કામ સંહિતા / સલામત સેક્સ માટે કોન્ડોમની અનિવાર્યતા

Indispensability of condoms for safe sex

સલામત જાતીય સંબંધ તથા ગર્ભનિવારણ માટે કોન્ડોમનો ઉપયોગ કરવો હિતાવહ છે

ડૉ. પારસ શાહ

May 20, 2019, 05:27 PM IST

કેટલાક ચોક્કસ સમુદાયોમાં કે વ્યક્તિગત ધોરણે પણ સુરક્ષિત જાતીય સમાગમ વિશે જોઈએ તેટલી સમજ પ્રવર્તતી નથી તે વાસ્તવિકતા છે. સલામત જાતીય સંબંધ બાંધવા તથા ગર્ભનિવારણ માટે વ્યક્તિગત સ્વચ્છતાની સાથે સાથે જ કોન્ડોમનો ઉપયોગ કરવો હિતાવહ છે. જોકે, અગાઉ જણાવ્યું તેમ સેક્સ અંગેની વિવિધ ગેરમાન્યતાઓમાં કોન્ડોમના ઉપયોગ, તેના ફાયદા-ગેરફાયદા વિશેની બાબતોનો પણ સમાવેશ થાય છે. એવું નથી કે માત્ર ગામડાના કે અભણ માણસો જ આવી ગેરમાન્યતાઓના પ્રભાવ હેઠળ જીવે છે. કેટલાક શિક્ષિત લોકો પણ ગેરસમજનો ભોગ બનેલા હોય છે. અહીં આ લેખમાં કોન્ડોમ વિશે સામાન્ય સમજ મેળવવા ઉપરાંત તેના પ્રકારોની ચર્ચા કરી છે.
કોન્ડોમ એટલે કે નિરોધ શું છે, તેનું શું મહત્ત્વ છે?
કોન્ડોમ મુખ્યત્વે પુરુષો માટે જ છે તેવો વધુ એક ભ્રામક ખ્યાલ લોકોમાં જોવા મળે છે. જોકે, ટેક્નોલોજિકલ આવિષ્કારને પરિણામે મહિલાઓ માટેના કોન્ડોમ પણ વર્ષોથી શોધાયાં હોવા છતાં તેનું પ્રચલન અને તેના વિશે જાગરૂકતાનો અભાવ જોવા મળે છે. અહીં પુરુષો માટેના કોન્ડોમ વિશે ચર્ચા કરીશું.
પુરુષો માટે બજારમાં ઉપલબ્ધ કોન્ડોમ એ એક ચુસ્ત, પાતળું પ્લાસ્ટિકનું આવરણ છે, જે પુરુષ સમાગમ દરમિયાન તેના જનનાંગ પર પહેરે છે. કોન્ડોમના વિવિધ પ્રકાર છે:
લેટેક્સ, પ્લાસ્ટિક અથવા લેમ્બસ્કિનઃ દુનિયાના મોટાભાગના દેશોમાં લેટેક્સના કોન્ડોમનો ઉપયોગ સૌથી વધુ થાય છે. જો તમારી ત્વચા વધુ પડતી સંવેદનશીલ હોય કે તમને લેટેક્સ એલર્જી હોય તો તમે અન્ય પ્રકારના એટલે કે પોલિયુરેથિન અથવા પોલિઆઇસોપ્રીનમાંથી બનેલા કોન્ડોમનો ઉપયોગ કરી શકો છો. લેટેક્સના કોન્ડોમ તમને સેક્સ દરમિયાન એચઆઈવી, હર્પિસ જેવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ(એસ.ટી.ડી.) એટલે કે જાતીય સંક્રમિત રોગ સામે રક્ષણ આપે છે. કુદરતી કે લેમ્બસ્કિન કોન્ડોમ ઘેટાંના આંતરડાંમાંથી મળતાં તત્ત્વોમાંથી તૈયાર કરાય છે. તે ગર્ભાધાન અટકાવે છે, પરંતુ માણસની ત્વચાની માફક તે છિદ્રાળુ હોય છે. એટલે કે જાતીય સંક્રમિત રોગ સામે રક્ષણ મળતું નથી.
દરેક કોન્ડોમ પર દેખાતી, અનુભવાતી સ્નિગ્ધતા અથવા ચીકાશનું કારણ તેના પર લગાવેલા પ્રવાહીનું પાતળું આવરણ છે. પ્રવાહીનું આ આવરણ સેક્સ દરમિયાન થતી પીડા અને શુષ્કતાને દૂર કરવામાં મદદ કરવાની સાથે સાથે જ કોન્ડોમને ફાટી જતો અટકાવે છે.
ટેક્સચર્ડ કોન્ડોમ્સઃ રિબ્ડ અને સ્ટડેડ સહિતના વિવિધ પ્રકારના ટેક્સચર્ડ કોન્ડોમ્સ સેક્સના અનુભવને વધુ આનંદદાયક અને સંતોષકારક બનાવે છે. જોકે, જે અન્ય માટે બહેતર હોય તે તમને કે તમારા સાથીને અનુકૂળ આવે તે જરૂરી નથી. જો આ પ્રકારના કોન્ડોમ્સથી તમને અને તમારા પાર્ટનરને વધુ આનંદનો અનુભવ થતો હોય તો તેનો ઉપયોગ કરી શકાય. બજારમાં મળતા વિવિધ પ્રકારના કોન્ડોમ્સ વાપરતી વખતે સાવધાની રાખવી જરૂરી બને છે, કારણ કે ઘણા કોન્ડોમ્સને જરૂરી તબીબી નિયમનકારી મંજૂરીઓ મળી નથી.
[email protected]

X
Indispensability of condoms for safe sex

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી