ડૂબકી / શ્વાસનળીમાં ભરાઈ જતી વિદાયની પીડા

article by vinesh antani

જીવનમાં વિદાયની વેદના સંવેદનશીલ વ્યક્તિના ચિત્તનો અનિવાર્ય ભાવ બને છે. એમાં વ્યક્તિગત અનુભવ જોડાય પછી તે પીડા ‘મારી’ કે ‘એ લોકોની’ રહેતી નથી

વીનેશ અંતાણી

Jun 03, 2019, 07:32 PM IST

મા રી નવલકથા ‘પ્રિયજન’માં એક સમયનાં પ્રેમી ચારુ અને નિકેત ઘણાં વરસ પછી આકસ્મિક રીતે એમના જૂના ગામમાં મળે છે. એમનો પ્રેમ નક્કર રૂપ લઈ શકે તે પહેલાં તેઓ સમજપૂર્વક અલગ થઈ ગયાં હતાં. હવે તેઓ થોડા દિવસ સાથે રહે છે અને પોતપોતાના જીવનમાં બનેલી ઘટનાઓની વાતો કરે છે. ચારુ નિકેતને કહે છે કે એના જીવનમાં જ્યારે પણ કોઈને વિદાય આપવાનો પ્રસંગ આવ્યો છે ત્યારે દર વખતે એના મનમાં નિકેતની વિદાયની વેદના તાજી થઈ ઊઠી છે. ‘વિદાયની દરેક ઘટનામાં તું મને યાદ આવે.’
દરેકના જીવનમાં વિદાય આપવાના કે વિદાય લેવાના પ્રસંગ બને છે. દરેક વિદાયનું વત્તુંઓછું વજન રહે છે. કેટલીક વિદાય અનિવાર્ય અને ફરજિયાત હોય, કેટલીક વિદાય વ્યક્તિએ જાતે પસંદ કરી હોય. આપણે સાથે હોવાની પરિસ્થિતિને કાયમી માની લઈએ તો અલગ પડવાની પરિસ્થિતિ સાથે સમાધાન કરવું અઘરું પડે છે.
‘નવનીત સમર્પણ’ સામયિકના મે-2019ના અંકમાં આપણી ભાષાના બે પ્રતિષ્ઠિત કવિ ધીરેન્દ્ર મહેતા અને જયદેવ શુક્લનાં કાવ્ય પ્રકાશિત થયાં છે. બંનેના કેન્દ્રમાં વિદાય છે. અહીં એ કાવ્યોનાં સૌંદર્યસ્થાનોની વાત કરવાનો અવકાશ નથી. ધીરેન્દ્રના કાવ્ય ‘સંજવારીમાં’ લગ્ન પછી તરત સરહદ પર ફરજ બજાવવા ગયેલા પતિની વિદાયથી પત્નીના મનમાં રહેલી વેદનાની વાત છે. કાવ્યનાયિકા કહે છે: ‘હુકમ થયો ને હાલી નીકળ્યા/ એ વર્દીની અક્કડ ચાલે/ વરણાગી વાઘા/મેલી આઘા./’ પતિવિદાયની વેદના આગળ જતાં કાયમી રૂપ લે છે. કાવ્યના સાંકેતિક નિર્દેશો દર્શાવે છે કે પતિ શહીદ થયો છે. પત્ની પતિની કાયમી વિદાયની વેદનામાંથી છૂટી શકતી નથી.
જયદેવ શુક્લના કાવ્ય ‘જાવન-આવન’માં વિદાયની વેદના અલગ સ્તરે આલેખાઈ છે. પાછા આવ્યા પછી ઊઠતા સંવેદનાત્મક પ્રશ્નો છે. કાવ્યના પ્રારંભે કહેવાયું છે: ‘જતી વખતે/આપણે કેટકેટલું છોડીને જઈએ છીએ!/ કેટલું બધું આપણા ભેગું આવી જતું હોય છે/જાણબહાર.’ જવા ટાણે નિકટતાની નાની-નાની ઘટનાનો સ્વાદ તાજો થાય અને ‘ન જવાની ઇચ્છા થઈ’ આવે. જનાર અને પાછળ રહેનારની પીડા એકમેકની સાથે ભળી જાય છે. ‘જઇને ફોન કર્યો’તો પહોંચ્યાનો./ મેં ડૂસકું સાંભળ્યું હતું.’ વ્યક્તિ પાછી ફરે ત્યારે બીજી જગ્યાની સ્મૃતિ પણ સાથે લાવે છે. જયદેવ કહે છે: ‘આ જાવન-આવન કશુંક કશેક લઈ જાય છે/ને કશુંક કશેક મૂકી શકે છે./ આવતી વખતે/બધું તો લઈને આવી શકાતું નથી.’
બંને કાવ્યમાં વિદાયની પીડાનું ગાઢ આલેખન થયું છે. સાહિત્ય સહિત વિશ્વની અનેક કળાકૃતિમાં વિદાયની વેદના નિરૂપાઈ છે. કેટલીય ફિલ્મોમાં વિદાયના પ્રસંગ કેમેરામાં જકડાયા છે. ગીત-ગઝલોમાં આ વેદના ઘનીભૂત થઈ છે. જીવનમાં વિદાયની વેદના સંવેદનશીલ વ્યક્તિના ચિત્તનો અનિવાર્ય ભાવ બને છે. એમાં વ્યક્તિગત અનુભવ જોડાય પછી તે પીડા ‘મારી’ કે ‘એ લોકોની’ રહેતી નથી.
ઘણાં વર્ષો પહેલાં બ્રિજભૂષણ શર્મા થોડા સમય માટે બેન્કમાં નોકરી કરવા ભૂજ આવ્યો હતો. એને પણ વાંચનમાં ઊંડો રસ. તેથી અમારી મિત્રતા વિકસી. એ ભૂજ છોડીને જતો હતો ત્યારે હું એને વિદાય આપવા રેલવે સ્ટેશને ગયો હતો. સમય થઈ ગયો હતો, છતાં ટ્રેન ઊપડતી નહોતી. એની વિદાય અને ફરી મળવાની નહીંવત્ શક્યતાની વચ્ચે મને લાગ્યું હતું, જાણે એક ટ્રેન મારી શ્વાસનળીમાં ભરાઈ ગઈ છે. પાછળથી તે ભાવ મારી એક વાર્તામાં અલગ રીતે પ્રગટ થયો.
વિચારકો અલગ પડવાની ઘટનાને આ દૃષ્ટાંતથી સમજાવે છે: નદીમાં સાથે વહેતી બે ડાળી પાણીના પ્રવાહમાં હંમેશને માટે સાથે રહી શકતી નથી, એમને અલગ થવું જ પડે છે. કોઈ ને કોઈ પ્રકારની વિદાય અનિવાર્ય જ હોય તો એની વેદના અને તેને સહન કરવું પણ અનિવાર્ય છે. વ્યક્તિ જેટલી સંવેદનશીલ, તેટલી એની પીડા વધારે.
[email protected]

X
article by vinesh antani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી