ડૂબકી- વીનેશ અંતાણી / ઝાંઝવાની શાહીમાં ઝબોળેલાં રણ-દરિયો

article by vinesh antani

Divyabhaskar.com

Aug 12, 2019, 06:15 PM IST

ડૂબકી- વીનેશ અંતાણી
કચ્છના વતની સાહિત્યકારોની કૃતિમાં કચ્છ અનિવાર્યપણે ઊપસી આવે છે. આ વાત કચ્છી અને ગુજરાતીમાં લખતા સાહિત્યકારોને એકસાથે લાગુ પડે છે. કચ્છનો પરિવેશ, વિષમ કુદરતનો પડકાર, રણ અને દરિયો જેવી બાબતો એમના સર્જનમાં ડોકાય છે. સંતકવિઓથી માંડીને આધુનિક કવિઓ-ગદ્યકારોએ કચ્છની વિશિષ્ટ છબિ ઉપસાવી છે. કચ્છ રણ અને સમુદ્રથી ઘેરાયેલું છે. વરસાદની અછત, ઉગ્ર ઉનાળા અને શિયાળાથી કચ્છની તાસીર ઘડાઈ. લોકો વિષમતા વચ્ચે હસતા મોઢે જીવતા શીખ્યા. દુલેરાય કારાણીએ કહ્યું: ‘વંકી કચ્છ તણી ધરણી ને વંકા ભાષાના ભણકાર/ દો દિશ-વાહિની વંકી સરિતા, વંકા પ્હાડ તણી ત્રણ ધાર.’ કવિ નિરંજન હિમાલય પાસે પહોંચે ત્યારે એમને માતૃભૂમિ કચ્છ યાદ આવે છે. જયંત ખત્રીથી માંડીને યુવાન વાર્તાકાર અજય સોની સુધીના વાર્તાકારોએ કચ્છના જીવન અને પરિવેશને એમની વાર્તાઓમાં સ્થાન આપ્યું છે. ચંદ્રશંકર બુચ ‘સુકાની’ની કલમે આલેખાયેલી અનન્ય સાગરકથાઓ ગુજરાતી વાર્તાઓનું ઘરેણું છે, તેમાં વનુ પાંધીની સાગરકથાઓ ઉમેરાઈ. ગુણવંત આચાર્યની નવલકથાઓમાં આલેખાયેલો કચ્છનો સાગર પણ વિશિષ્ટ સાહિત્યિક ઘટના. કવિ ધીરેન્દ્ર મહેતાએ રણની આંખમાં દરિયો જોયો. ઉમિયાશંકર અજાણી અને મૂળરાજ રૂપારેલે કચ્છની ઐતિહાસિક ભૂમિને સર્જનમાં ઉતારી. આ અને બીજા સર્જકોએ એમની રચનાઓમાં કચ્છને સ્થાન આપ્યું.
એમાં રમણિક સોમેશ્વરનો કાવ્યસંગ્રહ ‘શાહીનું ટીપું’ ઉમેરાય છે. એમનાં કાવ્યોમાં કચ્છ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ડોકાય છે. કચ્છની રણકાંધીના ગામ આડેસરમાં જન્મેલા કવિ રમણિક સોમેશ્વરની કાવ્યવિભાવના શ્રેષ્ઠ કવિતાઓના સઘન વાંચન અને અભ્યાસથી ઘડાઈ છે. કચ્છીથી લઈને વિશ્વની કોઈ પણ ભાષાની કવિતા વાંચવી એમને ગમી છે. કચ્છનો પરિવેશ, રણ અને દરિયો, સૂકી નદીઓ, વરસાદનો અભાવ, ધખતો ઉનાળો જેવી બાહ્ય સ્થિતિઓમાંથી એમનો વિશિષ્ટ અવાજ પ્રગટ્યો છે. રમણિકભાઈ લખે છે: ‘મારા પ્રદેશે મારી ચેતનામાં સ્થિર કર્યાં છે અનંત આકાશ, અગાધ સાગર, ધગધગતું રણ, દિવસના તાપ, રાતનું ટાઢોળું, સન્નાટો, ખારવણના વિલાપે તરફડતો દરિયો, અભાવો વચ્ચે અસીમ સાથેનો સંવાદ. આ બધા સગડ તમને મારી કવિતામાંથી ક્યાંક મળી આવશે.’
એમને સમુદ્ર અને રણનાં વિવિધ રૂપો દેખાયાં છે. સમુદ્ર ભર બપ્પોરે મોગરા જેવો ખીલે, છાતી પરના સફેદ વાળમાં દરિયો ફીણોટાય, અશ્વ જેમ હણહણે. ચાંદની રાતે જાણે એ તરફડિયાં મારે છે. કવિ સંવેદે છે કે જાણે કોઈએ એમના ઓશીકા નીચે સમુદ્ર મૂકી દીધો છે. રણ વિશે કહે છે કે રણ સાથે આંખમાં આંખ મેળવીને વાતો કરવાનો સમય ભાગ્યે જ મળ્યો છે, છતાં એ એમની હયાતીનો હિસ્સો બન્યું છે. રણને સમજવું બહુ અઘરું છે એમ કહ્યા પછી રણનું ચિત્ર દોર્યું છે: વિષમ કુદરત સામે ઝીંક ઝીલતા રણવાસીઓનાં સુકાયેલાં આંસુ જાણે ખારોપાટ બની ગયાં હોય. સતત ફૂંકાતો પવન રણની કાયા પર ઓકળી પાડે છે. કચ્છના રણપ્રદેશનાં લોકવાદ્ય મોરચંગ અને જોડિયા પાવાના સૂરોને યાદ કર્યા વિના કચ્છના રણનો અનુભવ અધૂરો રહે. કવિ પોતાને રણ વચ્ચે ઊગેલા હાથલા થોર જેવા અનુભવે છે. ઉપર ધગધગતો સૂરજ, પગ નીચે લિસ્સી રેતી, ડમરી, રણની વચ્ચે ઊભેલી વાંઢ, વાંઢમાં ભૂંગાં અને ‘ભૂંગામાં હરણી ફરે આયના ઓઢી.’
કચ્છનું રણ એક સમયે દરિયો હતું. રમણિકભાઈની કવિતામાં પણ દરિયો અને રણ એકબીજામાં ભળી ગયાં છે. ‘અથવા’ કાવ્યમાં કહે છે: ‘સામે/ સફેદ સફેદ દેખાય છે/ તે કદાચ દરિયો હોય/ અથવા/ રણ/ અથવા બંને.’ બીજા કાવ્ય ‘રણ-સમંદરને કાંઠે સવાર’માં પણ રણ અને દરિયાનું સાયુજ્ય રચાયું છે. ખારવણોનાં ગીતોમાં દરિયો હીંચે છે, હલ્લેસે હલ્લેસે ઝાકળની દીવાલો પીગળે છે અને એનું ધુમ્મસ રણની રેતીના પટમાં વિખેરાય છે. કવિને દેખાય છે જીભ લંબાવી મૃગજળ પીતું ઊંટ. રણમાં ઊંટ હડી કાઢતાં દોડે અને દરિયામાં મોજાં હડી કાઢે છે.
કચ્છના આકરા ઉનાળાનો બપોર લુહારની કોઢમાં પડેલા લોખંડના ધગધગતા ચગદા જેવો લાગે છે. આકાશ હુક્કો પીતા ખેડૂતની જેમ તણખા ખેરવે છે. ગરમાળો અગ્નિશિખા જેવો અને ગુલમહોર ભઠ્ઠીમાં ધગધગતા કોયલા જેવો. કવિ બોલી ઊઠે છે: ‘ઓણ સાલ/ એવો ઉનાળો આવ્યો/ કે/ સરોવર બધાં/ સંકોચાઈને/ બની ગયાં/ દેડકીના પગના પડછાયા.’ સૂરજના બધા ઘોડા છાકટા થયા હોય એવી કાળઝાળ બપોરે વરસાદની ઝંખના ઝાંઝવાં જેમ ઝગારા મારે છે.
વરિષ્ઠ પત્રકાર કીર્તિ ખત્રીએ મહત્ત્વની વાત કરી છે: ‘કચ્છને સંબંધ છે ત્યાં સુધી તેના પરિવેશ અને પરિસ્થિતિઓ રણ, દરિયા અને દુકાળ પૂરતી મર્યાદિત નથી. આ પરિબળોની અસર હેઠળ વિકસેલી અભાવની સંસ્કૃતિનાં અનેક પાસાં છે કચ્છનું પશુપાલન, કચ્છની ખેતી, ખેડૂતની પીડા, નાના-નાના કારીગરો, હુન્નરબાજો, છેવાડાના વિસ્તારોમાં ઘેટાં-બકરાં ચારતા લોકો, કેટલું બધું છે કચ્છના પરિવેશમાં અને પરિસ્થિતિઓમાં. અરે! ભાગલા સમયે અહીંથી પાકિસ્તાન ગયેલા અને ત્યાંથી અહીં પાછા આવેલા લોકોની બેવતન યાત્રાની વાત સાહિત્યમાં આલેખાઈ છે ખરી?’ આ સવાલનો જવાબ આગામી પેઢીના કચ્છી સાહિત્યસર્જકોએ આપવાનો છે.
[email protected]

X
article by vinesh antani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી