ચાલો સિનેમા / ટ્રેજિક એન્ડ ધરાવતી હિટ ફિલ્મો

article by bhawna somaaya

Divyabhaskar.com

Jul 12, 2019, 06:38 PM IST

ચાલો સિનેમા - ભાવના સોમૈયા

ફિલ્મ ‘કબીર સિંઘ’નો અંત જો ટ્રેેજેડીભર્યો (કરુણ) હોત તો એ સુપર હિટ ન નીવડી હોત, એક ડિસ્ટ્રિબ્યૂટરનું કહેવું હતું. એમની વાત સાચી છે કેમ કે ‘મલાલ’ કરુણ અંત ધરાવતી હોવા છતાં બોક્સઓફિસ પર ધારી સફળતા નથી મેળવી શકી. વર્ષો પહેલાં આશા પારેખ જ્યારે ફિલ્મ ‘દો બદન’નું શૂટિંગ કરી રહ્યાં હતાં, ત્યારે સહકલાકાર મનોજકુમારે સૂચિત કર્યું કે ફિલ્મ સફળ નહીં નીવડે કેમ કે લોકોને હેપી એન્ડિંગ ગમે છે. આશા પારેખને યાદ છે કે ફિલ્મ ‘બહારોં કે સપને’ માટે શૂટિંગ કરતાં હતાં ત્યારે એમણે ફિલ્મમેકર નાસિર હુસૈનને કરુણ અંત ન દર્શાવવા માટે આગ્રહ કર્યો હતો. એમણે ફિલ્મનો અંત બદલી નાખ્યો અને સાચે જ ફિલ્મ હિટ નીવડી હતી! જોકે એવું પણ બને છે કે જે ફિલ્મો કરુણાંતિકા હોય તે ક્લાસિક તરીકે યાદ રહી જાય છે.
લગભગ સિત્તેર વર્ષ પહેલાં મહેબૂબ ખાન ફિલ્મ ‘અંદાઝ’ બનાવી રહ્યા હતા, ત્યારે ફિલ્મની હિરોઇન નરગિસ રાજ કપૂરને એ ખાતરી કરાવવા કે એ જ એનો પ્રેમ છે, હીરો દિલીપકુમારને ગોળી મારે છે. આ દૃશ્યે પ્રેક્ષકોને ચોંકાવી દીધા હતા. રામાયણમાં સીતા અગ્નિપરીક્ષા આપે છે, જ્યારે ‘અંદાઝ’માં નરગિસ જેલમાં જાય છે. ‘કાગઝ કે ફૂલ’માં ગુરુદત્ત નિષ્ફળ અને ભાંગી પડેલા ફિલ્મમેકર છે, જ્યારે તેમની જ મહેરબાનીથી વહીદા રહેમાન સફળ સ્ટાર બની જાય છે અને ફિલ્મના ક્લાઇમેક્સમાં એ એના ગુરુ અને માર્ગદર્શકને લોકો વચ્ચે ખોવાઇ જતાં જોઇને અપરાધભાવ સાથે જીવે છે.
1960માં ‘મોગલ-એ-આઝમ’માં જ્યારે બીમાર અનારકલી (મધુબાલા)ને મેળવવા માટે રાજકુમાર સલીમ (દિલીપકુમાર) અને શહેનશાહ પિતા અકબર (પૃથ્વીરાજ કપૂર) વચ્ચે યુદ્ધ થાય છે. જ્યારે બીનારોય-પ્રદીપકુમાર અભિનીત ફિલ્મ ‘અનારકલી’માં કરુણ અંત દર્શાવાયો હતો, તો ‘મોગલ-એ-આઝમ’માં તેના પર રહેમ કરીને એને ચાલ્યાં જવાની અનુમતિ દર્શાવાઇ હતી.
1962માં આવેલી ફિલ્મ ‘સાહેબ બીબી ઔર ગુલામ’માં હવેલી અને તેમાં રહેતી હતાશ છોટી બહૂ જે પતિને પોતાના તરફ આકર્ષવા ઇચ્છે છે તેની વાત હતી. એ એના પતિને એક રાત માટે ઘરે રાખવા ઇચ્છે છે, પણ એ રહેતો નથી અને જ્યારે એ પતિ માટે દવા લેવા હવેલીની બહાર પગ મૂકે છે, ત્યારે એને હવેલીના નિયમનો ભંગ કરવા બદલ મારી નાખવામાં આવે છે.
ફિલ્મ ‘ખામોશી’ (1969)માં વહીદા રહેમાન નર્સનું પાત્ર ભજવે છે, જે એક મનોરોગીને તેની પ્રિયતમાની જેમ કાળજી રાખીને સાજો કરે છે. એ સાજો થયા બાદ ચાલ્યો જાય છે, પણ નર્સ તેના પ્રેમમાં પડે છે. એને ફરી એવા જ એક મનોરોગીને એ જ રીતે સાજા કરવાનું કહેવામાં આવે છે. અંતમાં એ નર્સ પોતે જ મનોરોગી બની જાય છે! હૃષિકેશ મુખર્જીની ફિલ્મ ‘આનંદ’માં કેન્સરથી મરી રહેલા યુવાનની વાત હતી, પણ એ જીવનની દરેક પળને આનંદથી માણે છે! ‘સફર’માં સુપરસ્ટાર રાજેશ ખન્ના ક્લાઇમેક્સમાં અવસાન પામે છે, ત્યારે પ્રેક્ષકો વ્યથિત થઇ જાય છે.
1975માં આવેલી ‘દીવાર’માં અમિતાભ બચ્ચન અંડરવર્લ્ડના ડોન છે, જેને એના જ પોલીસ ભાઇની ગોળી વાગે છે અને એ મૃત્યુ પામે છે કેમ કે એ કાયદાથી વિરુદ્ધના માર્ગે હતો. એનો ભાઇ શશિ કપૂરની આમાં જીત છે કેમ કે એ એની માતાના મૂલ્યોના માર્ગે ચાલે છે. ફિલ્મ ‘ઉમરાવ જાન’માં હકારાત્મક અંત હતો જ્યારે માતા-પિતા પુત્રીને કોઠા પરથી પાછી લેવા જાય છે, ત્યારે રેખા તેમને નાણાં ભરેલી થેલી આપીને કહે છે, ‘અબ એક ઔર ઉમરાવ નહીં બનેગી.’ અને તેમને પાછાં મોકલી દે છે, જ્યારે મુઝફ્ફર અલીએ છેલ્લી ઘડીએ વિચાર બદલીને છેલ્લા દૃશ્યમાં હતાશ રેખાને પાછી આવીને અરીસામાં તાકી રહેલી દર્શાવી છે.
1981માં આવેલી ‘એકદૂજે કે લિએ’ જોયા બાદ અનેક પ્રેમીઓએ આત્મહત્યા કરી હતી અને ડિરેક્ટર બાલુ મહેન્દ્રુને અનેક માતા-પિતા તરફથી ફિલ્મનો અંત બદલવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો, પણ તેમણે એવું ન કર્યું. તેના બદલે બાલુએ થોડા વર્ષો પછી હૃદયસ્પર્શી ફિલ્મ બનાવી ‘સદમા’ જે તેમના અંગત જીવન પર આધારિત હતી.
ફિલ્મ ‘કયામત સે કયામત તક’થી લઇને થોડા સમય પહેલાં આવેલી ‘બાજીરાવ મસ્તાની’ જેમાં રણવીર સિંહ દીપિકા પદુકોણના પ્રેમમાં અવસાન પામે છે, સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ફિલ્મ ‘પદ્્માવત’માં દીપિકા જૌહર કરે છે. આવી તો અનેક વાર્તાઓ અને અનેક અંત:સ્પર્શી કથાઓ છે જે કરુણ અંત દર્શાવે છે, પણ તેની વાત ફરી ક્યારેક કરીશું.
[email protected]

X
article by bhawna somaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી