ડૂબકી- વીનેશ અંતાણી / ભારતીય કથાસાગરનું કથામંથન

article by vinesh antani

Divyabhaskar.com

Jul 29, 2019, 04:21 PM IST

ડૂબકી- વીનેશ અંતાણી
નિરંતર સંશોધન-અભ્યાસ-સંપાદન-અનુવાદ દ્વારા ભારતીય કથાસાહિત્યના અમૂલ્ય વારસાને ગુજરાતીમાં શબ્દસ્થ કરવાનો સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. શિરીષભાઈ પંચાલનો પ્રકલ્પ પૂર્ણ થવાના આરે છે. આ કથાસંપાદનના પાંચ ગ્રંથોમાંથી બે ગ્રંથ પ્રકાશિત થઈ ગયા છે. પ્રથમ ગ્રંથમાં વેદ, ઉપનિષદ, બ્રાહ્મણગ્રંથોની કથાઓ અને બીજામાં રામાયણ અને મહાભારતની આડકથાઓ છે. શીઘ્ર પ્રકાશિત થનારા બાકીના ત્રણ ગ્રંથોમાં અનુક્રમે જાતકકથાઓ, હસુદેવહિંડી, કથાસરિત્સાગર, તરંગલોલા જેવી પ્રાકૃત કથાઓ; પંચતંત્ર, હિતોપદેશ, દશકુમારચરિત, શ્રીમદ્ ભાગવત, સ્કંધપુરાણમાંથી કથાઓ અને લોકકથાઓ છે.
આજે અકલ્પ્ય લાગે તેવાં કથાનકો, પાત્રો, પરિસ્થિતિઓ, આદર્શોનું અવનવું વિશ્વ આ કથાઓમાં ઊઘડે છે. બીજા ગ્રંથમાં સમાવિષ્ટ રામાયણ-મહાભારતની આડકથાઓની વિવિધ કલ્પના અચંબામાં મૂકી દે છે. શિરીષભાઈએ આ ગ્રંથોમાં મૂકેલા અભ્યાસનિષ્ઠ પ્રાસ્તાવિક લેખોમાં કથાઓની ભૂમિકા રચી આપી છે. આ કથાઓમાંથી તે સમયના સમાજજીવનની ઘણી વિગતોનું ચિત્ર મળે છે. દ્વિતીય ગ્રંથના પ્રસ્તાવનાલેખમાં શિરીષભાઈએ નોંધ્યું છે: ‘મહાભારતના સમયમાં સ્ત્રીઓ કેવી સ્વછંદી હતી તેની ચર્ચા પાંડુ અને કુંતા વચ્ચે થાય છે. પાંડુ કહે છે તે પ્રમાણે સ્ત્રીઓ પર કોઈ પ્રતિબંધ ન હતાં. પતિ પણ પત્નીને રોકી શકતો ન હતો. સ્ત્રીઓ ભોગેચ્છાથી આમતેમ ભમ્યા જ કરતી હતી. કુમારિકાઓ પણ વ્યભિચાર આચરતી હતી, કારણ કે તે સમયનો આચાર જ એવો હતો. એક સમયે એક પતિ, એક પત્નીનો આદર્શ ન હતો; સમાજ ઘણી રીતે સ્વતંત્રતા ભોગવતો હતો. નિયોગની રૂઢિ સર્વમાન્ય હોવાને કારણે સ્ત્રીઓ પતિ સિવાયના પુરુષ દ્વારા સંતાનપ્રાપ્તિ કરી શકતી હતી.’
કથાઓમાં સામૂહિક હિંસાની વાત આવે છે. ઉદારણરૂપે એક કથા: દંડ નામના રાજાએ શુક્રાચાર્યની પુત્રી અરજા ઉપર બળાત્કાર કર્યો. તેની શિક્ષા અપરાધીને થવી જ જોઈએ, પણ શુક્રાચાર્યના શાપથી રાજ્યમાં વસતા તમામ જીવો બળીને ભસ્મ થઈ જાય છે. શિરીષભાઈનો પ્રશ્ન છે: ‘એકના અપરાધની શિક્ષા અસંખ્ય જીવોને કેમ કરી શકાય?’ આ પ્રશ્ન આજે પણ બનતી ઘણી ઘટનાઓમાં સળગે છે.
સમગ્ર કથાલોક અવનવી, આશ્ચર્ય પમાડી દે, માની શકાય નહીં તેવી કલ્પનાઓથી ખીચોખીચ ભરેલો છે. હજારો પુત્રનો જન્મ થાય, તપસ્વીઓ અને રાજવીઓ હજારો વર્ષ જીવે; રાજપુત્રો ધરતી ખોદતાં ખોદતાં રસાતલમાં પહોંચે; દેવો અને મહાન તપસ્વીઓ સુંદર સ્ત્રીને જોતાંવેંત કામગ્રસ્ત બને; બે રાણીઓને અર્ધા – અર્ધા શરીરવાળો એક પુત્ર જન્મે; તપસ્વી દ્વારા દાનવને એવું વરદાન મળે કે એ જે મરેલા પુરુષનું નામ બોલશે તે જીવતો થશે; સુંદર સ્ત્રી કે અપ્સરાને જોતાં જ ભલભલા તેજસ્વીઓનો વીર્યસ્ત્રાવ થઈ જાય અને તે ગળીને હરણી કે પક્ષી કે માછલીને ગર્ભ રહે. મનોવેગના બળથી તત્ક્ષણ હજારો જોજન દૂર પહોંચી શકાય. પુરુષોને સંતાન જન્મે. યુવનાશ્વ રાજા અન્યને પુત્રપ્રાપ્તિ માટે થયેલા યજ્ઞનું મંત્રેલું પાણી ભૂલથી પી ગયો તો એની ડાબી કૂખમાંથી પુત્ર પ્રગટ્યો. એક વાર શિકારે નીકળેલો ઇલ રાજા શંકર ભગવાનના જન્મસ્થાનમાં પહોંચી ગયો. ત્યાં શંકર સ્ત્રીરૂપે વિહરતા હતા. તે વનમાં બધાં પ્રાણી નારી રૂપે હતાં. ઇલ પણ સ્ત્રીમાં ફેરવાઈ ગયો. એ મહાદેવ-પાર્વતીજી પાસે ગયો અને પુરુષ રૂપ પાછું માગ્યું. પાર્વતીજીના કહેવાથી ઇલે એક મહિનો સ્ત્રી અને એક મહિનો પુરુષ રહે તેવું વરદાન માગ્યું. ત્યાર પછી એ એક મહિનો સ્ત્રી અને એક મહિનો પુરુષ રૂપે રહેવા લાગ્યો. ત્યાં એનો બુધ સાથે સંબંધ બંધાયો. એ સ્ત્રી હોય ત્યારે બુધ સાથે ક્રીડા કરતો અને પુરુષ હોય ત્યારે ધર્મચર્ચા કરતો. એણે નવ મહિને પુત્રને જન્મ પણ આપ્યો.
શિરીષભાઈએ ભારતની આવી અનેક પુરાતન સમૃદ્ધ કથાપરંપરાનો સમુદ્ર વલોવ્યો છે. ભારતીય સાહિત્યમાં આવું એકમાત્ર પ્રકાશન ગુજરાતનું ગૌરવ છે. દરેક અભ્યાસી અને જિજ્ઞાસુ વાચકે આ કથાવિશ્વમાંથી પસાર થવું જ જોઈએ.
[email protected]

X
article by vinesh antani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી