દીવાન-એ-ખાસ- વિક્રમ વકીલ / મોદીને ખુશ કરનાર બેયર ગ્રિલ્સ કોણ છે?

article by vikram vakil

Divyabhaskar.com

Aug 08, 2019, 05:27 PM IST

દીવાન-એ-ખાસ- વિક્રમ વકીલ
દુનિયાની સૌથી વધુ વસ્તીવાળા લોકશાહી દેશના વડાપ્રધાનને મળવું સહેલું નથી. મીડિયામાં મુલાકાત માટે એમની પાસે સમય મેળવવો વધુ અઘરો છે અને કોઈ ટેલિવિઝનના ખાસ કાર્યક્રમમાં આઉટડોર શૂટિંગ માટે એમને મનાવવા તો લગભગ અશક્ય કહી શકાય. એટલે જ જ્યારે ડિસ્કવરી ચેનલનાં ખૂબ જ લોકપ્રિય કાર્યક્રમ ‘મેન વર્સિસ વાઇલ્ડ’ના એક એપિશોડમાં ભાગ લેવા માટે નરેન્દ્ર મોદી સંમત થયા એને નવાઈજનક કહેવા કરતાં પણ કાર્યક્રમના હોસ્ટ બેયર ગ્રિલ્સની લોકપ્રિયતા અને ક્રેડિબિલિટીને સલામ કરવી પડે. આપણા દેશમાં ભલે નરેન્દ્ર મોદીને કારણે બેયર ગ્રિલ્સનું નામ ચમક્યુ, પરંતુ પશ્ચિમના દેશોમાં એનાં સાહસિક કારનામાંઓને કારણે બેયર ગ્રિલ્સ ઘણાં વર્ષોથી ઘેરઘેર જાણીતા છે.
44 વર્ષના બ્રિટિશ નાગરિક બેયર ગ્રિલ્સનું આખું નામ માઇકલ એડવર્ડ ગ્રિલ્સ છે. ભારતના જે દર્શકો ડિસ્કવરી ચેનલ પર ‘મેન વર્સિસ વાઇલ્ડ’ જેવા શો નિહાળે છે તેમણે વિશ્વના સૌથી ખતરનાક અને ગાઢ જંગલોમાં જીવતા સાપ, મરેલા ઉંદરો કે રણપ્રદેશમાં મરેલા ઊંટનાં આંતરડાંમાં રહેલા મળમાંથી પાણી નિચોવીને સર્વાઇવ થતાં બેયર ગ્રિલ્સને જોયો હશે. હિમાલય જેવા પહાડોની ટોચ પર ચઢવાથી માંડીને સૌથી ઊંચાઇએ ડિનર પાર્ટી કરવી કે માઇનસ 40 ડિગ્રી ઠંડીમાં થીજી ગયેલા બરફમાં ગાબડું પાડી ખોરાક માટે માછલી શોધવા ફક્ત ચડ્ડીભેર જવા જેવાં કામ બેયર ગ્રિલ્સે કર્યાં છે. બેયર ગ્રિલ્સે ફક્ત ડિસ્કવરી ચેનલ માટે જ કામ નથી કર્યું, પરંતુ ચેનલ 4 માટે ‘ધ આઇલેન્ડ વિથ બેયર ગ્રિલ્સ’, ‘ગેટઆઉટ અલાઈવ’ તેમજ એનબીસી જેવી ચેનલ માટે ‘ધ આઇલેન્ડ એન્ડ રનિંગ વાઇલ્ડ વિથ બેયર ગ્રિલ્સ’ જેવા અતિ લોકપ્રિય શો પણ કર્યા છે. જીવના જોખમે અને કદાચ આત્મઘાતી કહી શકાય એ હદે જઈને બેયર ગ્રિલ્સે એટલા બધા સાહસિક શો કર્યા છે કે એ અતિ વૈભવી લાઇફસ્ટાઇલથી એક ખાનગી ટાપુ પર રહી શકે છે. બેયર ગ્રિલ્સની માર્કેટ વેલ્યૂ 20 મિલિયન અમેરિકન ડોલર જેટલી છે. ટાપુ પર જે ઘરમાં બેયર રહે છે એ 100 વર્ષ જૂની દીવાદાંડીમાંથી બનાવવામાં આવ્યું છે. લગભગ 80 કરોડ રૂપિયામાં બેયરે જૂની દીવાદાંડી ખરીદી હતી.
બેયર ગ્રિલ્સનો જન્મ લંડનમાં થયો હતો. ગ્રિલ્સના પિતા અને દાદા બંને ઉચ્ચ કક્ષાનું ક્રિકેટ રમ્યા હતા. બાળપણથી જ ગ્રિલ્સને ડુંગરો ચઢવાનો અને પિતા સાથે દરિયામાં હોડી લઇને નીકળી પડવાનો શોખ હતો. યુવાવસ્થામાં જ એ દરિયાઇની ઊંડાઈમાં ડૂબકી મારવાનું પણ શીખ્યો હતો. કોલેજકાળ દરિમયાન ગ્રિલ્સે ઊંચા પહાડો ચઢવાનો અભ્યાસ કર્યો હતો. તેમજ સ્પેનિશ, જર્મન અને ફ્રેન્ચ ભાષા પણ શીખી લીધી હતી.
અભ્યાસ પૂરો કર્યા પછી બેયર ગ્રિલ્સ ભારત આવીને સિક્કીમ અને પશ્ચિમ બંગાળ તરફથી હિમાલયના પર્વતો ચઢ્યો હતો. ત્યાર પછી એણે બ્રિટિશ લશ્કરમાં પણ કામ કર્યું. કઠિન પરિસ્થિતિમાં કઈ રીતે બચવું એ વિશે વિદ્યાર્થીઓને શીખવવા માટે બ્રિટિશ લશ્કરે એને ઉત્તર આફ્રિકામાં પોસ્ટિંગ આપ્યું હતું. કેન્યા ખાતે પેરાશૂટ દ્વારા કૂદકો મારતા એને ગંભીર ઇજાઓ થઈ અને એણે લશ્કર છોડવું પડ્યું. બેયરે આપેલી સેવાઓ બદલ બ્રિટિશ આર્મીએ એને ‘લેફ્ટનન્ટ કમાન્ડર’નો હોદ્દો આપ્યો હતો.
ફક્ત 23 વર્ષની ઉંમરે બેયર ગ્રિલ્સે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. માઉન્ટ એવરેસ્ટ ચઢ્યાના થોડાં વર્ષ પછી બેયર અને એમના કેટલાક મિત્રોએ એક સામાન્ય બોટ પર સવાર થઈને ઉત્તર એટલાન્ટિક દરિયો પસાર કર્યો હતો. 2005માં બલૂન ચઢાવવાના નિષ્ણાત ડેવિડ હેમ્પલિમેન સાથે એણે એક વિશ્વ વિક્રમ કરવાનું નક્કી કર્યું. આકાશમાં સૌથી ઊંચાઈ પર ડિનર લેવાનો રેકોર્ડ બંનેએ મળીને સ્થાપ્યો હતો. લગભગ 25,000 ફૂટ ઉપર બલૂન ચઢાવીને ઓક્સિજન માસ્ક સહિતનાં કપડાં પહેરીને એમણે ડિનર લીધું હતું. આ સિદ્ધિ મેળવવા માટે ગ્રિલ્સે 200 વખત પેરાશૂટ્સ દ્વારા કૂદવાની તાલીમ પણ લીધી હતી. 2007ના વર્ષમાં બેયર ગ્રિલ્સે માઉન્ટ એવરેસ્ટ પરથી પેરાગ્લાઇડિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા. 14,500 ફૂટની ઊંચાઇથી ચાલુ કરીને 29,500 ફૂટની ઊંચાઇ સુધી એ પહોંચ્યો ત્યારે માઇનસ 60 ડિગ્રી ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. આ આખા સાહસનો શો ડિસ્કવરી ચેનલ તેમજ ચેનલ 4 પરથી રિલીઝ થયો હતો.
જરૂરિયાતમંદ બાળકો માટે ફંડફાળો ઉઘરાવવાના હેતુથી બેયર ગ્રિલ્સે 2008ના વર્ષમાં એન્ટાર્કટિકાના એવાં શિખરો સર કર્યાં હતાં કે એ પહેલાં ત્યાં કોઈ ગયું નહીં હોય. એ જ વખતે કાઇટ સ્કી કરીને બેયરે બરફનું રણ પસાર કર્યું હતું. આ સાહસ કરતી વખતે એના શરીર પર એટલી ઈજાઓ થઈ હતી કે પરત ફર્યા પછી ઘણા મહિનાઓ સુધી એણે હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું.
બેયર ગ્રિલ્સ ફક્ત શારીરિક કષ્ટ પડે એવા શો માટે પ્રખ્યાત નથી. લેખનકળામાં પણ એ એટલો જ પાવરધો છે. એણે લખેલાં પુસ્તકોની યાદી જોશો તો આ વાતનો ખ્યાલ આવશે. ‘ફેસિંગ ઓફ ધ કીડ હુ ક્લાઇમ્બ્ડ એવરેસ્ટ’, ‘ફેસીંગ ધ ક્રોઝન ઓશિયન’, ‘બોર્ન સર્વાઇવર : બેયર ગ્રિલ્સ’, ‘બેયર ગ્રિલ્સ આઉટ ડોર એડવેન્ચર્સ’, ‘મડ, સ્વીટ એન્ડ ટિયર્સ : ધ ઓટોબાયોગ્રાફી’, ‘અ સર્વાઇવલ ગાઇડ ફોર લાઇફ’, ‘ટ્રુ ગ્રીટ’, ‘મિશન સર્વાઇવલ’ જેવાં પુસ્તકો લખીને પણ બેયર ગ્રિલ્સ ધૂમ કમાયો છે.
‘મેન વર્સિસ વાઇલ્ડ’ સિવાયના પણ ઘણા ટીવી શોમાં બેયર ગ્રિલ્સ ચમકતો રહે છે. અમેરિકા અને બ્રિટનના ટીવી પર આવતા મોટા ભાગના લોકપ્રિય શોમાં બેયર ગ્રિલ્સ ચમકી ચૂક્યો છે. બેયરના શોમાં જેમ હવે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે એ જ રીતે ભૂતકાળમાં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા પણ એક વખત ચમક્યા હતા.
કેટલાકને કદાચ લાગતું હશે કે બેયર ગ્રિલ્સના સાહસિક શો મેનેજ તો થયા નહીં હોય ને? જોકે, અમેરિકા અને બ્રિટનના મોટા ભાગના પ્રોડ્યુસર્સ માને છે કે બેયર ગ્રિલ્સે જંગલથી માંડીને રણ અને આકાશથી માંડીને પેટાળમાં જઇને જે કારનામાંઓ કર્યાં છે એ શંકાથી પર છે અને બેયર ગ્રિલ્સે એનો જીવ જોખમમાં નાખવા આ હદે જવું જોઇએ નહીં. જાતજાતનાં પ્રાણીઓ, પ્રાણીઓનાં અંગો, ચિત્રવિચિત્ર જીવજંતુઓ જે રીતે બેયર ગ્રિલ્સે ઓહિયા કર્યાં છે એ જોઇને આપણને ચીતરી ચઢે તો બેયર ગ્રિલ્સના પેટની શું હાલત થતી હશે? જોકે, બેયર ગ્રિલ્સ કહે છે કે : ‘તમારી પાસે સર્વાઇવ થવા માટે કોઈ બીજો રસ્તો ન હોય ત્યારે કઈ રીતે જીવ બચાવી શકાય એ માટે જે કરવું પડે એ બધું હું કરું છું.’
બેયર ગ્રિલ્સની વાત સાચી છે, કારણ કે આશરે 40 વર્ષ પહેલાં ફૂટબોલના ખેલાડીઓને લઈ જતું વિમાન બરફના રણમાં તૂટી પડ્યું હતું ત્યારે પોતાના સાથી મિત્રોનું માંસ ખાઇને કઈ રીતે બાકીના ખેલાડીઓ સર્વાઇવ થયા હતા એ વિશે તો ઘણાં પુસ્તકો પણ લખાઈ ચૂક્યાં છે.
હવે જ્યારે 12મી ઓગસ્ટે રાત્રે બેયર ગ્રિલ્સ અને નરેન્દ્ર મોદી ડિસ્કવરી ચેનલ પર ‘મેન વર્સિસ વાઇલ્ડ’ના શોમાં સાથે જોવા મળશે, ત્યારે દર્શકો બેયર ગ્રિલ્સને જોવા માટે ટીવી ઓન કરશે કે નરેન્દ્ર મોદીને જોવા માટે એ ચર્ચામાં પડવું નકામું છે!
[email protected]

X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી