આપણી વાત / આ લોકોને ઉપરવાળાનો ડર નહિ સતાવતો હોય?

Do these people not be afraid of upwardness?

વર્ષા પાઠક

May 16, 2019, 05:32 PM IST

છેલ્લા એક જ મહિનામાં એવા ચારથી પાંચ સમાચાર સાંભળ્યાં કે વાંચ્યાં, જેમાં ધર્મના રખેવાળ ગણાતા, ધર્મનું શિક્ષણ આપતાં લોકોએ અત્યંત ઘૃણાસ્પદ કાર્ય કરેલા અને છેવટે કાનૂનના લાંબા હાથ એમના સુધી પહોંચી ગયાં હતાં. આ બધાં અત્યારે સળિયા પાછળ છે. એમના નામ અહીં નથી લખવા પરંતુ કમનસીબી એ છે કે એમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી, એ ત્રણેય કોમના લોકો છે. ભાવિકોએ એમનામાં મૂકેલા વિશ્વાસનો એમણે ભંગ કરેલો અને એમનો ભોગ બનનારામાં નિર્દોષ નાગરિકો છે, સ્ત્રીઓ અને નાનાં બાળકો સામેલ છે. ધર્મની આડશ લઈને આતંકવાદ, આર્થિક ભ્રષ્ટાચાર, બળાત્કાર, ધાકધમકી , હત્યા જેવા અપરાધ એમણે કર્યા છે. હવે પ્રશ્ન એ થાય કે સતત બીજાઓને ધર્મના પાઠ ભણાવતા રહેતા આ લોકોને ખુદને ભગવાનનો જરાય ભય નહિ લાગ્યો હોય?
ભારતની બહુમતિ પ્રજા માત્ર ધાર્મિક નથી, ધર્મભીરુ છે. ભય બિન પ્રીત નહિ, આ જાણીતી ઉક્તિમાં ભગવાન પ્રત્યેની પ્રીતિ પણ સામેલ છે. આપણો આ ભય રોજબરોજની બોલચાલમાં પણ ડોકાતો રહે છે. ‘અરે, ઉપરવાળાનો ડર તો રાખો...ખુદાકા ખૌફ કરો.....તને તો માતાજી પૂછે...આવું વારંવાર બોલાય છે. સામેવાળાને વિશ્વાસ અપાવવા માટે આપણે ભગવાનના સોગન ખાઈએ છીએ. કોઈપણ વ્યક્તિ ભગવાનના સોગન ખાધાં બાદ જૂઠું નહિ બોલે, એવું તો આપણી અદાલત પણ માને છે એટલે સાક્ષીઓને જુબાની આપતા પહેલા એમના ધર્મગ્રંથ પર હાથ મૂકીને સોગન ખવડાવાય છે. લોકશાહી તંત્રમાં સર્વોચ્ચ ગ્રંથ રાષ્ટ્રીય બંધારણ છે. પરંતુ પ્રધાનો ઓફિસ સંભાળતા પહેલા બંધારણને વફાદાર રહેવાના સોગન ખાય ત્યારે પણ ઈશ્વરને સાક્ષી રાખ્યાનું કહે છે. ટૂંકમાં ભગવાનનું નામ લીધા બાદ ખોટું બોલશુ કે ખરાબ કામ કરશું તો ખેર નથી, એવું આપણા દિમાગમાં નાનપણથી ઠસાવી દેવાયું છે. અને આ માન્યતાનું બીજ નાખવાથી માંડીને એને અત્યંત મજબૂત કરવાનું કામ ઘરના વડીલો પછી ધર્મગુરુઓ અને ધર્મનું શિક્ષણ આપતાં લોકો કરે છે. તો એમને પોતાને ખોટું કામ કરતી વખતે ભગવાનનો ભય નહિ લાગતો હોય? કે પછી એ લોકો પહેલેથી ભગવાનમાં માનતાં જ નહિ હોય? નાસ્તિકને ભગવાનના કોપનો ભય ન લાગે. અને આ હિસાબે તો ભારતમાં નાસ્તિકોની સંખ્યા ખૂબ મોટી ગણાવી જોઈએ.
અહીં પહેલેથી લોકોને ઉલ્લુ બનાવવા માટે સાધુવેશ ધરતા લોકોની વાત નથી. વાત અહીં એમની છે જે શરૂઆતમાં ખરેખર ધાર્મિક, ધર્મભીરુ હશે, પરંતુ ધીમેધીમે ઉપર પહોંચ્યા પછી એમનો ડર નીકળી જાય છે. અને પછી ડરની સાથેસાથે ભગ વાન પ્રત્યેની શ્રદ્ધા પણ નીકળી જતી હશે? ધર્મના નામે સમાજમાં બહુ ઉચ્ચ સ્થાને પહોંચનાર વ્યક્તિ નાસ્તિક થઇ જતી હશે? બાકી જેને ખરેખર ભગવાનનો ડર હોય એ ગરીબો પાસેથી પૈસા પડાવે? સ્ત્રીઓ અને બાળકોને ખુદની હવસના શિકાર બનાવે? પોતાની સામે પડનારને મારવાની કે મારી નખાવવાની હદે જાય? કે પછી એ ખુદને જ ભગવાનનો અંશ માનવા લાગતા હશે, જેને નિઃસંકોચ કંઈ પણ કરવાની સત્તા મળી ગઈ હોય?
જૂના જમાનામાં રાજાઓની બાબતમાં આવું થતું. શરૂઆત કયા શાણા માણસે કરી હશે, એ હું નથી જાણતી પરંતુ રાજા દૈવી વંશજ હોવાની કે રાજામાં દૈવી તત્ત્વ હોવાની માન્યતા દુનિયાભરની પ્રજાના મગજમાં ઠસાવી દેવાયેલી.એટલે પછી કોઈ રાજાનો વિરોધ કરે જ નહિ. સાચા ખોટાનો ન્યાય તોલવાની સત્તા રાજા પાસે હતી. કોઈના અપરાધ માફ કરી દેવાનો અધિકાર પણ રાજાને હતો. એ પોતે કંઈ પણ કરી શકે, કારણ કે એનામાં દૈવી અંશ હતો. રાજાઓની સાથેસાથે કે એમના પછી આ દૈવી અધિકાર ધર્મગુરુઓના હાથમાં આવ્યો. એ તો સામાન્ય વ્યક્તિ અને ભગવાન વચ્ચેની કડી બની ગયા. એમનો પ્રભાવ એટલો હતો અને છે કે ભલાભોળા ભાવિકો એક તબક્કે એમને જ ભગવાનનો અંશ માનવા લાગે છે. ઘરમાં ભગવાનની સાથે એમની છબી પણ રહેવા લાગે છે. અને અહીં જોવાનું એ કે એટલા ઉચ્ચ સ્થાને પહોંચી ગયેલી વ્યક્તિઓ પછી બીજા ક્ષેત્રમાં ઊંચા સ્થાને પહોંચેલા લોકો સાથે જ સંપર્કમાં રહેવાનું પસંદ કરવા લાગે છે.તમે જ કહો, આ મહાત્માઓને સહુથી પહેલા મળવાનું, એમની નિકટ રહેવાનું સૌભાગ્ય કોને પ્રાપ્ત થાય છે? હમણાં ચૂંટણી વખતે ઠેરઠેર આ જોયું હશે. બંને પક્ષ એકમેકનો ઉપયોગ કરે છે, એકમેકનો અહમ પોષે છે અને એકમેકના પાપ છાવરે છે. જેટલી પણ વાર કોઈ ધર્મ કે સંપ્રદાયમાં ઉચ્ચ સ્થાને વિરાજમાન વ્યક્તિ કાયદાની ચુંગાલમાં ફસાય એટલીવાર સાંભળ્યું જ છે કે એને બચાવવા માટે ઉપર બેઠેલી કોઈ પાવરફુલ વ્યક્તિએ પ્રયત્ન કર્યા. એ તારણહાર પછી રાજકીય નેતા હોય કે સંપ્રદાયના જ વધુ મોટા ગુરુ. જ્યાં ખ્રિસ્તી ધર્મનો મોટો પ્રભાવ છે ત્યાં વર્ષોથી ચર્ચના પાદરીઓ નાના બાળકોનું જાતીય શોષણ કરતા રહેલા. અને વિશે ફરિયાદ થઇ ત્યાં પણ વાત દબાવી દેવાનો આદેશ છેક ઉપરથી આવ્યો. ઊહાપોહ હદબહાર વધી ગયો ત્યારે દાયકાઓના ક્રિમિનલ કહેવાય એવા મૌન પછી ચર્ચે માફી માગી. બીજા ધાર્મિક સંપ્રદાયોમાં પણ એવું થાય છે. બદમાશોને છાવરવા માટે કારણ એવું અપાય છે કે એકાદ બે ખરાબ માણસોને કારણે પછી આખો ધર્મ, સંપ્રદાય બદનામ થઇ જાય. આ વળી કેવું, ડર ભગવાનનો હોવો જોઈએ કે બૅડ પબ્લિસિટીનો? નિર્દોષના ભોગે કોઈનું પાપ છાવરવું એ પણ મોટું પાપ ન કહેવાય? ત્યાં ઉપરવાળાનો ખૌફ નહિ સતાવતો હોય? જોકે હકીકતમાં એવો ભય રાખવાનું કોઈ કારણ જ નથી. ધર્મભીરુઓ બહુ ભોળા હોય છે. એક બાબા, ફકીર કે ફાધરથી છેતરાયા તો બીજા પાસે જશે, સંપ્રદાય નહિ છોડે. એમને ઉપર બેઠેલા ભગવાનનો જ નહિ, પૃથ્વી પર ભગવાન જેટલો પ્રભાવ ધરાવનારનો પણ ભય લાગે છે.⬛[email protected]

X
Do these people not be afraid of upwardness?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી