Back કથા સરિતા
નગીનદાસ સંઘવી

નગીનદાસ સંઘવી

રાજકીય વિશ્લેષણ (પ્રકરણ - 75)
લેખક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત ‘તડ ને ફડ’ કોલમથી તેઓ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસવા માટે જાણીતા છે.
પ્રકરણ-51

શ્રીલંકામાં વિસ્ફોટો : ISISનું બચાવનામું ગળે ઊતરે તેવું નથી

  • પ્રકાશન તારીખ28 Apr 2019
  •  

શ્રીલંકામાં ખ્રિસ્તીઓ માટેના અતિ પવિત્ર પર્વ-ઇસ્ટરના દિવસે એક પછી એક થયેલા આઠ ધડાકાઓમાં ત્રણસો લોકોની હત્યા થઈ. ઘાયલ થયેલાનો આંકડો તો ઘણો મોટો છે. આ ધડાકાઓમાં બૌદ્ધ કટ્ટરપંથી સિંહાલીઓ અને બૌદ્ધ ભિખ્ખુઓને આપવામાં આવતો દોષ ખોટો ઠર્યો છે અને ઇસ્લામી રાજવટના આગેવાનોએ આ પાપકર્મની જવાબદારી મોટા દબદબા સાથે જાહેર કરી છે. પોતાના આ નિર્ધૃણ કામ માટે તેમણે ખ્રિસ્તીઓ પર દોષ ઢોળ્યો છે અને થોડા મહિના અગાઉ ન્યૂઝીલેન્ડમાં કોઈ ખ્રિસ્તીએ મસ્જિદમાં કરેલા અંધાધૂંધી ગોળીબારનું વેર વાળવા માટે આ ધડાકાઓ કરવામાં આવ્યા છે તેવી સમજૂતી આપી છે.
આ સમજૂતી અથવા બચાવનામું કોઈ રીતે ગળે ઊતરે તેવું નથી. ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની વચ્ચે અફાટ અંતર છે. ન્યૂઝીલેન્ડના કોઈ પાગલ માણસના આ કૃત્યને આખા દેશના ખ્રિસ્તી સમાજે અને દેશના ખ્રિસ્તી રાજવટે વખોડી કાઢ્યું છે અને આ ગોળીબારનો ભોગ બનેલા લોકો માટે જરૂરી રાહત અને સહાયનો પ્રબંધ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડમાં બનેલા બનાવનું વેર શ્રીલંકામાં ખ્રિસ્તીઓ પર વાળવામાં આવે તેનો તાર્કિક કે નૈતિક બચાવ થઈ શકે નહીં. ઇસ્લામના સિદ્ધાંતો પ્રમાણે આખી દુનિયાના મુસલમાનો એક કોમ-એક સમાજ - ‘ઉમ્મા’ છે અને તેથી પોતાની કોમને થયેલી જફા માટે આખી કોમે સજાગ થવું ઘટે છે.
આ કૃત્યમાં જેટલું ઘાતકીપણું છે તેટલું જ બાયલાપણું પણ છે. તેમણે વેર વાળવું હોય અને ન્યૂઝીલેન્ડમાં ધડાકા કરવામાં આવ્યા હોત તો તેને કંઈક અંશે પણ વાજબી ઠરાવી શકાય. એક માથાફરેલ માણસના પાપનો બદલો આખા સમાજ પાસેથી વસૂલ કરવો તેને વાજબી ઠરાવી શકાય નહીં, પણ દેશ એક જ હોવાથી વેર વાળવાના કૃત્યને સમજવાથી કે સમજી શકાય.
ઇસ્લામ રાજવટ ખતમ થવાના આરે છે. સીરિયા અને ઇરાકમાં પગ જમાવનાર ઇસ્લામી રાજવટનો લગભગ સંપૂર્ણ પરાજય થયો છે અને તેના સૈનિકો કાં તો હણાયા છે, કાં તો શરણે આવ્યા છે અથવા ભાગી છૂટ્યા છે, પણ આ સંસ્થાના વરિષ્ઠ આગેવાનોની સાન ઠેકાણે આવી નથી. પોતાનાં આવાં દુષ્કૃત્યોથી દુનિયાભરના મુસ્લિમોની આબરૂને બટ્ટો લાગે છે અને વિવિધ દેશોમાં નિવાસ કરતા મુસલમાનો માટે પોતપોતાના દેશબાંધવો સાથે સમરસ થવાનું વધારે ને વધારે મુશ્કેલ થતું જાય છે. સમસ્ત મુસ્લિમ સમાજ એકજૂટ કોમ હોય-ઉમ્મા હોય તો ઇસ્લામી રાજવટના આગેવાનોના પાપની જવાબદારી પણ દરેક મુસલમાન સમાજે સામૂહિક રીતે અને દરેક મુસલમાને વ્યક્તિગત રીતે ઉપાડી લેવી જોઈએ. માત્ર મુઠ્ઠીભર કહી શકાય તેવા લોહીતરસ્યા ત્રાસવાદીઓના કારણે આખો મુસ્લિમ સમાજ બદનામ થઈ રહ્યો છે. ત્રાસવાદને કોઈ ધર્મ હોતો નથી તે વાત સૈદ્ધાંતિક રીતે કબૂલ કરનાર લોકો પણ વહેવારમાં તો મુસલમાનો પ્રત્યે નારાજગી અનુભવે છે. બધા મુસલમાનો ત્રાસવાદી નથી જ, પણ જેટલા નામચીન ત્રાસવાદીઓ છે તે બધા મુસલમાન છે તે હકીકત ગમે તેટલી કડવી લાગે તો પણ સ્વીકારવી જ પડશે અને આમ જનતાએ તેનો સ્વીકાર કરી લીધો છે. બિનમુસ્લિમ સમાજ મુસ્લિમ વસાહતીઓને સ્વીકારવા કે અપનાવી લેવા માટે આનાકાની કરે છે અને અમેરિકા જેવા ઉઘાડા દેશના દરવાજા પણ કેટલાક દેશોના રહેવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
આપણા દેશ પૂરતી વાત કરીએ તો પાકિસ્તાન ત્રાસવાદીઓને પોષણ આપે છે, કંઈ નહીં તો આશરો આપે છે તે હકીકત દુનિયાના ઘણા ખરા દેશોએ માન્ય રાખી છે. ભારતની પ્રચાર ઝુંબેશના કારણે અમે બદનામ થઈ રહ્યા છે તેવું પાકિસ્તાનના વિદેશપ્રધાને જાહેર રીતે કબૂલ કરી લીધું છે. પ્રચાર ઝુંબેશ ગમે તેટલી વ્યાપક હોય અને ગમે તેટલી ઉગ્ર હોય, પણ પ્રચારને પાયો ન હોય, સત્યનો આધાર ન હોય તો આવો પ્રચાર કદી ફળીભૂત થતો નથી અને લાંબો વખત ટકતો પણ નથી. બહુ પ્રખ્યાત વાક્યની પુનરુક્તિ કરીએ તો ભારત થોડા દેશોને કાયમ માટે છેતરી શકે અને બધા દેશોને થોડા વખત માટે અવળા રસ્તે ચડાવી શકે, પણ બધા દેશોને બધા સમય માટે છેતરી શકાય
નહીં અથવા અવળા રસ્તે દોરવી શકાય નહીં. અસત્ય ગમે તેટલું બળવાન હોય, પણ સત્યની નાજુક હથોડીના પ્રહારમાત્રથી નેસ્ત નાબૂદ થઈ જાય છે.
પાકિસ્તાનના નવા શાસકો પોતાના પૂર્વગામીઓની ભૂલની કબૂલાત કરે છે અને નવા પરિમાણની ખાતરી આપે છે, પણ ટનબંધી શબ્દો કરતાં એક તોલા જેટલું આચરણ વધારે ઉપયોગી થઈ પડે છે.
પાકિસ્તાન પોતાની રાજનીતિ બદલે તો ભારતના શાસકોએ પોતાનો પ્રતિભાવ પલટવો જ પડશે. ભારત-પાકિસ્તાનના શાસકો વચ્ચે લાંબા વખતથી ખડાજંગી ચાલે છે, પણ આ બંને દેશોની આમજનતા વચ્ચે હજી અત્યારે પણ નજાકત અને ભાઈચારાની ભાવના આછા પાતળા પ્રમાણમાં પણ ટકી રહી છે. ⬛
[email protected]

x
રદ કરો

કલમ

TOP