Back કથા સરિતા
નગીનદાસ સંઘવી

નગીનદાસ સંઘવી

રાજકીય વિશ્લેષણ (પ્રકરણ - 75)
લેખક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત ‘તડ ને ફડ’ કોલમથી તેઓ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસવા માટે જાણીતા છે.
પ્રકરણ-52

વેપારી અને પ્રવાસી મહાજાતિ ગુજરાતી

  • પ્રકાશન તારીખ01 May 2019
  •  

ભારતીય સંઘરાજ્યના રાજકીય એકમ તરીકે ગુજરાત રાજ્યના અસ્તિત્વને છ દાયકા માંડ વીત્યા છે, પણ ગુજરાતનો ભૂતકાલીન ઇતિહાસ ભારતનાં તમામ રાજ્યો કરતાં વધારે જૂનો છે અને વધારે ભાતીગળ છે. ભારતનો ઇતિહાસ વેદકાળથી શરૂ થાય છે, પણ કચ્છનું ધોળાવીરા અને સૌરાષ્ટ્રનું લોથલ બંદર પુરવાર કરે છે તેમ ગુજરાત આનાથી વધારે પ્રાચીન સિંધુ સંસ્કૃતિ સાથે જોડાયેલું હતું અને આ રીતે ગુજરાતનાં મૂળ આજના પાકિસ્તાનમાં પડેલાં છે. અતિશય લાંબો દરિયાકિનારો અને નાનાં વહાણોને ફાવે તેવા નદીઓનાં મૂળના કારણે ગુજરાતીઓ શરૂઆતથી જ દરિયાખેડુઓ બન્યા. ઉત્તર અને દક્ષિણ ભારતને અલગ પાડી નાખનાર વિંધ્યાચળ પર્વતની પાર જવાના બે સરળ રસ્તા- એક ગુજરાત અને બીજો ઉડિશા. તેથી એશિયા ખંડમાંથી અનેક જાતિઓ, પ્રજાતિઓ મકરાણ ઘાટથી કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આવીને ઠરીઠામ થઈ, તેથી ગુજરાતી સમાજ ભારતમાં સૌથી વધારે વર્ણસંકર અને રખડુ સમાજ છે. (આ બંને વિશેષણો માનવાચક છે.) પરદેશો જોડેનો દરિયાઈ વેપાર ગુજરાતની આગવી લાક્ષણિકતા છે. આરબ વેપારીઓની ભૂગોળ ખંભાત-ભરુચથી પરિચિત છે અને ખંભાતની મસ્જિદ ભારતમાં સૌથી જૂની મસ્જિદ ગણાય છે. સોમનાથની નાશ પામેલી મસ્જિદના ટ્રસ્ટ ડીડનો દસ્તાવેજ સચવાયો છે. ‘લંકાની લાડી અને ઘોઘાનો વર’ અથવા ‘જાવે જે કો નર ગયો’ જેવી ગુજરાતી ઉક્તિઓ દર્શાવે છે કે ગુજરાતીઓ સિંહલદ્વીપ (લંકા) અને જાવાથી પરિચિત છે. ચૌદમી-પંદરમી સદી સુધી જાવા-સુમાત્રાના બંદરી અધિકારીઓમાં ચાર ભાષા- મલય, અરબી, પોર્ટુગીઝ અને ગુજરાતીના જાણકારોની ભરતી થતી. આરબોએ ઝાંઝીબાર પર આક્રમણ કરવાનું ઠરાવ્યું તેની ખરચી કચ્છી વેપારીએ પૂરી પાડી અને ઝાંઝીબારમાં લવિંગની મોનોપોલી મેળવી. તે જમાનાના અરબી સિક્કાઓ પર ગુજરાતી લિપિના અક્ષરો હોવાનું કહેવાય છે. કેપ ઓફ ગુડ હોપના તોફાનથી પરેશાન વાસ્કો દ ગામાને કેરળના કાલિકટ બંદરે પહોંચાડનાર ભારતીય ખલાસીઓનાં બે નામ અપાય છે. તેમાં એક નામ ગુજરાતીનું છે.
રખડવા-રઝળવાની આ આદત ગુજરાતીઓએ છોડી નથી. ચારસો-પાંચસો વર્ષ અગાઉ ગુજરાત છોડીને તમિલનાડુમાં વસવાટ કરનાર લોકોના વંશજો આજે સુરતિયન કહેવાય છે. મોગલ જનાનખાનાની બાનુઓ હજ કરવા માટે સુરતથી જતી અને સુરત મક્કાનો દરવાજો- અલવાબ ઉલ મક્કા છે. ચોરાશી બંદરોના વાવટા ફરકાવનાર સુરતમાં યુરોપિયન વ્યાપારીઓએ ધામા નાખ્યા અને પોર્ટુગીઝોએ દીવ બંદરને પોતાનું દરિયાઈ થાણું બનાવ્યું. સુલતાન મહમ્મદ બીઘરા (બેગડા)એ દીવમાં તોપો ગોઠવેલી અને તુર્કી તોપચીઓને વસાવેલા, તેથી દીવ એક જમાનામાં બંદર ઉસતુર્કના નામે ઓળખાતું હતું.
યુરોપીય વેપારીઓ શાસકોએ આફ્રિકામાં પગ મૂક્યો તે પહેલાં ગુજરાતીઓ આફ્રિકા ખંડથી પરિચિત છે. ગુજરાતીઓ હિન્દુસ્તાનમાં ચોમેર પથરાયા છે અને ઇંગ્લેન્ડ-અમેરિકાના ગુજરાતીઓની કથા તો જાણીતી છે. આ દેશોના આર્થિક અને રાજકીય જગતમાં ગુજરાતીઓનો ડંકો વાગે છે. ઇંગ્લેન્ડની આમ સભામાં ચૂંટાઈ આવેલા દાદાભાઈ નવરોઝી ગુજરાતી હતા અને ઉમરાવ સભામાં લોર્ડ તરીકે નિમાયેલા ગુજરાતીઓ સુપ્રસિદ્ધ છે. ઇંગ્લેન્ડના પ્રધાનમંડળમાં જોડાયેલા લોર્ડ ડોલરભાઈ પોપટનું નામ ખાસ આપવું પડે.
વર્ષોથી, પેઢીઓથી પરદેશ વસવાટ કરનાર ગુજરાતીઓ વતનને ભૂલ્યા નથી અને ગુજરાતમાં આફતના ઓળા ઊતરે ત્યારે છુટ્ટે હાથે તેમણે મદદ કરી છે. ઘરઆંગણાની વાત કરીએ તો કથા થોડી કરુણ છે. ઉત્તર-દખ્ખણ આવજાવ કરવાનો મારગ ગુજરાતમાં હોવાથી મુસ્લિમ રાજવીઓએ ગુજરાતમાં પગ જમાવ્યો અને ગુજરાતી શબ્દકોશમાં અડધા ઉપરાંતના શબ્દો અરબી ફારસી ભાષામાંથી આવ્યા છે. મુસ્લિમ કાયદાના પારંગત એક ગુજરાતી કાઝી (તેમનું નામ હું ભૂલી ગયો છું) કૈરોમાં કાઝી-ઉલ-કઝાતનાે માનવંતાે હોદ્દો ધરાવતા હતા, પણ મુઘલ વંશની પડતી અને મરાઠા સામ્રાજ્યના ઉદયનો સંઘર્ષકાળ ગુજરાત માટે કમનસીબ નીવડ્યો અને આ યુદ્ધોના કારણે ગુજરાતમાં અનેક ટચૂકડાં રજવાડાં સ્થપાયાં. આઝાદી મળી ત્યારે ભારતમાં 565 રજવાડાંઓ હતાં. તેમાં ત્રણસો કરતાં વધારે રજવાડાંઓ એકલા ગુજરાતમાં હતાં. અઢારમી ઓગણીસમી સદીમાં ગુજરાત આર્થિક રીતે પાયમાલ અને રાજકીય રીતે અનેક ટુકડાઓમાં વિભક્ત હતું.
ભારતની આર્થિક રાજધાની મુંબઈની વિકાસકથા ગુજરાતીઓ, પારસીઓ, ભાટિયાઓ, લોહાણાઓથી શરૂ થાય છે. ગુજરાતીઓનો પગ ઊખેડી નાખવાના તનતોડ પ્રયાસો છતાં મુંબઈ શહેરના આર્થિક જીવનમાં ગુજરાતીઓનો પ્રભાવ આજ સુધી અકબંધ જળવાઈ રહ્યો છે.
વીસમી સદીના ભારતીય રાજકારણના ત્રણ જોધારમલ્લો- બેરિસ્ટર મહમ્મદ અલી જિન્નાહ, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભાઈ પટેલ ગુજરાતના છે. પાકિસ્તાનની સ્થાપના થઈ ત્યારે મેમણ કોમના વેપારીઓ કરાંચીમાં વસ્યા અને વર્ષો સુધી ગુજરાતી ભાષાનાં સામયિકો પાકિસ્તાનમાં છપાતાં, પ્રસિદ્ધ થતાં હતાં. આપણા વિખ્યાત સાહિત્યકાર શ્રી ચંદ્રકાંત બક્ષીને પાકિસ્તાની સાહિત્યકારો જોડે ઘરોબો હતો. ગુજરાતના એક જમાનાના મુખ્યમંત્રી આજે વડાપ્રધાન તરીકે આખા દેશમાં છવાયા છે અને તમામ વડાપ્રધાન કરતાં ઘણા વધારે પ્રમાણમાં ગવાયા પણ છે. ગુજરાતની કેટલીક નબળાઈઓનો પણ ઉલ્લેખ થવો જોઈએ. આર્થિક સમૃદ્ધિ પાછળ દોટ મૂકનાર ગુજરાત શ્રીમંત હોવા છતાં સાંસ્કૃતિક ધોરણે નિંદાપાત્ર હતું. મહાભારતે વ્રાત્ય પ્રદેશોની યાદી બનાવી છે તેમાં આનર્ત(ગુજરાત)નો સમાવેશ થાય છે. આવા વ્રાત્ય પ્રદેશમાં વેદપાઠી પવિત્ર બ્રાહ્મણ-ક્ષત્રિયો જાય નહીં અને કોઈ કારણસર જવું પડે તો પાછા ફર્યા પછી પ્રાયશ્ચિત્ત કરવું પડે. શિક્ષણની બાબતમાં ગુજરાત પરાપૂર્વથી આજની ઘડી સુધી પછાત રહ્યું છે. ગુજરાતીઓની ઉચ્ચારશુદ્ધિ અંગે ગુજર્રાણાં મુખં ભ્રષ્ટં તેવું કહેવાય છે અને આજે પણ ગુજરાતની યુનિવર્સિટીઓની અધૂરપ અમદાવાદની IIMએ છાવરવી પડે છે. આજનો જમાનો જ્ઞાનયુગ કહેવાયો છે અને ગુજરાતે વિશ્વવ્યાપી હરીફાઈમાં ટકી રહેવા માટે પોતાના શૈક્ષણિક અને બૌદ્ધિક સ્તરમાં તળિયાઝાટક સુધારણા કરવી જ પડશે. ⬛
[email protected]

x
રદ કરો

કલમ

TOP