Back કથા સરિતા
રાજ ભાસ્કર

રાજ ભાસ્કર

(પ્રકરણ - 50)
લેખક યુવા પત્રકાર અને વાર્તાકાર છે.

મોતનો મોભો કોણ જાળવે?

  • પ્રકાશન તારીખ09 Dec 2019
  •  
રે જિંદગી- રાજ ભાસ્કર
જ્યારથી ધીરજનો ફોન આવ્યો હતો ત્યારથી મારું મન ખીંટીએ ટીંગાઈ ગયું હતું. ઉદાસીના દોરડાએ તન અને મન બંનેને કસીને બાંધી દીધાં હતાં. હું અમદાવાદથી ત્રણસો કિલોમીટર દૂર બેઠો હતો, પણ દિલ અમદાવાદની એક સોસાયટીમાં ચાલી રહેલા શોકનું સહભાગી થઈને બેઠું હતું. મારી નજર સામેનું વાતાવરણ આનંદ અને ઉલ્લાસથી ફાટફાટ થતું હતું. સાળીનાં લગ્ન હતાં. ગરબાની રમઝટ જામી હતી, પણ મારા મનમાં લાગણી અને વસવસાનું તુમુલ યુદ્ધ જામ્યું હતું. બધાં ‘જીજાજી’, ‘જીજાજી’ કરીને ગાવા માટે હાથ ખેંચી રહ્યા હતા, પણ મારું મન નાચવાને બદલે નીતરી રહ્યું હતું, અદ્દલ અષાઢની પહેલી હેલી જેવું એકધારું!
હજુ હમણાં જ, એટલે કે રાતના પોણા એક વાગ્યે મારા મોબાઈલની રિંગ વાગી હતી. રિંગ બધાએ સાંભળી હતી, પણ મને ખબર હતી કે એ રિંગ નહોતી મરણપોક હતી. ધીરજનો ફોન હતો અને આખરે મને ડર હતો એ જ થયું.
હું લગ્નમાં સામેલ થવા માટે અમરેલી તરફ ઉપડ્યો ત્યારથી જ મારું મન ખિન્ન હતું. મારા ખાસ મિત્ર મયંકના પપ્પા હોસ્પિટલમાં દાખલ હતા. બ્રેઈનનું ઓપરેશન કર્યું હતું. ત્રણ દિવસ થયા હતા. પરિસ્થિતિ ઠીક હતી. ડોક્ટરોનું કહેવું હતું કે, ‘વાંધો આવે એમ નથી.’ પણ હું વિચારતો હતો કે વાંધો આવી જાય તો એક છોકરાના માથેથી બાપ નામના ઘેઘૂર વડલાનો છાંયો હટી જશે.
અને એવું જ થયું, ધીરજે ફોન પર સમાચાર આપ્યા, ‘રસિક, અંકલ ઈઝ નો મોર.’ મારા પગ તળેથી જમીન સરકી ગઈ. મારી સામે ગવાઈ રહેલા ગરબા મરશિયામાં પલટાઈ ગયા. મારી નજર સામે મિત્ર મયંક તરવરી ઊઠ્યો. શું હાલત થઈ હશે એની? આટલી નાની ઉંમરમાં બાપની લાશને કાંધે ઊંચકવી એ કરતાં હિમાલય ઊંચકવો ઓછો વજનદાર સાબિત થાય. મેં ખૂણામાં જઈને રડી લીધું. આપણા અંગત દુઃખ કાજે બીજાના ઉમંગમાં શું કામ ખલેલ પહોંચાડવી?
મારું મન દોડીને મિત્ર પાસે પહોંચી જવા અને એને દુઃખમાં ટેકો દેવા માટે આકુળવ્યાકુળ થઈ ઊઠ્યું, પણ સામાજિક બંધોનીની બેડીને તોડવી દુષ્કર હતું.
હજુ તો બીજો દિવસ આખો હતો અને એ સાંજે હું લગ્ન પતાવી નીકળું તોપણ છેક સવારે પહોંચું. ત્યાં સુધી મયંકની હાલત કેવી થશે? એના પપ્પાના મૃત્યુ વખતે એનો લંગોટિયો મિત્ર જ હાજર ન હોય તો એને દિલાસો કોણ આપશે? અને આમેય અહીં એનો મારા સિવાય કોઈ મિત્ર પણ નહોતો... એ અમેરિકા ગયો પછી ફક્ત અમારા વચ્ચે જ મિત્રતા જળવાઈ રહી હતી. અમે બે વર્ષે અચાનક એના પપ્પાની બીમારીના કારણે મળ્યા અને એમાં આ લગ્નનું તૂત...
જેમ તેમ કરી લગ્ન પતાવ્યાં અને એ જ સાંજે હું ગાડીમાં બેસી ગયો. ઝટ ત્યાં પહોંચું અને ઝટ મયંકને વળગીને રડી પડું. એક જ આલિંગને એનાં બધાંય દુઃખોને મારામાં સમાવી લઉં. આ બે દિવસ દરમિયાન મેં એક દાણો પણ મોઢામાં નહોતો મૂક્યો. કેમ કરીને મૂકું, મારો ભાઈ જેવો ભાઈબંધ ભૂખ્યો, તરસ્યો જિંદગીનો સૌથી વજનદાર બોજ ઉઠાવીને બેઠો હોય અને હું કોળિયો મોંમાં મૂકું તો રામ રાજી ન રહે.
આખીયે વાટ હું એ જ વિચારતો રહ્યો કે મયંકને કઈ રીતે સંભાળવો. એ તો મને જોઈને ખાબકી જ પડવાનો. એને કઈ રીતે છાનો રાખવો? કઈ રીતે આશ્વાસન આપવું? એ આખી રાત હું મારા પ્યારા અંકલને આંખ વાટે ખારા પાણીની શ્રદ્ધાંજલિ આપતો રહ્યો અને મયંકને આશ્વાસન આપવા અને મોતનો મોભો જાળવવા મનને મજબૂત કરતો રહ્યો.
અમદાવાદ આવી મયંકના ઘરે પહોંચતાં પહોંચતાં બપોરના સાડાબાર થઈ ગયા. મેં મયંકના બંગલાના ઝાંપામાં પગ મૂક્યો એ સાથે જ મયંકને ભેટી પડવા મારી બાજુઓને મજબૂત કરી લીધી. હું ધડકતા હૃદયે અંદર ચાલ્યો. ઓરડાની બહાર ઘરનું કોઈ દેખાયું નહીં. એક કામવાળી ઊભી હતી. મેં ભીના અવાજે પૂછ્યું, ‘મયંક?’ અને બાઈના મુખમાંથી જીભનો સોરડો વીંઝાયો, ‘સાહેબ, જમવા બેઠા છે.’ મને ચક્કર આવવા લાગ્યાં ત્યાં જ દાંત ખોતરતો–ખોતરતો મયંક આવ્યો. અમે બેઠાં. હું ધારતો હતો એવું કશું જ ન થયું. ન મયંકે પોક મૂકી કે ન તો એના ચહેરા પર વિષાદ દેખાયો. થોડીવાર પછી મયંકે કહ્યું, ‘સારું થયું તું આવ્યો. સગાંવહાલાંથી કંટાળ્યો છું. ચાલ ગલ્લે જઈએ.’ એ મારો હાથ ખેંચી બહાર લઈ ગયો. ગલ્લે જઈ એણે મઘમઘતું પાન ગલોફામાં ભરાવ્યું અને જોરથી એક પિચકારી મારી. મને લાગ્યું એ પિચકારી સાથે જાણે બાપના મોતનો મોભો પણ થૂંકાઈ ગયો છે.
[email protected]
x
રદ કરો

કલમ

TOP