Back કથા સરિતા
વીનેશ અંતાણી

વીનેશ અંતાણી

જીવન, ચિંતન (પ્રકરણ - 39)
લેખ, વાર્તા અને નવલકથા પર કલમ ચલાવનારા વીનેશ અંતાણીએ દેશી-વિદેશી કૃતિઓના રસાળ અનુવાદો પણ આપ્યા છે.

લાગણીઓ અણધાર્યા મહેમાન જેવી છે

  • પ્રકાશન તારીખ02 Dec 2019
  •  
ડૂબકી- વીનેશ અંતાણી
આજના સમયમાં સકારાત્મકતા પર વધારે ભાર મૂકવામાં આવે છે. જીવનમાં સકારાત્મકતા સારી વાત છે, પરંતુ દર વખતે, કોઈ પણ પરિસ્થિતિમાં, સકારાત્મક જ રહી શકાય ખરું? આ પ્રશ્ન પોતાની જાતના કે અન્ય વ્યક્તિના સંદર્ભમાં જાગે તે સ્વાભાવિક છે. લિસા જોન્સ નામની અમેરિકાની સાયકોથેરાપિસ્ટ પાસે સારવાર લેવા આવતા લોકોએ તે પ્રશ્ન વારંવાર એને પૂછ્યો છે. લિસા એના ક્લાયન્ટ્સને પોઝિટિવ માઇન્ડ સેટની તાલીમ આપે છે, છતાં એનો જવાબ સ્પષ્ટ છે કે ના, આપણે દરેક વખતે સકારાત્મક રહી શકીએ નહીં. આપણો માનસિક અભિગમ સકારાત્મક હોય છતાં નકારાત્મક લાગણીઓ ટાળી શકાતી નથી. લિસાના મતે નકારાત્મક લાગણી જન્મે તે માનવસહજ છે, પરંતુ એનાથી દોરવાઈને નકારાત્મક વર્તણૂક આચરીએ તો તે ખોટું છે.
તેરમી સદીના મહાન સૂફી સંત-કવિ રુમીએ આપણા મનમાં જાગતી કોઈ પણ લાગણીને ‘અણધાર્યા મહેમાન’ સાથે સરખાવી છે. એમણે કહ્યું હતું કે આપણે ઓચિંતા આવી ચઢેલા મહેમાનનું સ્વાગત કરીએ છીએ તેમ મનમાં જાગતી કોઈ પણ પ્રકારની લાગણીને આવકારવી જોઈએ – પછી તે આનંદ, પ્રેમ, ઉત્તેજના, આશા વગેરે જેવી સકારાત્મક લાગણી હોય કે દુ:ખ, નિરાશા, અસંતોષ, ઇર્ષ્યા જેવી નકારાત્મક લાગણી હોય. બધા જ પ્રકારની લાગણી માટે મનના દરવાજા ખુલ્લા રાખવા, જેથી તે મહેમાનની જેમ આવે, થોડો સમય રોકાય અને પછી વિદાય લે.
ક્યારેક નકારાત્મક લાગણીઓ છુપાવતા લોકોનાં વાણી અને વર્તનમાં અપ્રામાણિકતા આવી જાય છે. કોઈ કારણે દુ:ખ થયું હોય, છતાં આપણે તેને દબાવી રાખવાથી ભીતરની લાગણી અને બાહ્ય આચાર વચ્ચે અંતર આવી જાય છે. વેદના થઈ હોય તો તે વ્યક્ત થવા દેવી જોઈએ, ખોટું લાગ્યું હોય તો કહેવું જોઈએ, હતાશ થયા હોઈએ તો મોઢું છુપાવવું જોઈએ નહીં. સકારણ ગુસ્સો આવ્યો હોય તો પ્રગટ કરવો જોઈએ. સંસ્કૃત શ્લોકની પંક્તિ છે: ‘ચોક્કસ કારણસર જન્મેલો ગુસ્સો તે પાછળનું કારણ અંત પામે પછી આપોઆપ ઓસરી જાય છે.’ એનાથી વિરુદ્ધ બધું અંદર સંઘરી રાખીએ તો એમાંથી બહાર નીકળાતું નથી. અંદર ભરાયેલું વહેવા દઈએ નહીં તો એ ભેગું થાય છે, સડવા માંડે છે અને ક્યારેક બમણા જોરથી એનો વિસ્ફોટ થવાની શક્યતા રહે છે.
સકારાત્મક અભિગમ ધરાવતી વ્યક્તિ માની લે છે કે એનાથી અમુક રીતે વર્તી જ શકાય નહીં. અભ્યાસીઓ કહે છે તેમ એવું દબાણ ક્યારેક વ્યક્તિને એકલી બનાવે છે. એ પોતાની પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કોઈનું માર્ગદર્શન કે સાથ મેળવતા ખચકાય છે. અવ્યક્ત રાખેલી નકારાત્મક લાગણી આપણી અંદર લોહીની જેમ ગંઠાઈ જાય છે. નકારાત્મક લાગણીઓને વહીને બહાર નીકળવાનો માર્ગ ખુલ્લો રાખવો જોઈએ. આચાર્ય રજનીશજીએ કહ્યું હતું કે અણગમતી લાગણીઓ પણ સકારાત્મક લાગણીઓની જેમ જીવનનો એક ભાગ છે, બંને વચ્ચે સમતુલા જાળવવી જોઈએ.
ઘણા લોકો કૃત્રિમ સકારાત્મકતાનું મહોરું પહેરી રાખે છે. તેઓ ધારી લે છે કે એમણે ચોવીસે કલાક પ્રસન્ન જ રહેવું જોઈએ, જીવનમાં નકારાત્મક લાગણીને સ્થાન જ નથી. એમના વલણ પ્રમાણે એમનું જીવન અદ્્ભુત છે, એમને કશું પણ અકળાવી શકે નહીં. સોશિયલ મીડિયામાં પોતાને સુખી, આનંદિત અને ચિંતારહિત દર્શાવતા કેટલા લોકો વાસ્તવમાં એવું જીવન જીવતા હશે તે તપાસનો વિષય છે. કોઈનું જીવન સંપૂર્ણ હોઈ શકે નહીં. એમાં ચઢાવ-ઉતાર આવે તો એ કુદરતનો નિયમ અને ક્રમ છે. જૂની રંગભૂમિના પેલા ગીતની પંક્તિ આ સંદર્ભમાં યાદ કરવા જેવી છે: ‘એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી.’ એ ગીતમાં માનવજીવનની વાસ્તવિકતા છે. હા, વિષમ સમયને પાર કરવા માટે સકારાત્મક અભિગમ ઉપયોગી નીવડે છે, પણ ‘મારા જીવનમાં બધું જ બરાબર છે, મને કશી તકલીફ નથી, દુ:ખ, નિરાશા, પરાજય મને સ્પર્શતાં જ નથી’ એવું જાતને અને અન્ય લોકોને ઠસાવવાના પ્રયત્નમાં સ્વાભાવિકતા હોતી નથી.
મનોવૈજ્ઞાનિકોએ કરેલાં વિવિધ સર્વેક્ષણોમાંથી તારણ નીકળ્યું છે કે નકારાત્મક લાગણીને સ્વીકારવાથી વ્યક્તિ એમાંથી જલદી બહાર નીકળી શકે છે. કહ્યું છે કે તમારામાં જન્મેલી નકારાત્મક લાગણીનાં કારણ સમજો, એમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધો અને તે માટે સક્રિય બનો. નકારાત્મક લાગણીઓ દરિયામાં ઊઠતાં મોજાં જેવી છે – ઉપર ઊઠે અને શમી જાય. આપણે નકારાત્મક લાગણીઓ દૂર રાખવા માગીએ છીએ, કારણ કે એ સકારાત્મકતાના વધારે પડતા ડોઝને લીધે જાત માટે બાંધેલી ધારણાથી વિપરીત છાપ ઊભી કરે છે. અસંતોષ, પરાયાપણું, નિરાશા, પીડા, અપ્રસન્નતા જેવી લાગણીઓ મનમાં આવવા દેવાથી અને પ્રગટ કરવાથી આપણે નીચા દેખાશું એવો ભય સતાવે છે, પરંતુ સાચી વાત તો એ છે કે એવી લાગણીઓ આપણી દૃષ્ટિ, સમજ અને પરિસ્થિતિનો સામનો કરવાનો માર્ગ સાફ કરે છે. એક પ્રકારનું કેથાર્સિસ. રણમાં ઊઠતી આંધી શમે પછી આગળની દિશા સાફ થાય છે. આપણે માત્ર સકારાત્મકતા કે નકારાત્મકતાની આજન્મ કેદમાં પુરાઈને જીવી શકીએ નહીં.
[email protected]
x
રદ કરો
TOP