મેનેજમેન્ટની abcd- બી.એન. દસ્તૂર / મેનેજમેન્ટનો સ્વસ્તિક

Swastika of Management

Divyabhaskar.com

Dec 04, 2019, 04:55 PM IST
મેનેજમેન્ટની abcd- બી.એન. દસ્તૂર
આપણી સંસ્કૃતિમાં સ્વસ્તિકનું મહત્ત્વ છે. શુભ કામોનો આરંભ સ્વસ્તિક દોરી કરવાનો આપણે ત્યાં રિવાજ છે. સ્વસ્તિકનું ચિહ્્ન શુભ મનાય છે.
કારણ?
જવાબ મળશે, ‘મારો ગોળી કારણને. શ્રદ્ધાનાં કારણ હોતાં નથી.’
જવાબ સાચો છે. જલન માતરીનો શેર એવું કહે છે કે, શ્રદ્ધાને પુરાવાની જરૂર નથી. કુરાનમાં પયગંબરની સહી નથી.
આ કટાર ‘શ્રદ્ધાની ABCD નથી.’ મેનેજમેન્ટની છે. શ્રદ્ધાની પાછળનાં કારણોની ચર્ચાની છે. સ્વસ્તિક શુભ મનાય છે, કારણ કે એના ચાર ખૂણામાં છે -
- માનવી
- ઝાડ-પાન
- પંચભૂતો (આકાશ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ)
- જાનવરો
દુનિયા આખી આવી ગઈ. થોરામાં ઘનું તે આનું નામ.
ઝાડ-પાન, જાનવરો અને માનવીની રચના અને પ્રકૃતિ અલગ છે.
એક જ પ્રકારની વનસ્પતિ અને એક જ સ્પીસીસનાં જાનવરોની સ્ટિમ્યુલસ તરફની પ્રતિક્રિયા લગભગ સરખી હોય છે.
‘મેનેજરોએ નવા કર્મચારીની માવજત એક ગુલાબના છોડની જેમ કરવી જોઈએ.’ એ વાત કવિતા લખવી હોય તો ચાલી જાય, વાસ્તવમાં વાહિયાત છે. ગુલાબના છોડમાં લાગણીઓ હશે, પણ આપણને એની ગતાગમ નથી. ગુલાબનો દીકરો હોસ્પિટલમાં હોતો નથી. એની પત્ની એને છૂટાછેડાની ધમકી આપતી નથી. વગર નોટિસે એની સાસુ ટપકી પડતી નથી.
આવું જ જાનવરોનું છે. મેં ક્યાંક મેનેજમેન્ટના ગુરુને સાંભળેલા, ‘એક સિદ્ધહસ્ત સરકસના રિંગમાસ્ટરની જેમ કર્મચારીઓને ટ્રેનિંગ આપી, કામ લો.’
ઝૂલોજીનું વિજ્ઞાન માનવીઓને ‘જાનવર’ની કેટેગરીમાં ભલે મૂકે. માનવી એની માન્યતાઓ, એની લાગણીઓ, એના વિચાર, વાણી, વર્તન, એનાં ઇમેજિનેશન, એની યાદદાસ્તનો ગજબનો, ન સમજાતો કોમ્બો છે. અલગ અલગ સંજોગોમાં, એનું વર્તન અલગ હોય છે. એની ઘરની અને ઓફિસની દુનિયા અલગ હોવા છતાં એકબીજા સાથે સંકળાયેલી છે.
પંચમહાભૂત ઇન્દ્રિયો નથી. એમને દુનિયાદારીનું ભાન નથી. એ બધા આપણી જિંદગી ઉપર અસર કરે છે માટે એમની રક્ષા આપણને ફરજ તરીકે કે પછી ‘જખ મારીને’ કરવી પડે છે. નદી વહેતી રહે છે, ડાયનેમિક છે, પણ એનામાં નથી લાગણી, નથી દુનિયાદારીનો અનુભવ. જેની છેલ્લાં 1500 વર્ષથી પ્રાર્થના કરવામાં આવે છે. જીવંત રાખવામાં આવે છે એવો પારસીઓના ઉદવાડાના આતશબહેરામનો અગ્નિ, એની પરવરીશ કરનાર પૂજારીને બાળી નાખવા સમર્થ છે. નદીને, અગ્નિને, વાયુ, આકાશ, પથ્થરને મરી જવાનો ડર નથી, કારણ કે જીવતા રહેવા માટે એ કોઈ સંઘર્ષ કરતાં નથી.
ઝાડ-પાન, જાનવરો જીવવા માટે જરૂરી સંઘર્ષ કરે છે, પણ માનવીના સંઘર્ષમાં વિવિધતા છે. એનામાં જે ઇમેજિનેશન છે એ બીજા જીવોમાં નથી. જે દુનિયાનો આપણે અનુભવ કરીએ છીએ, તે દુનિયા કેવી હોવી જોઈએ, કેવી હશે એ આપણે ઇમેજિન કરી શકીએ છીએ. દરેક માટે વાસ્તવિકતા અલગ છે. દરેકનું શરીર અલગ, એનાં ફિલ્ટરો અલગ, અનુભવો અલગ, જ્ઞાન અલગ.
ગીતાના કૃષ્ણને ઝાડ-પાનની, પંચમહાભૂતની, જાનવરોની અને ઇન્સાનોની વાસ્તવિકતાની અનુભૂતિ થાય છે. પંદરમાં અધ્યાયમાં (શ્લોક 12થી 18) વાંચી નાખો.
અને હવે,
આપણા વડીલોએ બનાવેલા પેલા સ્વસ્તિકના ચાર ખૂણાઓ ઉપર વિચાર કરો, મેનેજમેન્ટના દૃષ્ટિકોણથી.
દુનિયા ભલે બની હોય -
- માનવી
- વનસ્પતિ
- જાનવરો
- પંચમહાભૂતથી
મેનેજમેન્ટની દુનિયાના સ્વસ્તિકના દરેક ખૂણામાં છે - માનવીઓ, કર્મચારીઓ, નોલેજ વર્કરો, સ્ટેકહોલ્ડરો. સૌ માનવીઓ છે.
- દરેક સ્ટેકહોલ્ડર, કર્મચારી, શેર હોલ્ડર, ગ્રાહક, ડિસ્ટ્રિબ્યુટર, બિઝનેસ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા સૌ માનવીઓ છે.
- દરેકની વાસ્તવિકતા અલગ છે. દરેકની પ્રાથમિકતા અલગ છે. કર્મચારીને પગાર, શેરહોલ્ડરને ડિવિડન્ડ, ગ્રાહકને ક્વોલિટી, કિંમત, સર્વિસ, ડિસ્ટ્રિબ્યુટરને કમિશન, સરકારને ટેક્સ, સરકારી ઓફિસરને ‘કવર.’
પંદરમા અધ્યાયમાં કૃષ્ણ પોતાના માટે જ કહે છે એનાથી વધારે તમારે બનવાનું છે, ફક્ત લેબલ અલગ છે.
થોરામાં ઘનું.
[email protected]
X
Swastika of Management

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી