જીવનના હકારની કવિતા / જાત ચુકાદાનું આત્મપરીક્ષણ

Self-examination of quality judgments

અંકિત ત્રિવેદી

Apr 28, 2019, 03:55 PM IST

સ્વપ્નમાંથી જાગીએ રાત નીકળે,
થોડો ઘણો હૂંફાળો આઘાત નીકળે.
ભવોભવ મળવાના વાયદા તો હતા,
અકારણ આ ટૂંકી મુલાકાત નીકળે.
બધા જવાબ આપીને બેઠો છું હવે,
આ મૌનમાંથી કેમ સવાલાત નીકળે.
એમ તો ભુલાઈ ગયેલ અસ્તિત્વ છું,
છતાંય ક્યારેક તો મારી વાત નીકળે.
ક્ષણોને ખોતરી જોજો કદીક સોયથી,
ચિત્કાર પાડતી માણસની જાત નીકળે.
- નિરૂપમ નાણાવટી

સફળતા અંધારને વરેલી અને સદેલી છે. અંધકાર છેદીને જ કૂંપળની લીલપનો ઉદ્્ગાર પૃથ્વી પર જીવંત થાય છે. માતાના ગર્ભના અંધકારમાંથી જીવનનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. રાત પડ્યા પછી જ સવારના ઘણા વિસ્મયો અચંબો પમાડે છે. સ્વપ્નામાંથી જાગીએ પછી સવાર જ પડે એવું કોણે કીધું? કેટલીક વાર આંખ ખૂલ્યા પછી પણ દિવસ દરમિયાન રાત જેવું અનુભવાય છે. દેખીતો હૂંફાળો આઘાત માળો બાંધીને બેસે છે એમ કે હવે પંખી ચણ ચણવા જ નહીં જાય! જિંદગી કેરમના બોર્ડ ઉપર ચેસ રમવાની નવી આવડતની જિંદાદિલી બની ગઈ છે!
ભવોભવ મળવાના વાયદા બંને પક્ષે હતા. છતાંય અકારણ ટૂંકી મુલાકાત નીકળી. હરીન્દ્ર દવે રૂપલે મઢી છે સારી રાત એનું ઢૂંકડું ન હોજો પરભાત’- એમ લખે ત્યારે વાત સ્વજન અને સજનની વચ્ચે રહે છે. અહીંયાં કવિ સામસામે વાયદાનું વહાલ ઊજવે છે અને મહેફિલમાં એકલા બેસીને ટૂંકી મુલાકાતને સ્મૃતિમાં મમળાવે છે.
બોલવું અને ચૂપ રહેવું બંને અલગ કિનારા છે, પરંતુ જવાબો આપ્યા પછીનું મૌન પણ બોલકું હોય છે. એમાંથી જવાબો જ નીકળે એવું નથી, ક્યારેક સવાલો પણ ઊભા થતા હોય છે.
આ દુનિયાની પ્રત્યેક વ્યક્તિ જાણે છે કે એના ગયા પછી બધા જ એને ભૂલી જવાના છે, પણ જે જીવે છે એને આવી ખબર પડે એ સાચ્ચો માણસ અને સર્જક બનવાની સીડી પરનું પોતાને જ અજવાળતું ફાનસ છે. પોતાના સંવાદમાં સર્જક મુત્સદ્દી હોય છે એમાં એના માણસપણાના વિવેકથી બેટિંગ કર્યા વગરની સદી પણ હોય છે.
ક્ષણોને ખોતરશો સોયથી ત્યારે ખ્યાલ આવશે માણસ જાતનો ચિત્કાર! આ ચિત્કાર દરેકને માફક આવી ગયેલો હકાર છે. દરેક જણા પોતાની રીતે પોતાને ખોતરે છે. દરેકની અલગ સોય છે. દરેકને થોડું ઘણું સહન કરવાની લાયમાં જીવવાનો હકાર પ્રાપ્ત થાય છે જ.
નિરૂપમ નાણાવટીની આ કવિતા વાણી અને વકીલની વચ્ચે આસોપાલવના તોરણ બાંધીને હકારના સંશયને આવકારતી ‘જીવનના હકારની કવિતા’ છે. ચુકાઈ ન જવાય એવા જાત ચુકાદાનું આત્મપરીક્ષણ છે. ⬛
[email protected]

X
Self-examination of quality judgments

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી