ડૂબકી- વીનેશ અંતાણી / ડબીમાં સાચવી રાખેલા સોનાના વાળ

article by vinesh antani

Divyabhaskar.com

Aug 05, 2019, 06:13 PM IST

ડૂબકી- વીનેશ અંતાણી
જિંદગીથી નાસીપાસ થયેલી ચોવીસ વર્ષની યહૂદી યુવતી એક રાતે ઘર છોડીને ચાલી ગઈ. એના મનના કોઈ ખૂણામાં આપઘાત કરવાનો વિચાર ચાલતો હતો. આગળની દિશા ધૂંધળી હતી. એ અનિર્ણિત મનોદશામાં શહેરથી દૂર નીકળી ગઈ. સવારે થાકીને સૂમસામ જગ્યામાં બેસી ગઈ. હતાશા અને ઉદ્વેગ સાથે થાક ઉમેરાયો હતો. એ એના નેકલેસનું પેન્ડન્ટ આંગળીથી પસરાવતી શૂન્યમનસ્ક મનોદશામાં બેઠી હતી. અચાનક એનું ધ્યાન પેન્ડન્ટ પર ગયું. ઝબકાર થયો: એ પેન્ડન્ટ એની ખાસ બહેનપણીએ એના જન્મદિવસે ભેટ આપ્યું હતું. એણે પહેરેલું જાકીટ પણ કોલેજના સમયનો એક મિત્ર લાવ્યો હતો. યહૂદી યુવતીનું ધ્યાન પોતાના ડ્રેસ પર ગયું. શોપિંગ કરવા સાથે આવેલી બહેનપણીએ એ ડ્રેસ પસંદ કર્યો હતો અને પ્રેમપૂર્વક ખરીદાવ્યો હતો. એ બધું યાદ આવતાં યુવતી જાણે લાંબી ઊંઘમાંથી સફાળી જાગી. મનમાં સભરતા અને ઉષ્માની લાગણી ફરી વળી. એણે વિચાર્યું: મારે આવા મિત્રો હોય પછી હતાશ થવાનું કોઈ કારણ નથી. હું એકલી નથી. કોઈ પણ મુશ્કેલી વખતે હું એમની પાસે જઈ શકીશ. એ લોકો મારા પડખે ઊભાં રહેશે.
મિત્રતા વ્યક્તિને નક્કર બનાવે છે. આશ્વાસન રહે છે કે કોઈક આપણી સાથે છે, જરૂર પડે ત્યારે આપણે એના હાથનો સહારો લઈ શકીએ છીએ. મિત્રતા વ્યક્તિને પરાવલંબી બનાવતી નથી, સ્વાવલંબી બનવા પ્રેરે છે અને શક્તિ આપે છે. કોઈએ કહ્યું છે કે સંસારની આ ઊબડખાબડ અને કઠિન યાત્રામાં કોઈ સાચો મિત્ર આપણી સાથે હોય તો પ્રવાસ સરળ બને છે. મિત્રતાનાં અનેક પરિમાણ હોય છે. બધા પરિચયને દોસ્તી માની લેવાની ભૂલ ન કરવાની શિખામણ શાણા માણસો આપે છે. મિત્રો એકબીજાના વ્યક્તિત્વને સાચી દિશામાં ઘડવામાં સહાય કરે છે.
ઘણા લોકો મિત્રો બનાવી શકે તેથી વધારે સહેલાઈથી દુશ્મનો ઊભા કરવામાં પવરાધા હોય છે. સ્વ પ્રતિષ્ઠાનું વ્યસન એમને મિત્રો બનાવવા દેતું નથી. એમનું નિરર્થક આત્માભિમાન આડું આવે છે. પ્રબળ ઈગો બીજા લોકોને એમનાથી દૂર રાખે છે. રાજકારણથી માંડી ઘરેલુ જીવનમાં આવા લોકો અતડા પડી જાય છે. તેઓ અંદરથી ભયાનક રીતે ખાલી રહે છે. મિત્ર વિનાના લોકો દુષ્કાળ જેવા હોય છે. એમને વરસાદ એટલે શું એની ખબર હોતી નથી. એમને આત્મીયતાનો અનુભવ થતો નથી. નિકટતા, સહવાસ, એક હોવું એટલે શું તે એ લોકો જાણતાં જ નથી. મીડિયા મેગ્નેટ તરીકે જાણીતા ટેડ ટર્નરે કહ્યું છે: ‘આપણે અન્ય લોકોને આદર અને સન્માન આપીએ તો દુશ્મનો પણ દોસ્ત બની શકે છે. વાસ્તવમાં દરેક દુશ્મનમાં સાચો મિત્ર છુપા વેશે વસતો હોય છે.’
મિત્રોનો પરિચય આપવા અલગ અલગ શબ્દપ્રયોગ કરવામાં આવે છે. બેસ્ટ ફ્રેન્ડ, ક્લોઝ ફ્રેન્ડ અને પરિચિત મિત્ર. ત્રણે શબ્દપ્રયોગ મિત્રતાનાં જુદાં જુદાં પરિમાણ સમજાવે છે. પરિચિત મિત્રો સાથે આપણે ફિલ્મ કે નાટક જોવા જઈ શકીએ, કોઈ વાર ડિનર માટે મળીએ કે જન્મદિવસની શુભેચ્છા આપી છૂટા પડીએ. નિકટના મિત્ર સાથે આત્મીયતા કેળવાય છે. આપણે એની સામે થોડા ઊઘડી શકીએ છીએ, એ પણ એના ભીતરમાં ડોકિયું કરવા દે છે, પરંતુ આપણે આપણા બધા દરવાજા અરસપરસ ખોલી નાખતા નથી. એનો પ્રવેશ ડ્રોઈંગરૂમ સુધી હોય છે. ઘરના અંદરના ઓરડામાં પ્રવેશ કરવા જેટલી છૂટ નથી આપણે લેતા, નથી એને લેવા દેતા. સૌથી ઉત્તમ દોસ્તની સંખ્યાનું પ્રમાણ બહુ જ ઓછું રહેવાનું. એવી મિત્રતામાં ‘એ’ અને ‘હું’ વચ્ચેનો ભેદ લગભગ લુપ્ત થઈ જાય છે. બેસ્ટ ફ્રેન્ડ આપણી મર્યાદા વિશે જાણતો હોય, છતાં આપણને પ્રેમ કરતો રહે છે. મિત્રને એની બધી મર્યાદા સાથે સ્વીકારવાની તૈયારી હોય તો પરસ્પર અંદર – બહાર જેવી કોઈ સીમા રહેતી નથી. તમિલના સંતકવિ તિરુવલ્લુવરે કહ્યું હતું: ‘મિત્રતા મોઢા પર આવતા સ્મિતનો ચળકાટ નથી, મિત્રતા આપણા આત્મામાં ઝગમગતા આનંદનો પ્રકાશ છે.’
બહુ નાની વયે મારો એક સમવયસ્ક ભાઈબંધ હતો. અમે આખો દિવસ ડેલીમાં સાથે રમતા-ઝઘડતા અને બિલ્લા કરી લેતા. એ એની દાદીના સફેદ વાળનાં ગૂંચળાં ભેગાં કરી છીંકણી ભરવાની ડબીમાં ભરી રાખતો. મને કહેતો: ‘આ વાળ સોનાના થઇ જશે.’ એ મિત્ર નાની વયે ગુજરી ગયો. મેં તે ડબી મારી ભીતર સંતાડી રાખી છે. એમાં મારા જીવનની પ્રથમ મૈત્રીના સોનાના વાળ સચવાયેલા પડ્યા છે. [email protected]

X
article by vinesh antani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી