દીવાન-એ-ખાસ- વિક્રમ વકીલ / જ્યારે ‘કેદી’ ચાર્લ્સ શોભરાજે તિહાર જેલના જેલરને નોકરી અપાવી...

article by vikramvakil

Divyabhaskar.com

Jan 09, 2020, 03:17 PM IST
દીવાન-એ-ખાસ- વિક્રમ વકીલ
એમનું નામ સુનીલ ગુપ્તા. 1981માં મે મહિનાની સાતમી તારીખે રેલવેની નોકરી છોડીને તેઓ દિલ્હીની તિહાર જેલમાં ‘આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પ્રિઝન’ તરીકે જોડાવા માટે ગયા હતા. એપોઇન્ટમેન્ટ લેટર પાસે હોવા છતાં જેલના સુપરિન્ટેન્ડન્ટે એમને કહ્યું કે જેલમાં નોકરી માટે એમની પાસે કોઈ જગ્યા નથી. સુનીલ ગુપ્તાએ નિમણૂકપત્ર બતાવ્યો હોવા છતાં એની કોઈ અસર એસપી પર થઈ નહીં. તેઓ તિહાર જેલના સર્વેસર્વા હતા અને સરકારી કાગળને પણ ગણકારવાના મૂડમાં નહોતા. નિરાશ થઈને ગુપ્તા, એસપીની ઓફિસ બહાર બેઠા. એ જ વખતે જેકેટ-ટાઇ અને સ્માર્ટ કપડાંમાં સજ્જ ગોરી સરખી વ્યક્તિ ત્યાં આવી અને એકદમ શુદ્ધ અંગ્રેજીમાં ગુપ્તાને પૂછયું કે, ‘શું કામ છે તમારે.’ ગુપ્તાએ જ્યારે પોતાની તકલીફ વર્ણવી ત્યારે પેલી વ્યક્તિએ એમને કહ્યું કે, ‘ચિંતા નહીં કરો, હું કોઈ રસ્તો કાઢું છું.’ આટલું કહીને એ એસપીની ઓફિસમાં ગયો અને થોડી વારમાં ગુપ્તાના નામનો એપોઇન્ટમેન્ટ લેટર લઇને બહાર આવ્યો! ગુપ્તા તો ડઘાઇ જ ગયા. એપોઇન્ટમેન્ટ લેટર આપીને પેલી વ્યક્તિ તો ત્યાંથી ચાલી ગઈ. બાજુમાંથી પસાર થતી બીજી એક વ્યક્તિને ગુપ્તાએ પૂછયું ત્યારે એમને જવાબ મળ્યો કે ‘એ ચાર્લ્સ શોભરાજ છે. આમ તો એ કેદી તરીકે છે, પરંતુ જેલમાં એને બધા જેલના ‘સુપર આઇજી (સુપર ઇન્સ્પેક્ટર જનરલ) તરીકે જ ઓળખે છે. અહીં એમની સત્તા ચાલે છે. એકથી વધુ હત્યા કરવાના આરોપસર શોભરાજ જેલમાં કેદી હતો. ત્યાર પછી તિહાર જેલમાંથી એ ભાગી ગયો ત્યારે આખા દેશમાં એ જાણીતો બન્યો હતો. ગુપ્તાએ જ્યારે નોકરીની શરૂઆત કરી ત્યારે જોયું કે જેલમાં શોભરાજની કોટડી કોઈ ફ્લેટની જેમ સજાવવામાં આવી હતી. બાકીના કેદીઓ તેના નોકર હોય એ રીતે કામ કરતા હતા. જેલમાં શોભરાજને પોતાની રસોઈ જાતે બનાવવાની પણ છૂટ હતી.
આ તિહાર જેલ છે. તિહાર જેલમાં 35 વર્ષ સુધી જેલર તરીકે નોકરી કર્યા પછી નિવૃત્ત થયેલા સુનીલ ગુપ્તાએ ‘ધ બ્લેક વોરંટ’ નામનું પુસ્તક લખ્યું છે. જેલર ઉપરાંત ગુપ્તાએ વર્ષો સુધી જેલના પ્રવક્તા અને વકીલ તરીકે પણ કામગીરી કરી હતી. દેશની સૌથી જાણીતી ને સૌથી બદનામ તિહાર જેલના અનુભવો વિશે કેટલીક મજેદાર વાતો સુનીલ ગુપ્તાએ લખી છે. ટોચના રાજકારણીઓથી માંડીને ઉદ્યોગપતિઓ અને આતંકવાદીઓથી માંડીને બળાત્કારના ગુના આચરનારાઓ તિહાર જેલમાં કેદ થયા ત્યારે એમની સાથે થયેલા અનુભવો વિશે સુનીલ ગુપ્તાએ લખ્યું છે. પોતાના નોકરી કાળ દરમ્યાન 8 કેદીઓને ફાંસીના માંચડે ચઢતા ગુપ્તાએ જોયા હતા. બાળકોના હત્યારા બિલ્લા રંગાથી માંડીને ઇન્દિરા ગાંધીના હત્યારા સતવંતસિંહ અને સંસદ ભવન પર હુમલો કરનાર આતંકવાદી અફઝલ ગુરુ જેવાને ફાંસીના માંચડે ચઢતા ગુપ્તાએ જોયા છે. તિહાર જેલમાં જે બધા ગોરખધંધાઓ થાય છે, કેદીઓ પર અત્યાચાર થાય છે કે જેલમાં સત્તાની સાઠમારી માટે શું શું થાય છે એ બધા વિશે ગુપ્તાએ દિલ ખોલીને લખ્યું છે.
જેલની નોકરીની શરૂઆત કરી ત્યારે જ એમણે જોયું કે ચાર્લ્સ શોભરાજના પાવર વિશે જે એમણે સાંભળ્યું હતું એ બધું સાચું છે. શોભરાજ કદી એની કોટડીમાં બેસતો નહીં, પરંતુ હંમેશાં જેલની ઓફિસમાં જેલરની અદાથી બેસી રહેતો. પોતાને મનગમતું ફર્નિચર એણે જેલની કોટડીમાં મુકાવ્યું હતું અને પુસ્તકો મૂકવા માટેનું એક સેલ્ફ પણ બનાવડાવ્યું હતું. જેલના કેદીઓ અને જેલર વતી અરજીઓ લખવાનું કામ પણ શોભરાજ કરતો હતો. 10 વર્ષ જેલમાં રહ્યા પછી શોભરાજ જ્યારે જેલમાંથી ભાગ્યો હતો એ દિવસે ગુપ્તા રજા પર હતા. દૂરદર્શન પર સમાચાર સાંભળીને ગુપ્તા તરત જ જેલ પહોંચી ગયા. જેલના સુરક્ષા કર્મચારીઓ ઘેનની દવાની અસરમાં હોવાથી બોલી પણ શકતા નહોતા. પોતાનો જન્મદિવસ હોવાનું બહાનું કાઢીને શોભરાજે મીઠાઈની અંદર ઘેનની ગોળીઓ ભેળવીને ચોકિયાતોને ખવડાવી દીધી હતી. શોભરાજ જ્યારે ફરીથી પકડાયો ત્યારે ગુપ્તાએ એને પૂછયું કે, શા માટે એણે ભાગવાનું આયોજન કર્યું હતું. શોભરાજે હસતાં હસતાં એમને જવાબ આપ્યો હતો કે, ‘મને સનસનાટી ફેલાવવી ગમે છે.’
હત્યા અને બળાત્કારના આરોપીઓ રંગા અને બિલ્લાને 1982ની 31મી જાન્યુઆરીએ ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા ત્યારે સુનીલ ગુપ્તા ત્યાં હાજર હતા. ગીતા ચોપરા નામની 16 વર્ષની કિશોરી અને એના ભાઇનું અપહરણ કરીને ગીતા પર બળાત્કાર ગુજાર્યા બાદ ગીતા અને એના ભાઇની હત્યા કરવા માટે રંગા અને બિલ્લાને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી. 70ના દાયકાના અંતમાં આખા દેશમાં આ કેસ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો અને બિલ્લા તેમજ રંગા પ્રત્યે ચારે તરફથી ધિક્કાર વરસી રહ્યો હતો. ગુપ્તા લખે છે કે ‘રંગા અને બિલ્લામાં ઘણો ફેર હતો. ફાંસીની સજા જાહેર થઈ હોવા છતાં રંગા હંમેશાં હસતો જ રહેતો હતો જ્યારે બિલ્લા હંમેશાં ડરેલો રહેતો હતો.’ ફાંસી પર ચઢવાની આગલી રાતે રંગાએ શાંતિથી એનું ભોજન આરોગ્યું અને આરામથી સૂવા ચાલ્યો ગયો. બીજી તરફ બિલ્લા આખી રાત જાગતો રહ્યો અને બધાને કહેતો રહ્યો કે એ નિર્દોષ છે. બિલ્લાને રડતો જોઇને રંગા બોલતો હતો કે ‘દેખો, મર્દ હોકે રો રહા હે.’ બંનેને ફાંસી આપવામાં આવી ત્યારે પણ બિલ્લા રડતો હતો અને રંગા હસતો હતો. બે કલાક પછી જ્યારે ડોક્ટરે તેમને તપાસ્યા ત્યારે બિલ્લાને મરેલો જાહેર કરવામાં આવ્યો, પરંતુ રંગાની નાડી હજુ ધબકી રહી હતી! આ એક વિચિત્ર પરિસ્થિતિ હતી. આવી પરિસ્થિતિ હોય ત્યારે શું કરવું એ માટે જેલના મેન્યુઅલમાં કોઈ ઉલ્લેખ ન હતો. છેવટે એવું નક્કી થયું કે જેલના સ્ટાફની એક વ્યક્તિ રંગાના લટકતા શરીર નીચે આવેલા કૂવામાં ઊતરે અને રંગાનો પગ પકડી જોરથી ખેંચે. આમ કરવાથી છેવટે રંગાના શ્વાસ બંધ
થયા હતા.
પોતાના કાર્યકાળ દરમ્યાન સુનીલ ગુપ્તાએ અનેક કેદીઓને બેહાલ થતા જોયા છે, પરંતુ એ બધામાં એમને આતંકવાદી અફઝલ ગુરુનો કિસ્સો સૌથી યાદગાર લાગ્યો છે. સંસદ ભવન પર હુમલો કરવા માટે અફઝલ ગુરુને જ્યારે ફાંસી આપવાની તારીખ નક્કી થઈ ત્યારે એની જાણ ગુરુને છેલ્લી ઘડીએ કરવામાં આવી હતી. ફાંસી માટેના વોરંટને ‘બ્લેક વોરન્ટ’ કહેવામાં આવે છે. આ ‘બ્લેક વોરંટ’ મેળવવાની જવાબદારી સુનીલ ગુપ્તાની હતી. ‘બ્લેક વોરંટ’ લેવા માટે ગુપ્તા ન્યાયાધીશ પાસે ગયા ત્યારે ન્યાયાધીશે ચાર દિવસ પછીની તારીખ આપી. યોગાનુયોગ એ દિવસ શુક્રવાર હતો. ઇન્ટેલિજન્સ એજન્સીઓને લાગ્યું કે અફઝલને ફાંસી આપવાની વાત જો કાશ્મીરમાં ફેલાશે તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી શકે એમ છે. સુનીલ ગુપ્તાએ છેવટે જજને સમજાવીને ફાંસીનો દિવસ શનિવારનો નક્કી કરાવ્યો. એ વખતે કોઈ ફાંસી આપનાર જલ્લાદ મળી શક્યો નહીં એટલે જેલના જ એક કર્મચારીને ફાંસી આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ફાંસી આપતા પહેલાં ગુનેગારના વજન જેટલી જ રેતીની ગુણોને દોરડા સાથે લટકાવીને ટ્રાયલ લેવામાં આવે છે. બીજી જેલમાંથી લાવવામાં આવેલા દોરડા પર આ ગુણો બાંધી તો દોરડું તૂટી ગયું. એ દોરડું ત્યારે લાવવામાં આવ્યું હતું જ્યારે 7 વર્ષ પહેલાં અફઝલને ફાંસી આપવાનું નક્કી થયું હતું. ફરીથી વજન અને ઊંચાઇની ચકાસણી કરીને બિહારથી 860 રૂપિયાની કિંમત ચૂકવીને બીજું દોરડું મંગાવવામાં આવ્યું. આ દોરડું પણ તૂટી ગયું. ત્રીજી વખત લાવવામાં આવેલું દોરડું મજબૂત પુરવાર થયું. ગુરુને ખબર નહોતી કે એને લટકાવી દેવામાં આવવાનો છે. ફાંસી પર લટકાવવાની સવારે ગુરુને જાણ કરવામાં આવી કે એ હવે થોડા કલાકનો જ મહેમાન છે. ગુરુએ ચા પીવાની ઇચ્છા વ્યક્ત કરી અને ચા પીતી વખતે ગુપ્તાને કહ્યું કે એ આતંકવાદી નથી, પરંતુ ફક્ત ભ્રષ્ટ રાજકારણીઓ સામે એ લડવા માંગતો હતો. ત્યાર પછી એણે જૂની ફિલ્મ બાદલનું ગીત ગાવાનું શરૂ કર્યું. ‘અપને લિયે જીયે તો ક્યા જીએ...’ ગુપ્તા લખે છે કે અફઝલ ગુરુને ગાતો સાંભળીને એકાએક પોતે પણ એની સાથે ગીત ગાવા માંડ્યા હતા. અફઝલે ફરીથી ચા પીવાની ઇચ્છા વ્યક્ત કરી, પરંતુ જેલમાં ચા પૂરી પાડતો નોકર ચાલ્યો ગયો હોવાથી અફઝલ ગુરુને ફાંસી પહેલાં ફરીથી ચા મળી શકી નહોતી.
[email protected]
X
article by vikramvakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી