Back કથા સરિતા
હેમલ વૈષ્ણવ

હેમલ વૈષ્ણવ

માઈક્રોફિક્શન (પ્રકરણ - 29)
લેખક ચપટીમાં વંચાઈ જાય અને વિચારતાં કરી મૂકે તેવી માઈક્રો-વાર્તાઓ સર્જવા માટે જાણીતા છે.

મોટો ભાઈ

  • પ્રકાશન તારીખ09 May 2019
  •  

‘સાલી રાં...’ નાનકડી ટીનાને ધવરાવતી કાશીના પડખામાં લાત મારીને લખુભાએ કાશીના પોલકામાંથી વીસ રૂપિયાની નોટ ખેંચી નાખી. દારૂડિયા બાપને ઝૂંપડીની બહાર જતાં રોકે એ પહેલાં ભીખુના કોમળ ગાલ પર એક સણસણતો તમાચો પડી ગયો હતો.
‘બેટા, રડવાનું નહીં, જો તું ટીનાડીનો મોટો ભાઈ છે ને?’ અને પોતાને મળેલા પ્રમોશનના ભાનથી ભીખુ ડૂમો ગળીને ઝૂંપડીની બહાર જતો રહ્યો.
બળબળતા તાપમાં એ સામેના આઇસક્રીમ પાર્લર સામે જોઈ રહ્યો. આઇસક્રીમ તો ક્યારેય એ ચાખવા પામ્યો ન હતો. આઇસક્રીમ કોન લઈને જતાં યુવક અને યુવતીને એ ભૂખી નજરે જોતો રહ્યો. યુવાને યુવતીને અડપલું કર્યું અને યુવતીના કોનમાંથી આઇસક્રીમનો લબકો સરકીને ફૂટપાથ પર પીગળવા લાગ્યો. લાગલો જ ભીખુ દોડ્યો. થોડો હું ચાટી લઉં અને બાકીનો ખોબામાં ભરીને ટીનાડીને...’ મોટા ભાઈની ફરજ એને યાદ આવી, પણ એ પહેલાં તો કૂતરીની લપકારા મારતી જીભ આઇસક્રીમને સફાચટ કરી ચૂકી હતી. ભૂખ્યા તરસ્યા ભીખુએ ગુસ્સામાં નાનો પથરો કૂતરી તરફ ફેંક્યો, જે નિશાન ચૂકીને થોડે દૂર જ યુવક સાથે પ્રેમાલાપમાં મગ્ન યુવતીના પગે વાગ્યો અને યુવકની ક્રુદ્ધ નજર ભીખુ તરફ ફરી.
‘સાલા હરામખોર...’ એને થોડા જ વખતમાં પડેલો આ બીજો તમાચો હતો. ફરી એક વાર આંખમાં ઝળઝળિયાં વચ્ચે એને માના શબ્દો યાદ આવ્યા. હવે એ મોટો ભાઈ હતો. રડવાનું ન હતું. ડૂમો ગળી જતાં ભીખુની આંખો ચમકી. ઝાપટ મારતી વખતે યુવકના હાથમાંથી છટકેલો કોન ફૂટપાથ પર પડ્યો હતો. આ વખતે તો આઇસક્રીમ પહેલાં કરતાં પણ વધારે હતો, પણ આ વખતે પણ ભીખુના દોરડી જેવા બે પગ કૂતરીના ચાર પગ અને લપકતી જીભ પાસે હારી ગયા.
અચાનક ભીખુને ખ્યાલ આવ્યો કે મોટો ભાઈ બનીને પણ એ ટીનાડીને આઇસક્રીમ ચટાડી નહોતો શક્યો અને બે-બે ઝાપટ ખાવા છતાં રડ્યો ન હતો એ ‘મોટો ભાઈ’ નાનો ભીખુ બનીને દારુણ આક્રંદ કરી ઊઠ્યો.
henkcv12@gmail.com

x
રદ કરો

કલમ

TOP