Back કથા સરિતા
વીનેશ અંતાણી

વીનેશ અંતાણી

જીવન, ચિંતન (પ્રકરણ - 39)
લેખ, વાર્તા અને નવલકથા પર કલમ ચલાવનારા વીનેશ અંતાણીએ દેશી-વિદેશી કૃતિઓના રસાળ અનુવાદો પણ આપ્યા છે.

બીજા ન બદલાય તો આપણે બદલાઈએ

  • પ્રકાશન તારીખ22 Jul 2019
  •  

ડૂબકી -વીનેશ અંતાણી
દરેકની આગવી જીવનદૃષ્ટિ હોય છે, અલગ અભિગમ હોય છે, કામ કરવાની પોતાની પદ્ધતિ હોય છે. આ પ્રકારની બાબતો દરેક વ્યક્તિને અન્ય વ્યક્તિથી અલગ બનાવે છે. વ્યક્તિના ઉછેર, સંજોગો, આસપાસનો સમાજ, શિક્ષણ, સંવેદનશીલતા, વિચારોની પ્રક્રિયા જેવા અંશો જુદા જુદા રહેવાના. એમાંથી જ દરેક જણનું આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વ ઘડાય છે અને દરેક અન્યથી ભિન્ન બને છે.
આપણા આંતરિક વિશ્વની જેમ અન્ય લોકોનું આંતરિક વિશ્વ હોય છે. એમાં વિશિષ્ટતા હોય અને મર્યાદા પણ હોય. કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી. ભિન્નતાનો સ્વીકાર કરીએ તો અન્ય લોકોની વિશિષ્ટતા અને મર્યાદા સમજી શકાય. દુનિયાને જોવા માટે આપણી આંખો જ પૂરતી નથી, આજુબાજુના લોકો દુનિયાને કેવી રીતે જુએ છે, સમજે છે અને કેવી રીતે વર્તે છે તે જાણવા એમની નજરે જોવું પડે. બીજાની નજરે આપણે કેવા દેખાતા હોઈશું તે વિચારીએ તો જાત અને જગત વિશેનાં ચિત્રમાં નવાં પરિમાણ ઊઘડે. નાનપણથી માંડી પાછલી અવસ્થા સુધી વ્યક્તિમાં બદલાવની પ્રક્રિયા ચાલુ રહે છે. નાનપણ, કિશોરાવસ્થા, અાધેડ વયમાં માની લીધેલું ઘણું પાછલી વયમાં સાચું લાગતું નથી. દૃષ્ટિકોણ બદલાય તે સાથે અત્યાર સુધી ખરું લાગતું હોય તે ખોટું લાગવા માંડે અને ખોટું માન્યું હોય તે ખરું સાબિત થાય. સંબંધો નવેસરથી સમજાય, જીવનના અર્થ બદલાય, સફળતા અને નિષ્ફળતાનાં ધોરણો અગાઉનાં ધોરણોથી નવું સ્વરૂપ ધારણ કરે. ન ગમતા લોકો ગમવા લાગે અને બહુ ગમેલા લોકોમાં છીંડાં દેખાય. ઘણા ભ્રમ તૂટે અને નવા ભ્રમ જન્મે. સમયની સાથે વ્યક્તિએ બદલાવું જ પડે.
ફિલસૂફો કહેતા રહે છે કે બધું પરિવર્તનશીલ છે. કશું જ ફાઈનલ હોઈ શકે નહીં. આ સાદું સત્ય સ્વીકારીએ તો જાત વિશે માની લીધેલું કશું જ અંતિમ સત્ય જેવું લાગશે નહીં. આપણી માન્યતાઓ જ સાચી હોય તે જરૂરી નથી. કશું જ અને કોઈ સંપૂર્ણ નથી. આપણે આપણી માન્યતા અને અભિગમની અપેક્ષા અન્ય લોકોમાં રાખી શકીએ નહીં. આપણા એકલાથી જ જીવન ચાલતું નથી. દરેક ક્ષેત્રમાં અનેક લોકો આપણી સાથે જોડાયેલા હોય છે. આપણો દૃષ્ટિકોણ અને કાર્યપદ્ધતિ જાળવી રાખીને અન્ય લોકોનો દૃષ્ટિકોણ ખુલ્લા મને સમજીએ અને જરૂર લાગે તો તે મુજબ જાતને બદલીએ તો આપણા વ્યક્તિત્વના ઘણા અજાણ્યા ખાડા પુરાય. આ પ્રક્રિયા અઘરી છે, પરંતુ અનિવાર્ય છે. જાતને બદલવી અઘરી લાગતી હોય તો બીજા લોકોએ બદલવું જોઈએ તેવી અપેક્ષા કેટલી વ્યાવહારિક છે તે વિચારવું પડે. મોટા ભાગના લોકો અન્ય વ્યક્તિના વિચારો, કાર્યપદ્ધતિ, જીવનશૈલી માટે ટીકાત્મક વલણ ધરાવે છે. તેઓ અધૂરા જ લાગ્યા કરે તો સામંજસ્યની કોઈ ભૂમિકા રહેતી નથી. આપણે એમને ‘આપણા જેવા’ બનાવવા માગીએ તે અશક્ય છે. એ લોકો જે છે તે છે અને આપણે જે છીએ તે છીએ. બીજાને આપણી માન્યતા મુજબ બદલવાની અપેક્ષા રાખવી એટલે જાતે દુ:ખી થવાનો દરવાજો ખોલવો.
સંપૂર્ણતાનો આગ્રહ પણ ભયજનક છે. આપણે હંમેશાં ડિમાન્ડિંગ રહી શકીએ નહીં. એનાથી અસંતોષ રહે છે અને આપણે જાતમાંથી મળતા આનંદથી વંચિત રહીએ છીએ. સંપૂર્ણતાનો આપણો ખ્યાલ માત્ર આપણો જ હોય છે, તે માટે અન્ય લોકોની માન્યતા જુદી રહેવાની. ડિમાન્ડિંગ અભિગમ જિંદગીને બે પ્રકારની વાસ્તવિકતામાં વહેંચી નાખે છે – એક, વાસ્તવમાં જે બનતું હોય તે અને બીજી, જે બની રહ્યું હોય તેના વિશેની આપણી માન્યતા. એ બેની વચ્ચે ભીંસાવાનો કોઈ અર્થ નથી. બંને વાસ્તવિકતા સ્વીકારવી પડે. આપણે સાચા હોઈએ અને બીજા પણ એટલા જ સાચા હોઈ શકે.
બીજા લોકોને બદલવાના પ્રયત્નો પછી તેઓ ન બદલાય તો કંઈ વાંધો નહીં. ચાલો, આપણે બદલાઈએ. આ સમાધાનકારી વલણ નથી, વ્યવહારિક અભિગમ છે. જગત આપણી ઇચ્છા, આપણા દૃષ્ટિકોણ, આપણી માન્યતા મુજબ ચાલતું નથી. આ જગતમાં માત્ર હું જ નથી તે સત્ય સ્વીકારીએ તો અન્ય વ્યક્તિઓને એમની વિશિષ્ટતા અને મર્યાદા સાથે સહેલાઈથી સ્વીકારી શકીએ. [email protected]

x
રદ કરો

કલમ

TOP