Back કથા સરિતા
રાજ ભાસ્કર

રાજ ભાસ્કર

(પ્રકરણ - 39)
લેખક યુવા પત્રકાર અને વાર્તાકાર છે.

લોહીના સંબંધની લમણાઝીંક

  • પ્રકાશન તારીખ20 May 2019
  •  

‘કહું છું સાંભળો છો, આ તમારો લક્ષ્મણ તો રાવણ કરતાંય ગયો!’
‘શું થયું? સમજાય એવું બોલ!’
‘ઓલા ભરતીયાએ દીકરો પૈણાયો! અને તમે પડ્યા રહ્યા!’ સગા દિયર માટે ઉષાએ તોછડો શબ્દ વાપર્યો એ ઉદયને ખટક્યું, પણ એ શબ્દ પાછળ રહેલું વાક્ય એને વધારે કઠ્યું. એ ઉષા સામે તાકી રહ્યો. માહિતીનો ધોધ હજુ ચાલુ જ હતો, ‘મૂઆએ આખા ગામને નોતર્યું. એનું ભૂંડુ કરનારા દુશ્મનોય એના ટાણામાં સાગમટે હાજર હતા, પણ એને સગો મા જણ્યો ભાઈ યાદ ન આવ્યો.’ થોડો શ્વાસ લઈ ઉષા પાછું બબડી, ‘લો, લઈ લો લાડવો. હું કહેતી’તી એ અને એની બાયડી બેય સ્વાર્થી છે, પણ ગરીબનું કહ્યું ભિખારી ન માને. તમારા એ લાડકા નાના ભાઈએ લગ્ન જેવા લગ્નમાંય તમને ન બોલાવ્યા.’ ઉષા મેણાંનો મુશળધાર વરસાવીને અંદર ચાલી ગઈ. ઉદય કાંઈ જ ન બોલી શક્યો! ક્યાંથી બોલે? પત્નીની વાત સાચી હતી. દીકરાની જેમ ઉછેરેલા ભાઈએ જાણે છાતી પર ડામ દીધો હતો.
દસ વર્ષ થયાં એ વાતને. ઉદયને ભૂતકાળ સાંભરી ગયો. ઉદયની પત્ની ઉષા અને ભરતની પત્ની ભારતીને એકબીજા સાથે જરાય નહોતું બનતું. છતાંય દસ-બાર વર્ષ જેમતેમ કરીને કાઢી નાંખ્યા. છેલ્લે છૂટાં પડ્યાં ત્યારે તો ઘરમાં જોરદાર ઝઘડો થયેલો. ઉદય સાંજે ઘરે આવ્યો અને પત્નીએ પોક મૂકેલી, ‘આ વંતરી… મને અપશબ્દો કે’ છે એ તો મેં ચલાવી લીધું, પણ આજે તો એ તમને મનફાવે એમ બોલી. બુઢ્ઢો ગધેડો... ઘણું તો બોલતાંય શરમ આવે છે.’ નાના ભાઈની વહુ જેઠને આવું બોલે તે કેમ ચાલે? ઉદયે ભરતને ઠપકો આપ્યો, પણ ભરતે કહ્યું, ‘મોટા ભાઈ, મને વિશ્વાસ છે કે ભારતી એવું બોલે જ નહીં.’
ઉદય અને ભરત તો સમજુ હતા, પણ બંને બૈરાંઓ હવે એક પળ પણ સાથે રહેવા તૈયાર નહોતાં. ભરતે બીજા દિવસે ભારે હૃદયે ઘર છોડ્યું. ઉદયને હતું જુદા રહીશું તો પ્રેમ વધશે. અઠવાડિયામાં જ ભરત અને ભારતી પાછાં આવશે અને ઝઘડો ખતમ.... પણ ઉદયનો અંદાજ ખોટો પડ્યો. દસ દિવસના બદલે દસ વર્ષ વીતી ગયાં, ભરતે ક્યારેય સામેથી સંપર્ક ન કર્યો. ભાઈનું મોઢું નહીં જોવાના જાણે કસમ ખાધી હોય. છતાંય... છતાંય... ઉદયને ઊંડે ઊંડે હતું કે એક દિવસ એ જરૂર આવશે, પણ આજે ઉષાએ આપેલા સમાચારે ઉદયનું હૃદય ભાંગી નાંખ્યું. એણે બે-ત્રણ જગાએ ફોન કરી તપાસ પણ કરી. વાત સાચી હતી. બસ એ જ દિવસે ઉદયે ભરતના નામનું નાહી નાખ્યું.
⬛ ⬛ ⬛
‘ઉષા, નાહીં લીધું કે નહીં ?’ લગભગ છ મહિના પછીના એક રવિવારે ઉદયે પત્નીને બૂમ મારતાં પૂછ્યું, ‘જલદી કર, મોડું થશે!’
‘હા, બસ હું નહાવા જ જાઉં છું. તમે એક કામ કરો, આ ચાવી લ્યો.’ પત્નીએ ઉદય સામે ચાવીનો જૂડો ફેંક્યો, ‘મારી બેગમાંથી પેલી બ્લેક સાડી કાઢી રાખો!’
ઉદયે કંટાળા સાથે પત્નીના હુકમનું પાલન કર્યું. ઉષાની બેગ ખોલી અને જેવી સાડી કાઢવા ગયો ત્યાં જ એક પત્ર એમાંથી સરી પડ્યો. ઉદય આશ્ચર્ય સાથે પત્ર વાંચવા માંડ્યો. એ પત્ર ભરતનો હતો, લખતો હતો: ‘પૂજ્ય મોટાભાઈ,
કુશળ હશો. કદાચ આ મારો છેલ્લો પત્ર છે. હવે પછી હું ક્યારેય આપને પત્ર નહીં લખું. આપણે છૂટા થયા ત્યારે ભાભીએ મને મારા એકના એક દીકરાના સમ આપીને કહ્યું હતું કે હું તમારા આંગણે કદી પગ ન મૂકું. એટલે પછી મેં પત્રનો સહારો લીધો. આ દસ વર્ષમાં તમને હજારો પત્રો લખ્યા હશે, પણ તમે એકેય પત્રનો જવાબ ન આપ્યો. છેલ્લે મારા દીકરાનાં લગ્ન વખતે પણ મેં બધું ભૂલી જઈને તમને અને ભાભીને આશીર્વાદ આપવા હાજર રહેવાની વિનંતી કરતો પત્ર અને કંકોતરી મોકલ્યાં હતાં, પણ તમે ન જ આવ્યા.’
ઉદય આગળ ન વાંચી શક્યો. એણે બેગમાં નજર કરી. પત્રોનું એક મોટું બંડલ એમાં પડ્યું હતું. હવે એણે એ પત્રો વાંચવાની જરૂર નહોતી.
ઉષાને રાડો પાડતી મૂકીને ઉદય સીધો ભરતના ઘરે પહોંચી ગયો. એના પગમાં પડી માફી માગવા ગયો હતો, પણ લોહીનો સંબંધ એમ પગમાં થોડી પડવા દે! ભરતે એને ગળે લગાડી દીધો.
rcbhaskar@gmail.com

x
રદ કરો

કલમ

TOP