ચાલો સિનેમા / ‘દૂસરા આદમી’ના દિગ્દર્શક તલવાર

Director of 'Dosara Aadi', Talwar

ભાવના સોમૈયા

May 03, 2019, 06:02 PM IST

આટલા વર્ષોના ફિલ્મ રાઈટિંગના મારા અનુભવ બાદ હું લોકોને ત્રણ ભાગમાં વર્ગીકૃત કરું છું. પહેલા એ લોકો કે જેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્સેસફુલની છાપ ધરાવે છે. બીજા વર્ગમાં એ લોકો આવે છે કે જેઓએ ટૂંકાગાળા માટે સફળતાનો સ્વાદ ચાખ્યો અને પછી લાઈમલાઈટમાંથી અદૃશ્ય થઈ ગયા. ત્રીજા વર્ગમાં આવતા લોકો એ છે કે જેઓ ચારેબાજુ છવાઈ જવા જેવા સફળ ન થયા પરંતુ અલગ કરવાની ધગશ તેમનામાં રહી અને પોતાનો એક અલગ માર્ગ કંડાર્યો.
મારા મતે ફિલ્મસર્જક રમેશ તલવાર આ ત્રીજા વર્ગમાં આવે છે. તેઓએ ‘દૂસરા આદમી’ અને ‘બસેરા’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. તાજેતરમાં જ મારે પૃથ્વી થિએટર જવાનું બન્યું ત્યાં તેઓ મળી ગયા. પછી શોબિઝનેસની વાતો ચાલી. કોલેજકાળથી જ રમેશ તલવાર નાટકો સાથે સંકળાયા.
એક દિવસ નાટક ચાલતું હતું તે જોવા જાણીતા ફિલ્મસર્જક બી આર ચોપરા આવેલા. ચોપરા તેમના કામથી પ્રભાવિત થયા અને પોતાના બેનર સાથે જોડાવાની ઓફર મૂકી. એ ઓફર સ્વીકારી લેતા બીઆર ફિલ્મ્સની ફિલ્મ ‘ઈત્તેફાક’ના શૂટિંગ વખતે પાંચમાં આસિસ્ટન્ટ તરીકે રમેશ તલવાર જોડાયા. ફિલ્મમાં નંદા અને રાજેશ ખન્ના અભિનય કરી રહ્યા હતા. જો કે તે વખતે રૂમમાં બેઠેલા કલાકારોને શૂટિંગ માટે બોલાવી લાવવા અને નંદાના સેન્ડલ ઉપાડવા જેવા ક્ષુલ્લક કામોથી વિશેષ તેમના ફાળે આવ્યું નહીં. જે રીતે શૂટિંગ સમયે વાતાવરણ હતું તેમાં રહેવા મળે છે તે વાતે તલવાર રાજી હતા. બી આર ચોપરા જેવા ધુરંધરને નજીકથી કામ કરતા જોવાનો લહાવો પણ મળ્યો. ત્યારબાદ એકાદ વર્ષ ગયું અને ફિલ્મ ‘દાગ’ના શૂટિંગ વખતે બીઆર ચોપરાના નાના ભાઈ યશ ચોપરાને આસિસ્ટ કરવાની તક રમેશ તલવારને મળી. આ વખતે તલવાર ત્રીજા આસિસ્ટન્ટ હતા.
ફિલ્મના શૂટિંગ વખતે રાજેશ ખન્નાના ધ્યાનમાં તલવાર આવી ગયા. પછી ‘દાગ’ના ફર્સ્ટ અને સેકન્ડ આસિસ્ટન્ટ વચ્ચે ઝઘડો થયો અને એટલો ભયંકર ઝઘડો હતો કે બંનેને છોડી જવાનું કહી દેવામાં આવ્યુંું. પરિણામે રમેશ તલવારને ફર્સ્ટ એડી તરીકે પ્રમોટ કરવામાં આવે છે. તે દરમિયાન તલવાર યશ ચોપરાના સૌથી વિશ્વાસુ સહાયક બની ગયા. પરીણામે પછી ‘જોશીલા’ અને ‘દીવાર’ વખતે પણ તેમને લેવામાં આવ્યા. તલવારે તેમના રાઈટર અંકલની મુલાકાત યશ ચોપરા સાથે કરાવી. જેઓ પછી યશ ચોપરા માટે ‘કભી કભી’ લખે છે અને ફિલ્મઈન્ડસ્ટ્રીમાં તેઓ સાગર સરહદીના નામે ઓળખાવા લાગે છે.
‘કભી કભી’ના મુહૂર્ત વખતે રિશિ કપૂર મૂડમાં ને મૂડમાં યશ ચોપરાને કહે છે કે જો તેઓ પોતાના બેનર હેઠળ રમેશ તલવારને દિગ્દર્શક તરીકે લોન્ચ કરશે તો પોતે ફ્રીમાં કામ કરશે. યશ ચોપરા આ તક ઝડપી લે છે અનેે ‘દૂસરા આદમી’ ફિલ્મનું દિગ્દર્શન તલવારને સોંપે છે. જેમાં રાખી, રિશિ કપૂર અને નીતુસિંહ અભિનય કરે છે. ફિલ્મ બનીને જ્યારે તૈયાર થઈ ગઈ ત્યારે સૌપ્રથમ યશ ચોપરાને બતાવવામાં આવી. ફિલ્મ જોયા બાદ યશ ચોપરા રમેશ તલવારના કામથી ખુશ થઈને તેમને ડિનર માટે લઈ જાય છે અને કામની પ્રશંસા કરે છે. માત્ર યશ ચોપરાનું એક સૂચન હોય છે કે, તલવાર ફિલ્મમાંથી છેલ્લો સીન ડિલિટ કરી દે, કે જેમાં રાખી અરીસામાં જોઈને અંદરથી તૂટી જાય છે. ચોપરાને લાગે છે કે તે હતાશાજનક અંત છે, જે દર્શકોને ગમશે નહીં. પરંતુ તલવારને તેમાં કશું વાંધાજનક લાગતું નથી એટલે તેઓ ‘ના’ કહે છે. ‘દૂસરા આદમી’ નિષ્ફળ નીવડે છે અને રમેશ તલવાર અને યશરાજ ફિલ્મ્સ ક્યારેય પછી સાથે કામ કરતા નથી. વર્ષો વીત્યા બાદ જ્યારે તલવાર એક દિવસ ‘દૂસરા આદમી’ વિડિયો પર આ ફિલ્મ જુએ છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે ફિલ્મ નિષ્ફળ કેમ ગઈ! મેન્ટર યશ ચોપરાનું સૂચન ન માનીને ભૂલ કરી હોવાનું લાગે છે પરંતુ ત્યાંસુધીમાં બહુ મોડુ થઈ ગયું હોય છે. તલવાર બીજી ફિલ્મ બનાવવાનું વિચારે છે અને ત્યારે મગજમાં એક વાત નક્કી છે કે કોઈપણ ભોગે બોક્સઓફિસ પર ફિલ્મ ચાલવી જ જોઈએ. તેઓ કેટલાય લેખકોને મળે છે પરંતુ તેમને કંઈ રસ પડે તેવી વાર્તા મળતી નથી. તેવામાં એકદિવસ લીલા ભાસ્કરનું નાટક જુએ છે અને તેમના મગજમાં એક વાર્તા સ્ફૂરે છે. એ વાર્તા પરથી પછી ‘બસેરા’ નામની ફિલ્મ બનાવે છે. જે તે સમયે સુપરહીટ નીવડે છે.
એ સફળતા મળ્યા બાદ રમેશ તલવારના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને પછી કેટલીયે ફિલ્મો કરે છે. જેમાં ‘સવાલ’, ‘દુનિયા’, ‘ઝમાના’, ‘તેરા નામ મેરા નામ’નું દિગ્દર્શન કરે છે પરંતુ તેમાંથી એકેયને સફળતા મળતી નથી.
સફળતા ભલે તેમનાથી દૂર હતી પરંતુ સંબંધો તેમને ફળ્યા હતા. અને એટલે જ તેમના મિત્ર થઈ ગયેલા રિશિ કપૂર ‘સાહિબાં’ ફિલ્મમાં કામ કરવા તૈયાર થાય છે. એ 1993માં રીલીઝ થયેલી એ ફિલ્મને માધુરી દિક્ષિતનો જાદુ પણ નિષ્ફળ જતા બચાવી શક્યો નહીં. પછી રમેશ તલવાર ફિલ્મ દિગ્દર્શન કરવાનું માંડી વાળે છે. હવે તેઓ જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં એટલે કે નાટક તરફ પાછા ફરે છે. જ્યાં તેઓ છેલ્લા કેટલાય દશકથી આજસુધી સક્રિય છે. તેઓ ઘણા સફળ નાટકો આપી ચૂક્યાં છે. જેમાંથી સૌથી યાદગાર નાટક હોય તો ઈપ્ટા નિર્મિત ‘કૈફી ઔર મૈં’ છે. જે શૌકત કૈફીના પતિ શાયર કૈફી આઝમી સાથે સંકળાયેલા સંસ્મરણો પર આધારીત છે. આ નાટકમાં શબાના આઝમી અને જાવેદ અખ્તરે કામ કર્યું અને તેનું મંચન ભારતની બહારના દેશોમાં પણ થયું છે.
[email protected]

X
Director of 'Dosara Aadi', Talwar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી