Back કથા સરિતા
પંડિત વિજય શંકર મહેતા

પંડિત વિજય શંકર મહેતા

(પ્રકરણ - 46)
લેખક ધર્મ, પુરાણના પ્રખર અભ્યાસુ, સર્જક અને વક્તા છે.

સ્વભાવથી જ શરણાગત વત્સલ છે શ્રીરામ

  • પ્રકાશન તારીખ17 Oct 2019
  •  
રામાયણ કથા- પં. વિજયશંકર મહેતા
જીવનમાં સફળતા મેળવી લો ત્યારે સફળતા સાથે સૌપ્રથમ કામ એ કરવું કે મન, વચન અને કર્મથી એક થઈ જવું. કહેવું કે સાંભળવું બહુ સરળ છે, પણ ખરેખર આ અઘરું કામ છે. મન, વચન અને કર્મમાં એકાત્મકતા લાવવામાં પરિશ્રમની જરૂર પડે છે. આ એકાત્મકતાનો અર્થ છે તમે જે વિચારો છો તે જ બોલો અને જે વિચારીને બોલો છો એ જ કરો.
મન, વચન અને કર્મમાં એક થઈ જવાથી જ સફળતાને પચાવી શકશો. તમે જે ઈચ્છો અને પરમાત્મા પણ એ કરવા માંડે તો એનાથી મોટી સફળતા બીજી કઈ હોઈ શકે!
આ તરફ લંકામાં હનુમાને આપેલો મંત્ર વિભીષણના મનોમસ્તિષ્કમાં વસી ગયો હતો. તે રાવણ પાસે જતો અને હાથ જોડીને વિનંતી કરતો, ‘સીતાજીને પાછા સોંપી દો...’
એક દિવસ ફરીથી કહ્યું, ‘શ્રીરામ સાથે વેર ન બાંધશો ભાઈ...!’ રામ પ્રત્યે ‘શ્રી’ સાંભળતાં જ રાવણ ક્રોધે ભરાયો અને વિભીષણને લાત મારતાં કહી દીધું કે લંકામાંથી જતો રહે. પહેલાં હનુમાનજીનો મંત્ર અને પછી રાવણની જબરદસ્ત લાતની વિભીષણ પર એવી અસર થઈ કે તેઓ રામજી પાસે જવા તૈયાર થઈ ગયા. વિભીષણ રામસેનાની શિબિરમાં ગયા ત્યારે રામજીએ સાથીઓનો વિચાર જાણ્યો કે હવે શું કરવું જોઈએ? સુગ્રીવે કહ્યું, ‘પ્રભુ, આવી યુદ્ધની સ્થિતિ હોય ત્યારે અજાણ્યા પર ભરોસો કરવો યોગ્ય નથી. એ આપણા શત્રુનો ભાઈ છે. બની શકે કે છળકપટથી આપણો ભેદ જાણવા માટે આવ્યો હોય. આપણે એને બંદી બનાવી લઈએ.’
વિભીષણ વિશે સુગ્રીવના વિચાર સાંભળીને હનુમાનજીને ચિંતા થઈ કે હું તો એમને રામ શરણાગતિનું આમંત્રણ દઈને આવ્યો હતો, પણ સુગ્રીવ કહે છે એને બંદી બનાવી લો. આ તો વિભીષણ સાથે અન્યાય થશે. ભગવાન અંતર્યામી હતા. તેમણે કહ્યું, ‘સુગ્રીવ, તમારી વાત નીતિની છે, પણ તમારા વિચારોમાં કંઈ ગરબડ લાગે છે. તમે તો લક્ષ્મણ અને મને પણ વાલીના ગુપ્તચર સમજી બેઠા હતા. તમે એમને ન ઓળખી શક્યા ત્યારે તમે કોની મદદ લીધી હતી? તો આજે પણ હનુમાનની જ મદદ લઈએ.’
એ પછી હનુમાનજીને પૂછ્યું. તેમણે કહ્યું, ‘હું તેમને બહુ સારી રીતે ઓળખું છું. એ તો રામભક્ત છે. એમને આશરો આપવામાં જરાય ખોટું નથી.’ શ્રીરામ હનુમાનજીનો ભાવ સમજી ગયા. તેઓ મનોમન હસ્યા અને પાણી મંગાવીને રાજતિલક કરતા એ જાહેરાત કરી દીધી કે, ‘આજથી તમે લંકાના રાજા છો.’
શ્રીરામ તો સ્વભાવથી જ શરણાગત વત્સલ હતા. તેમનો નિયમ હતો કે જે પણ તેમના આશ્રયમાં આવશે એમને ખાલી હાથે નહીં મોકલે. સૌથી મોટા શત્રુ પ્રત્યે પણ તેમના મનમાં ખરાબ વિચાર કે કાવતરું નહોતું. તેથી આજે પણ શ્રીરામ લોકોમાં
પૂજ્ય છે.
સાર : જ્યારે મનુષ્ય મન, વચન અને કર્મથી એક થઈ જાય છે ત્યારે બધું એ રીતે જ થશે જે તે ઈચ્છે છે. તમે જે ઈચ્છો અને પરમાત્મા પણ એ કરવા માંડે તો એનાથી મોટી સફળતા બીજી કઈ હોઈ શકે! Á
x
રદ કરો

કલમ

TOP