ઓફબીટ / દરેક જણ ધરતી પરનો સૂરજ છે...

Everyone is on the earth ...

અંકિત ત્રિવેદી

May 08, 2019, 04:38 PM IST

આપણે કાં તો હાર-જીતથી મુક્ત થવા મથીએ છીએ, કાં તો સુખ અને દુઃખથી પર થવા મથીએ છીએ. નહીં લખાયેલી આત્મકથાનાં પાનાં જેવું જીવીએ છીએ આપણે! આપણી પીડાઓ પ્રકીર્ણ છે. ધ્યેય સિદ્ધ કરવાની ખેવનામાં આપણે જીવનને જતું કરીએ છીએ. વિજ્ઞાને આપણી સંકુલતા વધારી આપી છે. વોટ્સઅેપ અને ઈ-મેઇલથી માઇલોનું અંતર ઓગળી ગયું છે. શારીરિક હાજરીનું મહત્ત્વ ઘટ્યું છે. પોતાની જોડે રહેવાનો સમય વધારે આપી શકાય એમ છે, પરંતુ બધું ઊલટું થઇ રહ્યું છે. નવરાશ વધી પણ હળવાશ ન મળી! પ્રત્યેક પળનો આપણે સામનો કરતા હોઈએ એમ જીવીએ છીએ! આપણે જીવનની સામે લડવા માટે જીવતા હોઈએ એવા છીએ! વાતનું વતેસર થાય એ પહેલાં પીડાનું વાવેતર કરી દઈએ છીએ આપણે!
આપણે આપણામાં બંધાઈ ગયા છીએ. નિશ્ચિત માણસો, સુનિશ્ચિત આયોજનો અને ધારેલાં વખાણમાં આપણે કુંઠિત થઇ ગયા છીએ. ખરેખર તો આપણે પ્રકૃતિના કાગળ ઉપર સંસ્કૃતિના શીર્ષક તળે લખાયેલી જીવતી કૃતિ છીએ. આપણે આપણું પ્રભુત્વ બતાવવામાં આપણાપણાનું સામર્થ્ય ભૂલી ગયા છીએ. જિંદગીને જીતવાની નથી, જિંદગીને જીવવાની છે. સામનો એનો કરવાનો હોય કે જે સામે પડ્યો હોય! જે સાથે હોય એની તો આંગળી પકડીને સાથે ચાલવાનો આનંદ લૂંટવાનો હોય! આપણે આપણામાં મસ્ત હોવા જોઈએ! જિંદગીને ‘કમ્ફર્ટ ઝોન’માં મૂકવાથી રોમાંચ અને પડકારનો હિસ્સો જ છિનવાઈ જશે! એ પછી કાટ ખાતી સાઈકલની જેમ ઘરના ખૂણામાં જગ્યા રોકી રાખશે! આપણે આપણને વફાદાર છીએ એમ જ આપણી જિંદગીને જવાબદાર હોવા જોઈએ! બધું જ સરખું ચાલતું હોય ત્યાંથી માણસોએ ખસી જવું જોઈએ! બધું જ બરાબર ચાલતું હોય ત્યાંથી માણસોએ પોતાની જાતને હળવેકથી બહાર કાઢી લેવી જોઈએ! સમુંદરનાં તોફાનો આપણી હોડીને લલચાવવાં જોઈએ! થોડાક મિત્રોના ખભા ઉપર હાથ મૂકીને જમીન વગરની જગ્યાને પસાર કરતા આવડવું જોઈએ! રસ્તો હોય જ નહીં એવા રસ્તા ઉપર ચાલીને રસ્તાને પોતે ‘રસ્તો’ છે એનું ભાન કરાવવું જોઈએ!
મને તો લાગે જ છે કે આપણે આપણી ઉપર ઉપકાર કરવાની જરૂર છે, આપણને માફ કરવાની જરૂર છે, બીજાની નિંદા અટકાવવા માટે પોતાનો દંભ છોડવાની જરૂર છે, આપણો કક્કો સાચો જ છે એવું માનવાની જગ્યાએ બીજાનાં પલાખાં અને બારાખડી ગણગણવાની જરૂર છે. બીજો ખોટો જ હશે તો સમય ક્યાં કોઈને છાવરે છે? વ્યક્તિ જાત ભણી વળે પછી મૌનમાં ઓગળે! બોલે ઓછું ને સાંભળે વધારે! આપણને મળીને કોઈકને આનંદ થવો જોઈએ! આપણને નછૂટકે ફોન કરવો પડે કે કમને મળવું જ પડે એના કરતાં ચાર મિત્રોની હાજરીમાં આપણી વાત નીકળે અને આપણી યાદ સાલે એટલો ઉપકાર આપણે ‘આપણી’ ઉપર કરવો જોઈએ.
આપણે ઉપેક્ષાને આવકારીએ છીએ, શંકાને શ્વસીયે છીએ, ઈર્ષાનો ઓડકાર ખાઈએ છીએ, દંભનાં કપડાં પહેરીએ છીએ, ઓળખાણનો નશો કરીએ છીએ, નિંદાનાં ચંપલ પહેરીએ છીએ! આમાં શરીર અને જીવન બંને માંદા જ રહે કે પછી બીજું કશું? આપણા રોગમાંથી મુક્ત થવા માટે પહેલાં તો આપણે જ આપણો ‘સ્વીકાર’ કરવો પડશે! આપણને જ ‘પ્રેમ’ કરવો પડશે! નહીંતર વાસનાના વનમાંથી રસ્તો જ નહીં મળે! યાદ રાખવાની વાતને ભૂલી જવી પડશે! હથેળીને ખોલીને બંધ મુઠ્ઠીઓની રમતને દૂર કરવી પડશે! આપણને જોઇને અરીસો નિરાશ થાય, એવું જીવવું ક્યાં સુધી પાલવે? થોડીક ગેરસમજ, થોડીક ચણભણ, થોડુંક વિસ્મય, થોડુંક અચરજ અને વધારે પડતી સરળતા અને હૃદયના પહોળા રસ્તાઓની વિશાળતા જીવવા માટે વધારે જરૂરી છે. આટલું જ આપણામાં ઉગાડીશું પછી પ્રેમનો અર્થ વ્યાપક બનશે, સંબંધો સમીકરણ નહીં લાગે, વિષય શોધ્યા વગર વાત કરવાની શરૂઆત થશે! મનને મનન તરફ જવાનો રસ્તો મળશે! વેદ-ઉપનિષદની સ્તુતિઓ અંદરથી આપણને ગણગણતી હોય એવું લાગશે! ચુપકીદીની સુગંધ સામેવાળી વ્યક્તિના શ્વાસમાં વેણીની જેમ ગૂંથાતી રહેશે!
જાતનો સ્વીકાર જગતના તિરસ્કારમાંથી બચાવે છે. જિંદગી આપણને તપાવે છે, પરંતુ જેની સમજ નથી એનું ‘ભાન’ પણ કરાવે છે. આપણે આપણા અવતાર છીએ, આપણે આપણી ચેતનાનો વિસ્તાર છીએ. આત્મગૌરવ અને આત્મવિશ્વાસ આપણા હાથની વાત છે. બીજાના સુધી પહોંચવા માટે પોતાના સુધી પહોંચવું બહુ જરૂરી છે. કસોટી તો કુદરતનો શોખ છે. એમાં પાર ઊતરવું આપણા હાથની વાત છે. સૂરજ બની શકીએ એ સારી જ વાત છે અને ન બની શકીએ ત્યારે આકાશ બનીને સૂરજના ઊગવાની રાહ જોવાની હોય છે. આકાશ બનવું સૂરજ બનવા કરતાં વધારે અઘરું અને અગત્યનું છે. ઉગાડવા માટે બનવું પડે છે અને બન્યા પછી ‘ઊગવું’ આપોઆપ સંભવે છે. ઈરાદાઓ સાફસુથરા અને મક્કમ હોય તો પ્યાદાંઓ પાછલા બારણેથી ભાગી જાય છે.
ઓન ધ બીટ્સ : ‘શહેરની ચકલીઓ ઝાડ-પાન છોડીને real estateમાં invest કરવા લાગી છે. મહિનાથી એક-એક સળી ભેગી કરીને બાંધે છે માળો. મજા આવે છે એનો progress જોવાની. એનો આખો માળો બંધાયો ત્યારે જાણે મારા flatના બધા EMI ચૂકવાઈ ગયા હોય એટલી હાશ થઇ.’ (થોડું લોજિક, થોડું મેજિક નાટકનો સંવાદ)- સ્નેહા દેસાઈ
[email protected]

X
Everyone is on the earth ...

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી