલ્લા દિલે રમી શકાય એવી રમતો પણ નથી રહી. નાદાનિયત, બચપણ આ બધું બીજા અર્થોમાં વપરાતું થઇ ગયું છે, નાના હતા ત્યારે મોટા થવાની ઉતાવળ હતી. મોટા થયા ત્યારે નાનપણ યાદ આવે છે, નાના હતા ત્યારે કેવું થતું હતું? ફુગ્ગામાં હવાની જગ્યાએ પોતે જ ફુગ્ગામાં રહેવા જવું હતું. નદીની રેતીમાં બનાવેલા ઘરમાં રહેવા જવું હતું. વૃક્ષની જગ્યાએ આપણે પણ એક જ જગ્યાએ રહીને ઊગતા હોત તો? આપણે વૃક્ષની જેમ ઊગીને બધાને છાંયડો આપત કે આપણો છાંયડો ગમતી વ્યક્તિઓ પૂરતો જ સીમિત રહ્યો હોત? લપસણીમાં લપસીને મજા પડતી હતી. હવે લપસવાનું સામે જ હોય છે અને ન લપસવાની દરકાર લેવી પડતી હોય છે. નાના હતા ત્યારે કેટલું બધું થતું હતું? આંખોમાં ઊંઘ ઘેરાઈ હોય છતાંયે દિવસનું છેલ્લી વારનું રમવાનું બાકી રહી ગયું હોય. આપણા ભાઈબંધો આપણા કરતાં વધારે સારી રીતે તૈયાર થતા હોય. તોફાન કરતી વખતે ત્યારેય આપણો વાંક જ ન હોય, આપણા ભાઈબંધનો જ વાંક હોય. બાળપણ એ ઘરઘર રમવાના દિવસો નથી, લઘરવઘર ફરવાના દિવસો નથી. અનુભવની એરણ ઉપર અજાણતાં જ જાતને પીસવાના દિવસો છે. શ્રીકૃષ્ણે કરેલાં બધાં જ તોફાન આપણા ભાગે આવે તો કેવું સારું લાગે? બાળપણ એવી બારી છે જેમાં ઘરડા થયેલા આકાશને સાંત્વન આપીને અજવાળું માળો બાંધે છે. ભવિષ્યની મૂડીનો આધાર બાળપણના પરચુરણ પર રહેલો છે.
વેકેશન કોચિંગ ક્લાસોમાં અટવાઈ ગયું છે. બધું જ તાત્કાલિક શીખવાડવાની ઉતાવળ બાળકને મા-બાપથી દૂર કરે છે. એની પાસે બેસીને એને સાંભળવાનો સમય કોની પાસે છે? એ ફૂલો ચૂંટે છે ત્યારે સુગંધ એને સાંભળે છે, માટીમાં રમે છે ત્યારે રેતી એનાથી દૂર જવા નથી માંગતી. એની દોડાદોડ, ઊછળકૂદ ઘરની દીવાલોમાં નવો પ્રાણ પૂરે છે. ઘર ‘ડામચિયું’ થતાં બચી જાય છે. ‘ગોડાઉન’ થતાં અટકી જાય છે. ઘણીવાર એવો પ્રશ્ન થાય કે આપણે જન્મીને બાળક હતા કે સીધા જ મોટા બની ગયા છીએ? બાળકના પ્રશ્નો અકારણ-સકારણ હોય છે. એને પંખી હવામાં કેમ ઊડે એનો પ્રશ્ન હોય છે. તરસ છીપાવવા માટે પાણી જ કેમ પીવું પડે એનો પ્રશ્ન હોય છે. ઊંઘી જઈએ ત્યારે આંખો કેમ બંધ થઇ જાય છે? એવો પ્રશ્ન હોય છે. વરઘોડો જોવાનું કુતૂહલ મોટા થયા પછી આજે પણ બાળકની આંખોનું અચરજ લઈને આવે છે.
બાળકને તેડીને હવામાં ઉછાળીએ છીએ ત્યારે એ રડવાની જગ્યાએ હસતો હોય છે. કારણ એને ખબર છે કે જે હાથ દ્વારા હું તેડાયો છું એ જ હાથો મને હવામાં ઉછાળીને ઊંચકી લેવાના છે. લોકો કહે છે, આપણે ઈશ્વરના બાળકો
છીએ. એણે જ આપણને તેડી રાખ્યાં છે. હવામાં ઉછાળીને જીવન આપ્યું છે. મૃત્યુ આવશે ત્યારે ફરી એના હાથો દ્વારા તેડાઈ ગયા હોઈશું. આપણા જીવનને ઈશ્વર enjoy કરે છે. આપણે ગભરાયેલા હોઈએ છીએ ત્યારે એને આપણને ચીડવવાની મજા આવતી હોય છે. આપણે એનાથી રિસાઈ જઈએ ત્યારે સુખની ચોકલેટો આપીને આપણને મનાવી લેતો હોય છે. જીવન ભલે આપણે જીવીએ, પણ આપણું જીવન ઈશ્વરે તેડેલું બાળપણ જ છે.
ક્યારેક એવું થાય કે ઈશ્વરને વેકેશન નહિ હોય ! ધરતી ઉપર વૃક્ષો વનસ્પતિઓ ઊગી જ ન હોત તો એ કેવી લાગત? સૂરજ સ્થિર રહે છે, ધરતી ગતિ કરે છે એનો મતલબ જ
એ છે કે ગતિ ધૈર્ય રાખીને કરવાની હોય. કશુંક પામીને, કશુંક સમજીને સફળતાની ટોચ પર હોઈએ ત્યારે સૂરજની જેમ સ્થિર રહી જવાનું હોય. આવું થાય ત્યારે સદીઓને ખબર પડ્યા વગર અસ્તિત્વ આકાર અને નિરાકારને માણતું ફરે
છે. ગોગલ્સ પહેરવાથી આંખોને તડકો ઓછો લાગે
છે. સૂરજને ગોગલ્સ નથી પહેરાવી શકાતા! બાળક
તો આવું પણ ઈચ્છે છે. આપણામાં કોણ સાચું બાળક કે બાળપણ ? ⬛
ઓન ધ બીટસ્: અજાણ્યા બાળકનો હાથ ઝાલીને જરા નીકળો,
નર્યા વિસ્મયની ક્ષણનો હાથ ઝાલીને જરા નીકળો.-મનોજ ખંડેરિયા [email protected]

X
Vacation: Childhood Visiting Card

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી