જાણવું જરૂરી છે- ડૉ. પારસ શાહ / મારે ઇન્દ્રિયનો બધા કરતાં જુદો પ્રોબ્લેમ છે

articleby dr.paras shah

Divyabhaskar.com

Jul 31, 2019, 05:21 PM IST

જાણવું જરૂરી છે- ડૉ. પારસ શાહ
સમસ્યા: મારી ઉંમર 45 વર્ષની છે. પચીસ વર્ષની ઉંમરે લગ્ન થયાં ત્યારથી ઉત્તેજિત અવસ્થામાં ધાતુ નીકળતી રહે છે. 10 વર્ષ પહેલાં આયુર્વેદિક ઇલાજ કરાવેલો. તેનાથી કોઇ ફાયદો થયો નથી. જાતીય જીવનમાં કોઇ તકલીફ નથી. હાલ સેક્સની ક્રિયા એકદમ મંદ પડી ગયેલી હોવાથી દેશી વાયગ્રા લેવી પડે છે. મને નાની ઉંમરથી હસ્તમૈથુનની આદત હતી. યોગ્ય ઇલાજ જણાવશો.
ઉકેલ: આપ જેને ધાતુ કહો છો તે કોઇ સોનું, ચાંદી કે પિત્તળ નથી, પરંતુ કોપર ગ્લેન્ડનો સ્ત્રાવ છે. ભગવાને આપણા શરીરમાં નેચરલ લ્યુબ્રિકેશન બનાવેલું છે. જ્યારે પણ પુરુષ કે સ્ત્રીને જાતીય ઇચ્છા થાય ત્યારે પુરુષમાં ચાર-છ ચીકાશનાં ટીપાં બહાર આવે છે અને સ્ત્રીના યોનિમાર્ગમાં ભીનાશ અનુભવાય છે, જેથી પ્રવેશ વખતે બંનેને દુખાય નહીં અને આનંદ પ્રાપ્ત થાય. આ એક નોર્મલ વસ્તુ છે, બીમારી નથી, તેથી ઇલાજની કોઇ જ જરૂર નથી. આપ જે દેશી વાયગ્રા લો છો તેનાથી 163 લોકોનાં મોત થઇ ચૂકેલાં છે. 48 લોકોએ આંખો કાયમ માટે ગુમાવેલી છે અને તે શુક્રાણુની મોર્ફોલોજી ઉપર પણ અસર કરે છે. (જેથી ભવિષ્યમાં બાળક થવામાં તકલીફ થઇ શકે) માટે આ દવા બને ત્યાં સુધી ન લેવી જોઇએ.
સમસ્યા. મને ઇન્દ્રિયની લંબાઇનો પ્રોબ્લેમ છે, પરંતુ મારે બધા કરતા જુદો પ્રોબ્લેમ છે. મારી ઇન્દ્રિયની લંબાઇ વધારે છે. મને કોઇ એવો ઉપાય બતાવો જેથી ઇન્દ્રિયની લંબાઇ ઓછી થઇ શકે. આના માટે કોઇ દવા અથવા ઓપરેશન શક્ય છે? મારી ઉંમર 32 વર્ષની છે.
ઉકેલ : સ્ત્રીનો યોનિમાર્ગ ઇલાસ્ટિક રબર જેવાે છે, જેથી લંબાઇ અને જાડાઇ વધારે કે ઓછી હોવાથી આનંદમાં કોઇ જ ફેર પડતો નથી. બધા જ પ્રકારની ઇન્દ્રિયનો આરામથી પ્રવેશ થઇ શકે છે. લંબાઇ ઓછી હોય તો વધી શકે જરૂર, પરંતુ કમનસીબે વધુ લંબાઇ ઓપરેશન કે દવા દ્વારા ટૂંકી થઇ શકતી નથી. જો આપના સાથીને તકલીફ પડતી હોય તો ફોરપ્લેમાં સમય વધારી શકો છો અથવા કોઇ પણ ક્રીમ કે તેલનો પ્રયોગ પ્રવેશ પહેલાં કરવાથી તેમને તકલીફ નહીં થાય.
સમસ્યા: અમારી એક સમસ્યા છે. અમને બાળક નથી રહેતું. અમે જ્યારે પણ સંબંધ બાંધીએ છીએ, તો એકથી બે કલાકની અંદર વીર્ય યોનિમાર્ગમાંથી બહાર આવી જાય છે. શું આ કારણે જ અમને ગર્ભ રહેતો નહીં હોય?
ઉકેલ: જ્યારે પણ તમે સંબંધ રાખો છો અને તે વખતે એમાંથી જે વીર્યસ્ત્રાવ થાય છે, એમાં માત્ર એક ટકા જ વીર્ય હોય છે. બાકીનો 99% સ્રાવ આજુબાજુની ગ્રંથિનો હોય છે. 70 ટકા સેમાઇનલ ગ્રંથિનો અને 30 ટકા પ્રોસ્ટેટ કરીને એક ગ્રંથિ હોય છે એનો સ્રાવ હોય છે. હવે જે એક ટકો વીર્ય હોય છે એની અંદર લાખો ને કરોડો શુક્રાણુ હોય છે. જે નરી આંખે આપણને દેખાતા નથી હોતા. આ શુક્રાણુઓ સ્ત્રીના યોનિમાર્ગની દીવાલ ઉપર ચોંટી જતા હોય છે અને ધીરે-ધીરે ગતિ કરતા ઉપર ગર્ભાશય સુધી પહોંચતા હોય છે. જ્યારે આ શુક્રાણુ ગર્ભાશય સુધી પહોંચે અને એ વખતે ત્યાં સ્ત્રીબીજ અને પુરુષના શુક્રાણુનું મિલન થાય તો બાળક રહેતું હોય છે. તમે જે સ્રાવ જોઈ રહ્યા છો એ વીર્ય નથી, પરંતુ તે આજુબાજુની ગ્રંથિનો સ્રાવ હોય છે. તમે સ્ત્રી ઉપર હોય અને પુરુષ નીચે હોય એ આસન કરો કે એનાથી વિપરીત આસન કરો, તો પણ એ બહાર આવી જતું હોય છે. એ નોર્મલ વસ્તુ છે. એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. બાળક નથી રહેતું તો એના માટે તમે એક વીર્યનો રિપોર્ટ કરાવી લો. એના માટે ઓછામાં ઓછું ત્રણ દિવસ અને વધારે વધારે પાંચ દિવસ સુધી સંબંધ બાંધવો જોઈએ નહીં અને કોઈ પણ સારી લેબોરેટરીમાં જઈને રિપોર્ટ કરાવી શકો છો. જો આપનો રિપોર્ટ નોર્મલ હોય, કોઈ તકલીફ ન હોય તો તમારી પત્નીની સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ. એ લોહીના રિપોર્ટ કરાવવાનું કહેશે. જરૂર લાગે તો સોનોગ્રાફી કરાવશે ને એના પછી પણ જરૂર લાગે તો ડાયગ્નોસ્ટિક લેપ્રોસ્કોપીની સલાહ આપી શકે છે. બધા જ રિપોર્ટ થઈ જાય પછી જ નક્કી કરી શકાય કે બાળક કેમ નથી રહેતું અને આગળની સારવાર શું કરવી જોઈએ, પરંતુ એક વસ્તુ બહુ નિશ્ચિત છે, આજે વિજ્ઞાને ખૂબ જ પ્રગતિ કરી છે. એટલે દરેક યુગલની માતા-પિતા બનવાની સંભાવના વધી ગઈ છે.
સમસ્યા: મારે અમુક પ્રશ્નો છે, જેનો ઉત્તર આપવા વિનંતી.
1. શું સમાગમ 40 વર્ષની ઉંમર દરમ્યાન રોજ રાતે કરીએ તો શારીરિક નબળાઇ આવી શકે? કોઇ વાંધો ખરો?
2. પાંચમ/આઠમ/ચૌદશ/અમાસ વગેરે દિવસે સમાગમ કે જાતીય રમત કરવાથી ખૂબ પાપ લાગે છે. શું એ વાત સત્ય છે?
3 માસિકના દિવસોમાં ભલે સમાગમ ન થાય, પણ સાથે સૂવાથી પણ પાપ લાગે અને પુરુષોને કોઇ શારીરિક-માનસિક ખામી સર્જાય. આ વાત કેટલી વાજબી છે?
4. મારી ઉંમર 41 વર્ષની છે. મારે એક અઠવાડિયામાં કેટલીવાર સમાગમ કરવો જોઇએ? હું પ્રેશરની ગોળી નિયમિત લઉં છું.
ઉકેલ: જાતીય જીવન જિંદગીના છેલ્લા દિવસ સુધી જ્યારે પણ આપ પતિ-પત્નીની ઇચ્છા હોય ત્યારે માણી શકો છો. દિવસમાં બે વાર જાતીય જીવન માણવાથી પણ કોઇ જ શારીરિક નબળાઇ આવતી નથી, પરંતુ સેક્સ રૂટિન-બીબાંઢાળ ન હોવું જોઇએ. જો સેક્સ કલાત્મક હોય તો જ તેમાં લાંબાગાળા સુધી આનંદ ટકી રહે છે. બાકી પાપ-પુણ્ય વિશે મને ખબર ન પડે. આ વિષય ધર્મગુરુઓનો છે, પરંતુ એક વાત ચોક્કસ છે. માસિક સમયગાળામાં પત્નીને સ્પર્શ કરવાથી, સાથે સૂવાથી કોઇ પણ પુરુષમાં શારીરિક કે માનસિક ખામી સર્જાતી નથી. ભલેને આપને બ્લડપ્રેશર અથવા હૃદયની બીમારી હોય, આપ ચોક્કસ જાતીય જીવન માણી શકો છો, પરંતુ જો બ્લડપ્રેશર માટે બિટાબ્લોકરની દવા લેતા હોવ તો ડોક્ટરની સલાહ પ્રમાણે આ દવા બદલાવી લેજો, કારણ કે આ દવાથી નપુંસકતા આવી શકે છે.
સમસ્યા: હું સુરતનો વતની છું. મારી ઉંમર 22 વર્ષ છે. મારા શિશ્નની અગ્ર ત્વચા પાછળ જતી નથી. તમે એક વખત લેખમાં જણાવેલું કે આના માટે સુન્નતનું ઓપરેશન કરાવવું પડે. આ ઓપરેશન માટે કેટલા દિવસ હોસ્પિટલમાં રહેવું પડે અને તેનો ખર્ચ શું થાય તે જણાવવા વિનંતી. મારા લગ્ન ચાર મહિના પછી થવાના છે. તો મારે આ ઓપરેશન પછી શું સંભાળ રાખવાની જરૂર છે તે પણ જણાવશો.
ઉકેલ: સુન્નતનું ઓપરેશન બે પ્રકારે થાય છે. એક સંપૂર્ણ સુન્નત કે જેમાં ધાર્મિક કારણસર આગળની અગ્ર ત્વચા જન્મ પછી થોડાક દિવસોમાં દૂર કરવામાં આવે છે. ઘણીવાર અગ્ર ભાગ અને નીચેના ભાગને જોડતી ચામડી જેને મેડિકલ ભાષામાં ફેનમ કહેવામાં આવે છે, તે અમુક વ્યક્તિઓમાં ટૂંકી હોય છે. આવી વ્યક્તિઓમાં આ ચામડી પ્રથમવારના સમાગમ વખતે તૂટી જવાની સંભાવના રહે છે. જો માત્ર આ ચામડી દૂર કરવામાં આવે તો તેને સુન્નતનું ઓપરેશન કહેવામાં આવે છે. ડોક્ટરી તપાસ બાદ જ નક્કી કરી શકાય કે આપના માટે કયું ઓપરેશન કરી શકાય. આ ઓપરેશનમાં દસ મિનિટ જેટલો સમય લાગે છે અને ચાર કલાકમાં તમે ઘરે જઇ શકો છો. સરકારી હોસ્પિટલમાં આ ઓપરેશન મફત થાય છે. આ ઓપરેશન બાદ આશરે દોઢ મહિના સુધી જાતીય જીવનથી દૂર રહેવું જોઇએ. બાકી બીજી કોઇપણ તકેદારીની જરૂર રહેતી નથી.
સમસ્યા: શિશ્નના આગળના ભાગ પાસે વાળ ઊગેલા છે. જે મોટા થાય તો કાતરથી કાપું છું, પરંતુ શું મારી પદ્ધતિ યોગ્ય છે? જો ન હોય તો તે અંગે સાચી અને યોગ્ય સલાહ આપવા વિનંતી.
ઉકેલ: સ્ત્રી અને પુરુષ બંનેએ પ્રાઇવેટ વાળ ચોખ્ખાઇ માટે થોડા સમયે કાપવા જરૂરી છે. પોતાની પસંદ પ્રમાણે કાતર, રેઝર અથવા વેક્સિનથી પણ દૂર કરી શકાય છે. માત્ર ડાયાબિટીસના દર્દીઓએ રેઝરનો ઉપયોગ કરતી વખતે વાગે નહીં તેની સંભાળ રાખવી જોઇએ. આપની પદ્ધતિ યોગ્ય છે.
[email protected]

X
articleby dr.paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી