Back કથા સરિતા
વીનેશ અંતાણી

વીનેશ અંતાણી

જીવન, ચિંતન (પ્રકરણ - 39)
લેખ, વાર્તા અને નવલકથા પર કલમ ચલાવનારા વીનેશ અંતાણીએ દેશી-વિદેશી કૃતિઓના રસાળ અનુવાદો પણ આપ્યા છે.

સર્પકથાઓમાં માનવભાવનું પ્રતિબિંબ

  • પ્રકાશન તારીખ23 Dec 2019
  •  
ડૂબકી- વીનેશ અંતાણી
નાગ – સાપની કલ્પનામાત્રથી આપણને ભય લાગે છે, સાથેસાથે એક પ્રકારનો રોમાંચ પણ થાય છે. આપણે પ્રાચીનકાળથી સર્પને ભયમિશ્રિત રોમાંચની નજરે જોતા આવ્યા છીએ. તેની સાથે સર્પપૂજાની પરંપરા પણ વિકસી. નાગપંચમી જેવા તહેવાર એનાં દૃષ્ટાંત છે. કચ્છના નગર ભુજનું નામ ભુજંગ નાગ પરથી પડ્યું છે. નાગપંચમીના દિવસે ભુજંગના નિવાસસ્થાન ભુજિયા ડુંગરની તળેટીમાં મેળો ભરાય છે. ભારતીય લોકસાહિત્યનાં ઊંડાં અભ્યાસી કોમલ કોઠારી જણાવે છે: ‘રાજસ્થાનમાં ગોગાના દેવળની સાથે જોડાયેલી દંતકથા સર્પદંશ ને તેના નિદાન સાથે જોડાયેલી છે. બંગાળની માનસાદેવીની પૂજાનો આધાર પણ સર્પ સંબંધી માન્યતાઓમાં નિહિત છે. ભારતમાં લગભગ બધાં ક્ષેત્રોમાં સર્પ ને તેના વિષાક્ત સર્પવંશ સાથે નાનાં-મોટાં દેવી કે દેવતાઓની સ્થાપના કરવામાં આવી છે.’
નાગ-સર્પનું કથાનક પુરાતન સમયથી વિવિધ પ્રદેશોની લોકકથાઓમાં નિરૂપાયું છે. એ કથાઓમાં સર્પ અથવા નાગ પાત્રરૂપે આવે છે. એમનું આચરણ માનવ જેવું હોય, એ માનવભાષા બોલે છે. સાંથાલોની લોકકથાઓના પુસ્તકમાં આવી સર્પકથાઓ જોવા મળી હતી. મેં એવી એક લોકકથાના આધારે ટૂંકી વાર્તા લખી. મારી બીજી એક વાર્તા ‘લિસોટો’નો આધાર કચ્છની એક લોકકથા છે, જેમાં માનવરૂપે જીવતાં નાગયોનિનાં નાગ અને નાગણીના પ્રેમની કથા છે. નાગને સેક્સના પ્રતીક તરીકે પણ જોડવામાં આવે છે. ડૉ. જયંત ખત્રીની એક વાર્તાનું નામ ‘નાગ’ છે. ગિરીશ કારનાડના નાટક ‘નાગમંડળ’માં નાગનું પાત્ર છે.
રાજસ્થાનમાં સાપની ઘણી કથા મળે છે. લોકસાહિત્યના ઊંડા અભ્યાસી વિજયદાન દેથાએ રાજસ્થાનની લોકકથાઓ એકઠી કરીને તેર ગ્રંથો ‘બાતાં કી ફૂલવાડી’માં પ્રકાશિત કરી છે. આ પુસ્તકની કથાઓમાંથી દસ કથાઓ સર્પ સંબંધિત છે. એમાં સર્પ સાથે સંબંધિત લોકમાન્યતાઓ અને માનવમનમાં સર્પ વિશેનાં કુતૂહલ કલ્પનાસભર કથાઓ દ્વારા આલેખાયાં છે. એમાં ક્યારેક સાપના પાત્રમાં માનવોચિત વ્યવહારનું સીધું આરોપણ થયું છે તો ક્યારેક પ્રતીકાત્મકરૂપે આલેખાયું છે. મહિલાઓના લાંબા ચોટલાને નાગની ઉપમા અપાય છે. એક વાર્તામાં તાજો પરણેલો પુરુષ લગ્ન પછી તરત રાજાની ચાકરીએ જતો હોય છે ત્યારે માર્ગમાં મળેલા કાળોતરાને ઉપાલંભ આપે છે : ‘તારા કરતાં મારી વહુનો ચોટલો વધારે લાંબો અને સુંવાળો છે. તારો કાળો રંગ તો એની સામે મટમેલો લાગે.’ આથી ઝંખવાયેલો નાગ ખાતરી કરવા પુરુષની પત્ની પાસે જાય છે અને પોતાને સ્ત્રીના ચોટલા સાથે સરખાવી જુએ છે. સ્ત્રી નાગને જોઈ જાય છે. પતિના વિરહમાં તડપતી પત્ની અને નાગ વચ્ચે પ્રેમ અને દેહસંબંધ બંધાય છે.
સાપ અને સ્ત્રી વચ્ચે આવા સંબંધોની અનેક લોકવાર્તા મળે છે. એક વાર્તા ‘નાગણ તારો વંશ વધે’માં નાગણના આગ્રહથી એક નાગ નવોઢાના પતિનું રૂપ ધારણ કરે છે. નાગ તો નવોઢા સાથે ચાલ્યો જાય છે, બીજી બાજુ નાગણ નાગના વિરહમાં તડપે છે. થોડા સમય પછી નાગણ એને વિસારે પાડી બેઠેલા પતિને પાઠ ભણાવવા નાગ અને નવોઢાના શયનખંડમાં પહોંચી જાય છે. એનો ઇરાદો ‘શોક્ય’ બનેલી સ્ત્રીને ડંશ દઈને મારી નાખવાનો હતો, પરંતુ નાગ અને સ્ત્રી વચ્ચેનો પ્રેમ જોઈ એનું મન બદલાય છે. આગળ જતાં વાતનો ભેદ ખૂલે છે અને નાગણ તથા માનવસ્ત્રી બંને નાગની પત્ની તરીકે પ્રસન્ન જીવન વિતાવે છે. ચંદ્ર જેવી બંને પત્નીને સંતાનો જન્મે છે.
નાગ છૂપા ખજાનાના રક્ષક હોય તેવું જાણીતું કથાનક ઘણી લોકકથાઓમાં છે. ખંડેરો કે અપૂજ મંદિરોમાં સાપના નિવાસ હોવાથી તેને છૂપા ખજાનાના રક્ષક તરીકે કલ્પવામાં આવ્યા હોય તેવી શક્યતા પણ છે. લોકોને આવી કથાઓમાં એટલા માટે રસ પડે છે કે તેમાં માનવોના સદ્્ગુણો ને દુર્ગુણોનું પ્રતિબિંબ દેખાય છે. દુ:ખિયારી વ્યક્તિઓ માટે દયાભાવ, જરૂરતમંદને સહાય કરવાની ભાવના, વેરવૃત્તિ, કૃતજ્ઞતાની સાથે કૃતઘ્ન વ્યવહાર સર્પ જાતિનાં પાત્રોને માનવમન અને વ્યવહારની નજીક મૂકી દે છે. એમાં કથારસ પ્રધાન રહે છે.
[email protected]
x
રદ કરો

કલમ

TOP