Back કથા સરિતા
ગુણવંત શાહ

ગુણવંત શાહ

ચિંતન, સાંપ્રત (પ્રકરણ - 39)
‘પદ્મશ્રી’ગુણવંત શાહ લેખક, ચિંતક, વક્તા છે. ‘વિચારોના વૃંદાવન’થી તેમણે ફિલસૂફીથી પુરાણો સુધી અધિકૃતતાથી કલમ ચલાવી છે.

કોઈ અપૂજ શિવાલયની સફાઈ કરવી એ તો માંહ્યલાની માવજત ગણાય

  • પ્રકાશન તારીખ28 Apr 2019
  •  

પ્રત્યેક માણસ એક અપૂજ શિવાલય છે. આપણે ત્યાં અપૂજ શિવાલયનો મહિમા વિશેષ છે. આપણા અપૂજ શિવાલયમાં આપણો ઉપેક્ષિત ‘સ્વ’ પ્યાસા પંખીની માફક બેચેન પાંખો ફફડાવતો રહે છે. એને બીલીપત્ર કોણ ચડાવે? એના પર જલધારી ગોઠવીને નિત્ય અભિષેક કોણ કરે? એવા અપૂજ શિવાલયમાં વળી ઘંટારવ કેવો? એમાં તો પંખીઓની અઘાર અને ખરી પડેલાં પીળાં પાનનો કચરો એકઠો થતો રહે છે.
રોજ રોજ પોતાના ‘સ્વ’ની હત્યા કરનારાઓને કોઈ ‘હત્યારા’ નથી કહેતું. આવા હત્યારાઓ માટે ઇશોપનિષદના ઋષિએ શબ્દો પ્રયોજ્યા: ‘આત્મહન: જના:.’ આખી દુનિયા આજે મોટા ગણાતા માણસોની વિકરાળ સફળતાઓનો બોજ વેંઢારી રહી છે. સફળ વેપારી, સફળ ડોક્ટર કે સફળ વકીલ કદી પણ સાચો વેપારી, સાચો ડોક્ટર કે સાચો વકીલ બનવાનું જોખમ નથી વહોરતો. એ જ્યારે જ્યારે ‘આત્મહન:’ બને ત્યારે ત્યારે એની સફળ થવાની શક્યતા વધી જાય છે. ક્યારેક કોઈનો માંહ્યલો જાગી જાય ત્યારે અપૂજ શિવાલયમાં નિરાંતે ગૂંગળાતી બંધિયાર હવાનો મિજાજ બદલાઈ જાય છે. આવું બને ત્યારે ચમત્કાર સર્જાય છે. કોઈ આંધળી કમાણી કરનાર ડોક્ટર આલ્બર્ટ શ્વાઇટ્ઝર બનવાને માર્ગે હીંડવાનું શરૂ કરે છે. એ જ રીતે કોઈ સફળ વેપારી શ્રીમદ રાજચંદ્રની પ્રામાણિકતાનું પગેરું શોધતો થાય છે અને વળી કોઈ સફળ વકીલ દક્ષિણ આફ્રિકામાં ‘સાચી વકીલાત’ના રવાડે ચડીને મહાત્મા ગાંધીની કેડીએ ચાલવાનું સાહસ કરે છે.
આપણી સમસ્યાઓનો ગંગાસાગર બહાર જણાય ખરો, પરંતુ બધી જ સમસ્યાઓની ગંગોત્રી તો આપણી ભીતર હોય છે. રોજ રોજ મોટા પાયા પર ‘સ્વ’ની હત્યા થતી રહે તોય માણસો તો જીવતા ને જીવતા બેઠા હોય છે! જગતનું આ જ તો ખરું આશ્ચર્ય છે ને? જીવતા હોવાની ભ્રમણા એટલી તો સુખદ અને સાર્વત્રિક છે કે ભ્રમણા છોડવાની હિંમત જ નથી ચાલતી. વાત થોડી વિચિત્ર છે તો! પડું પડું ભીંત પોપડાંને આધારે ટકેલી છે એવો ભ્રમ પણ થોડુંક આશ્વાસન પૂરું પાડે છે. આશ્વાસનનો જન્મ જ પરાક્રમ ન પ્રગટે તે માટે થયો છે. આવા પરાક્રમનો સંબંધ અપૂજ શિવાલયમાં એકઠી થયેલી (પંખીઓની) અઘાર સાથે નહીં, પરંતુ શિવાલયમાં ઘણે વખતે જઈ પહોંચેલા પૂજારીની શિવભક્તિ સાથે હોય છે.
પુરુષ અને પ્રકૃતિના આલિંગનમાં જે ‘પુરુષ’ છે, તે ‘સ્ત્રી-પુરુષ’ જેવા દ્વન્દ્વ સમાસમાં જીવતા પુરુષ કરતાં ઊંચેરો છે. ઉપનિષદીય વાંગ્મયમાં પુરુષ એટલે આત્મા. કાઠિયાવાડમાં લોકો આત્માને ‘માંહ્યલો’ કહે છે. કેવો મધુર શબ્દ છે આ માંહ્યલો? આમ ‘પુરુષાર્થ’નો ખરો સંબંધ પરમેશ્વરની પ્રાપ્તિ માટે હીંડવાની સાધના સાથે છે. જેઓ આપઘાતિયા (આત્મહન:) નથી તેઓ જ ખરેખર ‘પુરુષાર્થ’ કરી શકે. આપણી તો વાત જ અનોખી છે. આપણને તો ‘સ્વ’ વિનાનું સ્વરાજ્ય ગમે છે અને વળી રામ વગરનું રામરાજ્ય પણ ગમે છે. સમાજના ઘણા ખરા લોકોને સચ્ચાઈ વિનાની સ્માર્ટનેસ ગમે છે. યાદ છે? અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ આઇઝનહોવરે ‘સ્માર્ટ બોમ્બ’ની વાત કરી હતી. સ્માર્ટ બોમ્બ એટલે એવો બોમ્બ, જે માણસોને મારી નાખે, પણ રોગી ન બનાવે. બોલો!
કટાઈને લીલા પડી ગયેલા ગોબાવાળા કાણા કળશિયાનું પણ પોતીકું સ્ટેટસ હોય છે. અંદરથી સાવ ખવાઈ ગયેલા ડોક્ટરો, વકીલો, વેપારીઓ, શિક્ષકો, કર્મચારીઓ અને દલાલોના સ્ટેટસને કટાઈ ગયા પછી પણ કોઈ આંચ નથી આવતી. કોઈ આદમી ઇન્સાન મટી જાય, તોય સફળ ડોક્ટર કે સફળ વેપારી કે સફળ વકીલ ગણાતો રહે છે. ફિલામેન્ટ વિનાના વીજળીના બલ્બને પણ લોકો તો ‘બલ્બ’ કહેવાનું ચાલુ રાખે છે! માણસાઈ વગરના માણસને પણ લોકો ‘માણસ’ ગણવાનું ચાલુ જ રાખે છે! ક્યારેક કલાકારો, સાહિત્યકારો પણ અંદરથી ખાલીખમ એવા ધનકુબેરની લળી લળીને પ્રશંસા કરે ત્યારે દુ:ખદ આશ્ચર્ય થાય છે. કવિનો કે કલાકારનો શબ્દ આ રીતે વેડફાય, તે સમાજનું ભવિષ્ય શું? કોઈ ખરા કવિની ભીતરની ભરતી આગળ પેલા ધનકુબેરનો વૈભવ જખ મારે છે. મહાકવિ ભર્તૃહરિએ કહ્યું હતું: કવિઓ તો પૈસા વિના પણ ઐશ્ચર્યવાન હોય છે (કવચ: ત્દ્યર્થં વિનાપીશ્વરા:) કોઈ કવિને પબ્લિક રિલેશન્સ ઓફિસર (PRO) થવાનું ન પાલવે. કવિ સંત નથી હોતો, મહંત નથી હોતો અને ભગવંત પણ નથી હોતો. કવિ બસ કવિ જ હોય છે, કારણ કે એ ‘ક્રાંતદર્શી’ હોય છે.
વાતવાતમાં લોકો કહે છે કે એમને તો મરવાનીય ફુરસદ નથી. આવા માણસો પાસે જીવવાની ફુરસદ હોઈ શકે ખરી? આપણે ભલે સામાન્ય હોઈએ, પરંતુ સામાન્યતાનું મોઢું તો અસામાન્યતા તરફનું જ હોવું જોઈએ. ક્યારેક મનમાં પ્રાપ્ત થાય છે: ભજન અને કીર્તન વચ્ચે કોઈ તફાવત ખરો? કોયલના ટહુકામાં અને મોરના કેકારવ વચ્ચે કોઈ તફાવત ખરો? બંને પ્રશ્નો વિચિત્ર છે. વિચિત્ર પ્રશ્નનો જવાબ વિચિત્ર જ હોવાનો! ભજનમાં જ્યારે નર્તન ભળે ત્યારે કીર્તન સર્જાય. કોયલ પાસે સંગીત છે, પણ નર્તન નથી. મોર પાસે સંગીત અને નર્તન બંને છે.
ભક્તની આકાંક્ષા પરમ તત્ત્વમાં
ઓગળી જવાની હોય છે. એવી ઊર્ધ્વમૂલ આકાંક્ષામાંથી નૃત્ય ઊગે છે. કોઈ અભિમાની માણસ કદી નૃત્ય ન કરી શકે. અહંવિસર્જન પછી જ કીર્તન જામે. કીર્તન એટલે લયલીન થવાની સાધના. ગીત અને ગતિના લય વચ્ચે મેળ પડે ત્યારે કીર્તન પ્રગટે. નરસિંહ મહેતા ક્રાંતિપુરુષ હતા. બાકી હરિજનવાસમાં કીર્તન કરવા કયો ભક્ત જાય? અહંવિસર્જન એ જ ખરી જીવનક્રાંતિ! રાંદેરમાં અંગ્રેજી ફળિયામાં જ્ઞાનયોગી ચંદુકાકા રહેતા હતા. મહાત્મા ગાંધી એમના ઘરે સત્સંગ માટે ગયેલા અને એક કલાક રોકાયા હતા. બાળક તરીકે અમે ચંદુકાકાને જોયેલા. મેં જીવનમાં પહેલી વાર અપાર વિસ્મય સાથે ‘રેડિયો’ જોયેલો અને સાંભળેલો. આવા અપ્રસિદ્ધ સાધુ એવા ચંદુકાકા વારંવાર એક વાક્ય ઉચ્ચારતા: ‘મરતાં પહેલાં જાને મરી!’ ⬛
}}}
પાઘડીનો વળ છેડે
ભગવાન દરેક માણસને
પૃથ્વી પર મોકલતી વખતે
એના કાનમાં
એક અત્યંત ખાનગી વાત કહે છે:
‘મેં જગતમાં તારા જેવો
બીજો કોઈ જ માણસ
મોકલ્યો નથી.’
વિનોબાજીના પરંધામ પઉનાર આશ્રમમાં ગાળેલા એક કલાક દરમિયાન જડેલો વિચાર.
(તા. 16-6-1973)
Blog:http://gunvantshah.wordpress.com

x
રદ કરો

કલમ

TOP