Back કથા સરિતા
અશોક શર્મા

અશોક શર્મા

પૌરાણિક કથા (પ્રકરણ - 20)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.

કરોળિયો કંઇક કહે છે, કાન દઇને સાંભળો!

  • પ્રકાશન તારીખ06 Jun 2019
  •  

ભારતીય દર્શનમાં ગુરુ-શિષ્યની પરંપરાનું અનોખું મહત્ત્વ છે. ‘કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્!’ શ્રીકૃષ્ણને તો જગદ્ગુરુ કહ્યા છે. કૃષ્ણાવતાર પ્રકૃતિનો જગતને અનુપમ ઉપહાર છે. શ્રીકૃષ્ણે ગર્ગાચાર્ય અને સાંદિપનિ ઋષિનું શિષ્યત્વ સ્વીકારી ગુરુદેવનો મહિમા વધાર્યો છે. શ્રીકૃષ્ણના બે શિષ્યો જાણીતા છે. પાર્થ તેમના કર્મયોગના છાત્ર અને ઉદ્ધવજી જ્ઞાનયોગના શિષ્ય છે. જ્ઞાન, સંન્યાસ, તપ અને શ્રદ્ધા જેવા સૂક્ષ્મ વિષયોને કર્મયોગની માળામાં ગૂંથીને વ્યવહારુ અથવા પ્રાગ્મેટિક વિઝન આપનાર શ્રીકૃષ્ણને ઉત્તમ સંશોધક ગણવા જોઇએ. રામધારીસિંહ ‘દિનકરે’ ‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’માં શ્રીકૃષ્ણને આર્યોના વિજિગિષુ જીવનવાદ અને દ્રવિડોના ભક્તિવાદનું સંમિશ્રણ કરી નવી જીવનદૃષ્ટિ આપનાર મહામના તરિકે વધાવ્યા છે. શ્રીમદ્ભાગવતના અગિયારમા સ્કંધમાં ઉદ્ધવગીતાના અવધૂતોપાખ્યાન અંતર્ગત ગુરુ દત્તાત્રેયના ચોવીસ ગુરુઓ પૈકી એકવીસ ગુરુઓની વાત કરી. આજના ત્રણ ગુરુઓ છે; બાણ બનાવનાર કારીગર, ભ્રુંગી કીડો અને કરોળિયો.
એકવાર એક રાજાની સવારી નીકળી હતી. હજારો સૈનિકો, હાથીઘોડાઓ અને વાજિંત્રોનો પ્રચંડ ધ્વનિ વાતાવરણને ગજવી રહ્યો હતો. એ વખતે રસ્તાની બાજુએ બેઠેલો એક કારીગર ધનુષબાણને બનાવી રહ્યો હતો. તે પોતાના કામમાં એટલો મશગૂલ હતો કે આખીયે સવારી નીકળી ગઇ તો પણ તેનું ધ્યાન એ તરફ ન ગયું. એ કેવું આશ્ચર્ય કે આવડો મોટો કોલાહલ પણ તેનું ધ્યાન તોડી ન શક્યો! અવધૂત આ જોઇને અચંબિત થઇ ગયા. તેમણે પેલા કારીગરને ગુરુ માની લીધો. કારીગરની મગ્નતા તો અજબ છે જ પણ અવધૂતની સૂક્ષ્મ દૃષ્ટિ તો જુઓ? તેમને પેલી સવારીની ઝાકમઝોળમાં કોઇ રસ ન પડ્યો પણ તેમની ચતુર આંખે કારીગરની કર્મસમાધિને અંકે કરી લીધી! આ બંને વાતો કામની છે. ઘણીવાર આપણે આસપાસના ધમાલમાં હાથમાંના કામને કે સમૃદ્ધિને જોઇ સમજી શકતા નથી. કારીગરની દૃષ્ટિએ જોઇએ તો રાજાની સવારીથી એને શો મતલબ? તેના માટે તો બાણની ધાર કેવી નીકળે છે એ જ અગત્યનું છે. તેનો દાણોપાણી કે સફળતા તો પોતાનું કામ જ આપશે કે બીજું કોઇ? અવધૂત કહે છે, ‘બહુ શોરબકોર કરતી બાહ્ય સમૃદ્ધિને કોરાણે મૂકો અને તમારી ભીતર પડેલા ઝવેરાતને પહેચાનો!’ કીડાની વાત પણ મજાની છે. તેને સતત ડર છે કે ભમરી આવી તેને ઉપાડી જશે. એટલે તે સતત ભમરીનું ચિંતન કરતો રહે છે. અંતે તેને પોતાને પાંખો ફૂટે છે અને તે ભમરીમાં રૂપાંતર પામે છે. ગુરુદેવ દત્ત કહે છે કે તમે જેવું ચિંતવો, તેવા જ બનશો! આમ તો વાત મૂળે અધ્યાત્મની છે. શિવના અખંડ સ્મરણથી જીવમાં ભગવત્તાનું સ્ફૂરણ આપોઆપ થાય છે. ભગવાન વિષ્ણુની ઉપાસના કરતા ભક્તને વૈષ્ણવની ઉપાધિ એમ જ નથી મળતી! તેણે અંતે ઉપાસ્ય દેવ સાથે એક થવાનું છે, જેમ મીરાં દ્વારકાધીશમાં સમાઇ ગયા હતા તેમ! આમ તો વાત મૂળે અધ્યાત્મની છે પણ તેનો વ્યવહાર બોધ એ છે કે કોઇપણ ઉદાત્ત વિષયનું અવિરત જોડાણ માણસમાં રચનાત્મક ઊર્જાનો પ્રચંડ ધોધ પ્રગટ કરે છે.
કરોળિયો નિષ્ઠા, પ્રયત્નશીલતા અને કર્મઠતાનો ઉત્તમ પ્રેરણાસ્રોત છે. જ્યારે કરોળિયાને જોઇએ ત્યારે તેનો અવાજ સાંભળવા અવશ્ય પ્રયાસ કરીએ, ‘હે માનવ! હું તો સાવ પામર જીવ છું. આમ છતાં હું ન નિષ્ફળતાથી હાર માનું છે કે ન કામ કરતાં થાકું છું. મારી કને તારા જેવું કશું નથી અને તારી પાસે શું નથી? આમ છતાં તું જરા અમથી વાતે નાસીપાસ થાય તે કેમ ચાલે? ચાલ આપણે બંને સાથે કામ કરીએ. હું મારી નાનકડી જાળ ગૂંથું અને તું તારો જીવનબાગ સજાવ!’ જય ગુરુદત્ત!
[email protected]

x
રદ કરો

કલમ

TOP