દીવાન-એ-ખાસ- વિક્રમ વકીલ / પાકિસ્તાન : કમજોર ગુસ્સા બહુત

article by vikramvakil

Divyabhaskar.com

Aug 28, 2019, 05:11 PM IST

દીવાન-એ-ખાસ- વિક્રમ વકીલ
અક્કલ વગરનાં નિવેદનો કરીને ભાંગરો વાટવામાં કુખ્યાત પાકિસ્તાનીઓમાંના એક ઇમરાન ખાને થોડા દિવસ પહેલાં પોતાના પગ પર જ કુહાડો મારતું નિવેદન આપ્યું. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે, ભારત હવે પાકિસ્તાન પર બાલાકોટ કરતાં પણ વધુ ખતરનાક હુમલો કરશે. પુલવામાના આતંકી હુમલા પછી ભારતના લશ્કરે જ્યારે બદલો લેવા માટે બાલાકોટના આતંકવાદી કેમ્પનો નાશ કર્યો હતો ત્યારે આ જ ઇમરાન ખાને એવી ડંફાસ મારી હતી કે ભારત તરફથી કોઈ હુમલો થયો નથી. છેલ્લાં 72 વર્ષમાં પાકિસ્તાનના વડાપ્રધાનોથી માંડીને લશ્કરી વડાઓએ પણ એમની બુદ્ધિનું પ્રદર્શન વિશ્વ સમક્ષ વારંવાર કર્યું છે. પડ્યા પછી પણ તંગડી ઊંચી રાખવામાં પાકિસ્તાન વિશ્વમાં અવ્વલ નંબરે છે. ભારત સરકારે કાશ્મીરમાં જ્યારથી 370ની કલમ નાબૂદ કરી છે ત્યારથી પાકિસ્તાનીઓને એકાએક મર્દાનગીનો હુમલો આવ્યો છે. સોશિયલ મીડિયા પર જંખવાયેલા પાકિસ્તાનીઓએ ભારત સામે ઝેર ઓકવા માંડ્યું છે. ભારતીઓને ઉશ્કેરવા માટે પાકિસ્તાનીઓ કેટલાક વિકૃત વિડિયો વાઇરલ કરી રહ્યા છે. ભારતના રાષ્ટ્રધ્વજ ઉપર ગાયને સુવડાવીને અતિ ક્રૂરતાપૂર્વક ગાયના ગળા પર છરો ધીમે ધીમે ફેરવીને એની હત્યા કરવામાં આવે છે અને ટોળું જોર જોરથી રાક્ષસી અટ્ટહાસ્ય કરતું હોય એવો વિડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે. કેટલાક પાકિસ્તાનીઓ તો એવી ડંફાસ મારે છે કે 370 કલમની નાબૂદીને કારણે ભારતે હવે દિલ્હી પણ ગુમાવવું પડશે. પાકિસ્તાનીઓ મૂર્ખાઓના સ્વર્ગમાં તો વસવાટ કરી જ રહ્યા છે, પરંતુ ભારતના આંતરિક મામલામાં દખલ કરીને નફ્ફટાઇનું પ્રદર્શન પણ કરી રહ્યા છે. પોતાના દેશની હાલત આર્થિકથી લઇને સામાજિક તેમજ ડિફેન્સ ક્ષેત્રે કેટલી કંગાળ છે એની ખબર મોટા ભાગના પાકિસ્તાનીઓને છે જ, પરંતુ તેઓ હવામાં બાચકાં ભરી રહ્યા છે.
પાકિસ્તાન જાણે છે કે ભારત સાથે સીધું યુદ્ધ કરવાની ત્રેવડ એનામાં નથી એટલે છેલ્લા કેટલાક દાયકાઓથી વિવિધ આતંકવાદી સંગઠનો બનાવીને એમની મારફતે ભારતમાં હુમલા કરાવે છે. 1965, 1971 અને 1999નાં યુદ્ધો ખરાબ રીતે હાર્યા પછી પણ પાકિસ્તાનની સાન ઠેકાણે આવી નથી. આપણા દેશમાં દિલ્હીથી માંડીને મુંબઈ સુધી પાકિસ્તાને આતંકવાદીઓ ઘુસાડીને ખૂનામરકી કરી હતી. હવે છેલ્લાં પાંચ વર્ષથી ભારતે મજબૂતાઈથી આતંકવાદીઓનો સફાયો કરતાં પાકિસ્તાને સમસમીને બેસી રહેવું પડે છે. આપણામાં એક કહેવત છે કે ‘કમજોર ગુસ્સા બહુત’. આ કહેવત પાકિસ્તાનને બરાબર લાગુ પડે છે.
ગરીબ પાકિસ્તાનની આર્થિક હાલત વિશ્વ આખું જાણે છે. પાકિસ્તાનના 21 કરોડ લોકોમાંથી 5.5 કરોડ લોકો ગરીબાઇની રેખા નીચે જીવી રહ્યા છે. પાકિસ્તાનનો ‘હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ’ (એચડીઆઇ) બાંગ્લાદેશના એચડીઆઇ કરતાં પણ ઓછો છે. દક્ષિણ એશિયાના દેશોમાં પાકિસ્તાનનો એચડીઆઇ તળિયે છે. ફક્ત યમન, અફઘાનિસ્તાન અને સીરિયા જેવા દેશોનો જ એચડીઆઇ પાકિસ્તાન કરતાં પણ નીચો છે. પાકિસ્તાનમાં નીચેથી લઇને ઉપર સુધી એટલો બધો વ્યાપક ભ્રષ્ટાચાર છે કે ત્યાંની વસ્તીના 10 ટકા લોકોની કમાણી 27.6 ટકા જેટલી છે. જ્યારે નીચલા સ્તરના 10 ટકા લોકોની આવક ફક્ત 4.1 ટકા છે. યુનાઇટેડ ‘નેશન્સ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ’ પ્રમાણે પાકિસ્તાનમાં સ્ત્રીઓની હાલત સૌથી ખરાબ છે. અહીં સ્ત્રીઓની પર કેપીટા આવક વિશ્વના બીજા ગરીબ દેશો કરતાં પણ ઓછી છે. પાકિસ્તાનમાં બાળમૃત્યુનું પ્રમાણ દર હજારે 88 બાળકોનું છે.
અમેરિકા અને પશ્ચિમના બીજા દેશો સમક્ષ પાકિસ્તાને હંમેશાં ભીખનો કટોરો લઇને ગરીબડા ચહેરે ઊભા રહેવું પડે છે. વિદેશથી મળતી મદદમાંથી મોટા ભાગના પૈસા ત્યાંના રાજકારણીઓ અને લશ્કરી અધિકારીઓ ચાંઉ કરી જાય છે. પાકિસ્તાનમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર વચ્ચે ભારે તફાવત છે. પાકિસ્તાનના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો વિશ્વના સૌથી પછાત તરીકે ગણના પામ્યા છે. પશ્ચિમ પાકિસ્તાનના મોટા ભાગના પ્રદેશો તાલિબાન જેવા આતંકવાદી સંગઠનના કબજામાં છે.
પર્યાવરણના મુદ્દે પાકિસ્તાનીઓને કોઇ સભાનતા નથી. અહીં જંગલો આડેધડ કપાઈ રહ્યાં છે અને ઝેરી કેમિકલ ફેક્ટરીઓ કોઈપણ કાનૂની ચિંતા વગર ફૂલીફાલી રહી છે. વિશ્વના પર્યાવરણ શાસ્ત્રીઓએ પાકિસ્તાનને પર્યાવરણ બાબતે જીવતા બોમ્બ જેવું ગણાવ્યું છે.
આમ તો પાકિસ્તાન લોકશાહી દેશ ગણાય છે, પરંતુ ચૂંટણીમાં ઘાલમેલ પછી પણ ચૂંટાઇને આવેલા કોઇપણ વડાપ્રધાન કરતાં ત્યાંના લશ્કરના વડા હંમેશાં વધુ શક્તિશાળી રહ્યા છે. ત્યાંની જાસૂસી સંસ્થા આઇએસઆઇ અને લશ્કરી વડાની ઉપરવટ જવાની હિંમત વડાપ્રધાન તો ઠીક સુપ્રીમ કોર્ટના જજ પણ કરી શકતા નથી. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોથી માંડીને બેન્ઝીર ભુટ્ટો સુધીના વડાપ્રધાનોનાં અકુદરતી મોત થતાં રહ્યાં છે. પાકિસ્તાનના વડાપ્રધાનો થોડા મજબૂત થવા માંડે એટલે તરત જ લશ્કર બળવો કરીને સત્તા પચાવી પાડે છે અને નાટક પૂરતી ફરીથી ચૂંટણીઓ થાય છે.
આ લખાઇ રહ્યું છે ત્યારે પણ પાકિસ્તાન ભારત સામે યુદ્ધ કરવા પડકારો ફેંકી રહ્યું છે. જોકે, જે દેશમાં પ્રજાને બે ટંક ખાવાનાં પણ ફાંફાં છે અને જીવનરક્ષક દવાઓ પણ મળતી નથી ત્યારે ઇમરાન ખાને વધુ ડંફાસો મારવી જોઇએ નહીં. પાકિસ્તાનના વેપારી સંગઠને ચેતવણી આપી છે કે ભારતમાંથી આયાતના નિયમો હળવા નહીં બનાવાય તો કેન્સર અને ટીબી જેવા રોગની દવાઓ મળવી મુશ્કેલ બની જશે. આવી દવાઓ 100 ગણા ભાવો આપવા છતાં પણ ઉપલબ્ધ થશે નહીં. પાકિસ્તાનમાં મોટા ભાગની દવા બનાવવાનો કાચો માલ ભારત તરફથી જતો હતો અને હવે પાકિસ્તાને પોતે લાદેલાં બંધનોને કારણે ત્યાં દવાઓનું ઉત્પાદન ઠપ્પ થઈ ગયું છે.
સંરક્ષણ ક્ષેત્રે પણ પાકિસ્તાને આટલાં વર્ષોમાં કંઈ ઉકાળ્યું નથી. ભારતનું સંરક્ષણ બજેટ લગભગ 60 બિલિયન અમેરિકન ડોલર જેટલું છે. સામે પક્ષે પાકિસ્તાનનું લશ્કરી બજેટ માંડ 11.2 બિલિયન ડોલર જેટલું છે. ભારત પાસે લગભગ 15 લાખ જેટલા સૈનિકો છે સામે પક્ષે પાકિસ્તાન પાસે માંડ 6 લાખ 60 હજાર જેટલા જવાનો છે. બેટલ ટેન્ક, હેલિકોપ્ટર, એરક્રાફટ, સબમરીન જેવી બાબતોમાં પણ પાકિસ્તાન ભારત કરતાં ઘણું પાછળ છે. પાકિસ્તાન પોતે પણ જાણે છે કે ભારત પાસે મજબૂત સરકાર હોવાથી હવે જો કોઈપણ ડીંડવાણું કરવા ગયું તો એની ભારે તબાહી થવાની છે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાનનું ભારત માટેનું ઝેર જોતાં એ કોઈ પણ ગાંડપણ કરી શકે એમ છે. કમનસીબે ભારતમાંથી કેટલાક જયચંદો પાકિસ્તાનને ટેકો આપી રહ્યા છે. ખાસ કરીને સામ્યવાદીઓ, અર્બન નકસલો કહેવાતા પ્રગિતવાદીઓ, માઓવાદીઓ, બિનસંપ્રદાયિકો તેમજ કેટલાક રાજકીય પક્ષો કારણ વગર પાકિસ્તાનની તરફદારી કરતા રહે છે. આમ છતાં પાકિસ્તાન જો સરખું નહીં રહે તો હવે એવો માર ખાશે કે વર્ષો સુધી ભારત સામે આંખ ઊંચી કરવાનું ભૂલી જશે. આ જ વાત ભારતમાંના પાકિસ્તાની મળતિયાઓને પણ એટલી જ લાગુ પડે છે.
[email protected]

X
article by vikramvakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી