Back કથા સરિતા
ગુણવંત શાહ

ગુણવંત શાહ

ચિંતન, સાંપ્રત (પ્રકરણ - 39)
‘પદ્મશ્રી’ગુણવંત શાહ લેખક, ચિંતક, વક્તા છે. ‘વિચારોના વૃંદાવન’થી તેમણે ફિલસૂફીથી પુરાણો સુધી અધિકૃતતાથી કલમ ચલાવી છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પણ આખરે તો માણસ છે ને!

  • પ્રકાશન તારીખ20 May 2019
  •  

લોકો અફવાભૂખ્યા અને નિંદાતરસ્યા હોય છે. આજકાલ લોકોને એક મોટું આશ્વાસન પ્રાપ્ત થઇ ગયું છે. ભારતના સર્વોચ્ચ ન્યાયમૂર્તિ સામે એક સ્ત્રીએ માનહાનિનો આક્ષેપ મૂક્યો છે. એમને કોર્ટની એક સમિતિએ નિર્દોષ જાહેર કર્યા ત્યારે કોર્ટની બહાર દેખાવો થયા. સત્યની જાણ કોઇને નથી, પરંતુ અટકળની જાણ સૌને છે. મારું જજમેન્ટ એક જ વાક્યમાં સમાઇ જાય છે: ચીફ જસ્ટિસ પણ આખરે માણસ છે. માણસ કદી પૂર્ણપુરુષોત્તમ નથી હોતો. માણસ હોવાની સૌથી મજબૂત સાબિતીને લોકો ‘ભૂલ’ કહે છે. હવે હિંમત હોય તો આગળ વાંચો.
સદીઓ પહેલાં કોઇ દોઢડાહ્યા માણસે એક શ્લોકની રચના કરી હતી. એ શ્લોકમાં પુરુષ જાતિ સ્ત્રી પાસે કઇ છ અપેક્ષાઓ રાખે તેનું લીલુંછમ તોરણ તૈયાર કર્યું હતું. એ શ્લોક સાંભળો:
કાર્યેષુ મંત્રી, કરણેષુ દાસી
ભોજ્યેષુ માતા, શયનેષુ રંભા!
ધર્મે’નુકૂલા ક્ષમયા ધરિત્રી.
ભાર્યા ચ ષાડ્ગુણ્યવતી દુર્લભા||
પુરુષ ઝંખે છે:
પત્ની કાર્ય કરવામાં મંત્રી જેવી,
ઉપકરણ તરીકે દાસી જેવી,
ભોજન કરાવતી વખતે માતા જેવી,
શયન વખતે (રૂપવતી) રંભા જેવી,
ધર્મની બાબતે અનુકૂળ થનારી,
અને ધરતી જેવી ક્ષમાવાન હોય.
આવા છ સદ્્ગુણો ધરાવનારી
પત્ની દુર્લભ ગણાય.
આ છ અપેક્ષાઓ ગમે તેટલી એકપક્ષી હોય તોય એટલું ચોક્કસ કે લગભગ બધા જ પુરુષોની ખાનગી ઝંખના આવી પત્ની પ્રાપ્ત થાય તેવી હોય છે. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓનું ઢીંગલીકરણ થતું જ રહ્યું છે. આજે પણ એ ચાલુ છે.
પૂછવા જેવો પ્રશ્ન છે: સ્ત્રીઓ કેવા પતિની ઝંખના સેવે છે? સદીઓથી પુરુષોએ સ્ત્રીઓને જે અન્યાય કર્યો છે તેના પ્રાયશ્ચિત્ત તરીકે મેં એક શ્લોક સ્ત્રીઓ તરફથી રચ્યો છે: પતિ કેવો હોય તો સ્ત્રીને ગમે? સાંભળો:
કાર્યેષુ વીર: ત્વરિતશ્ચ વિક્રમે,
સુખેષુ મિત્રમ્ દુખેષુ રક્ષક:|
ધર્મે પ્રવીણ: રસિકો રતેષુ,
ષાડ્ગુણ્યવાન દુર્લભ એવ ભર્તા||
સ્ત્રી ઇચ્છે છે:
પતિ કાર્ય કરવામાં વીર હોય,
પરાક્રમ કરવામાં ત્વરાવાળો હોય,
સુખના સમયમાં મિત્ર હોય,
દુ:ખના સમયમાં રક્ષક હોય,
ધર્મની બાબતે પ્રવીણ હોય,
અને રતિક્રિયામાં રસિક હોય.
આવા છ સદ્્ગુણો ધરાવતો
પતિ દુર્લભ ગણાય.
આવી છ અપેક્ષાઓ વધુ પડતી જણાય, તોય એમાં સ્ત્રીની ઝંખનાનું પ્રતિબિંબ અવશ્ય ઝિલાય છે. બંને પક્ષની ઝંખના સહજપણે અન્યોન્યપૂરક જણાય છે. લગ્ન થાય પછી અનુકૂળ થવાની જવાબદારી પુત્રવધૂ પર જ આવી પડે છે. સમાજ કેટલો અસભ્ય કે જંગલી છે, તે જાણવાની એક પારાશીશી કઇ? જવાબ થોડોક વિચિત્ર છે.
જે સમાજમાં મરજી વગરનાં લગ્નોની સંખ્યા વધારે તે સમાજ અસભ્ય ગણાય. આપણને ગમે કે ન ગમે, પરંતુ આપણે સૌ એક વિરાટ અસભ્ય સમાજના નાગરિકો છીએ. એવા જ સમાજના એક આદરણીય સભ્યને લોકો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ કહે છે. થોડીક કરુણાપૂર્વક એમની સામેના આક્ષેપને મૂલવવાની ટેવ કેળવવી રહી. કાયદો કાયદાનું કામ ભલે કરે, પરંતુ યાદ રાખવું રહ્યું કે ઓસ્કર વાઇલ્ડ જેવા મહાન વિચારકને 1895થી 1897 એમ બે વર્ષની સખત કેદની સજા થયેલી. એણે કહેલું: ‘મારે સ્વર્ગમાં નથી જવું, કારણ કે મારો એક પણ મિત્ર ત્યાં નથી.’ એણે કુલ 12 યુવકો સાથે સજાતીય સંબંધ માણેલો.
પ્રત્યેક પ્રેમી યુગલ પૃથ્વી પર યુદ્ધની શક્યતા ઘટાડે છે. સાત્ત્વિક કામચર્યા ધરાવનારા 99 ટકા લોકોના તંદુરસ્ત અને મનદુરસ્ત સમાજમાં જે પ્રેમધર્મ સહજપણે વિકાસ પામે, એ જ તો માનવતાની આવતી કાલ છે. પ્લેટો કહી ગયો: ‘Love is the pursuit of the whole.’ પ્રેમ એટલે અખિલાઇની આરાધના. આવો સમાજ આપોઆપ ‘સેક્યુલર’ સમાજ હોવાનો.
મધ્ય આફ્રિકામાં આદિવાસીઓની એક વસાહત છે. ત્યાં બે ઝૂંપડીઓ વચ્ચેનું અંતર કિલોમીટર કે માઇલમાં નથી મપાતું. ગમતો માણસ દૂર રહેતો હોય, તોય પાસે રહેનારો ગણાય. જે માણસ ગમતો ન હોય તે નજીક રહેતો હોય તોય દૂર રહેનારો ગણાય. આમ એ આદિવાસીઓ પરસ્પર પ્રેમસંબંધના આધારે ભૌતિક અંતરને માપે છે. આ વાતનું આશ્ચર્ય થયું? મુંબઇમાં એક જ બહુમાળી મકાનમાં રહેનારા બે માણસો વચ્ચે કોઇ સંબંધ નથી હોતો ત્યારે અંતર વધારે હોય છે, પરંતુ પ્રિયજનને મળવા જતી વખતે ચર્ચગેટથી બોરીવલી ‘દૂર’ નથી ગણાતું! અરે! બેડરૂમમાં એક જ પલંગ પર સૂતેલાં પતિ-પત્ની વચ્ચે ક્યારેક માઇલોના માઇલનું છેટું નથી હોતું?
હનીમૂન પછી ઘણું ખરું એક દુર્ઘટના બનતી રહી છે. સંબંધ વાસી બનતો જાય છે અને તકરાર તાજી બનતી જાય છે. લગ્ન થઈ જાય પછી પણ સંલગ્ન થવાનું અતિ દૂર રહી જાય છે. લુહારની ધમણ પણ હવા અંદર લઇને હવા બહાર કાઢે છે, પરંતુ એ ક્રિયાને કોઇ ધમણના ‘શ્વાસોચ્છ્વાસ’ નથી કહેતું. શ્વાસોચ્છ્વાસ માટે જીવનનું હોવું જરૂરી છે. કેટલાંય પરિણીત યુગલોનું લગ્નજીવન લગભગ ધમણ જેવું બની રહે છે. ધમણ પાસે પ્રાણવાયુ હોય, તોય પ્રાણ નથી હોતો. ⬛
}}}
પાઘડીનો વળ છેડે
એક નવાબ પોતાને ત્યાં મજૂર કરતી સ્ત્રી પ્રત્યે આકર્ષાયો. નવાબના હુકમને કારણે એ સ્ત્રી મહેલમાં પહોંચી ગઇ. વાત એમ બની કે એ મહેલમાં પ્રવેશી તે જ દિવસથી ગંભીર માંદગીમાં સપડાઇ ગઇ. તબિયત લથડતી ગઇ. પાગલ બની ગયેલા નવાબે જાહેર કર્યું કે જે કોઇ એ સ્ત્રીને સાજી કરશે તેને અડધું રાજ્ય ભેટમાં મળશે. એક હકીમે શરત સ્વીકારી લીધી. એણે નવાબને કહ્યું: ‘મારી પાસે આ અસાધ્ય રોગનો ઇલાજ છે. જો હું નિષ્ફળ જાઉં તો તમારે મારું માથું ઉડાડી દેવું.’ નવાબે ઘાંટો પાડીને કહ્યું: ‘તું ઇલાજ બતાવ.’ હકીમે નવાબને કહ્યું: ‘એ સ્ત્રી મહેલના એક નોકરના પ્રેમમાં છે. તમે એને નોકર સાથે પરણાવી દો તો એ અવશ્ય બચી જશે. બિચારો નવાબ! એણે એ સ્ત્રીને મરવા દીધી! સમાજ આવા નવાબોથી ભરેલો છે.’
Blog:http://gunvantshah.wordpress.com

x
રદ કરો

કલમ

TOP