રામાયણ કથા- પં. વિજયશંકર મહેતા / શક્તિ મેળવવાની એક યુક્તિ સત્સંગ છે

article by vijayshanker mehta

Divyabhaskar.com

Jul 25, 2019, 04:09 PM IST

રામાયણ કથા- પં. વિજયશંકર મહેતા
હનુમાનજીનું કામ ભક્તોને સમજાવવાનું અને તેમને યોગ્ય દિશા બતાવવાનું, તેમના જીવનમાં ભગવાન રામને આત્મસાત્ કરવાનું અને શ્રીરામ સુધી પહોંચાડવાનું છે. જે તેમની વાત માની લે તેમનો બેડો પાર! જેમણે તેમનો મંત્ર જીવનમાં અપનાવી લીધો તો તેમણે ધરતી પર રામને પામી લીધા એમ કહેવાય.
હનુમાનજીએ સમજાવ્યું અને વિભીષણને વાત સમજાઇ ગઇ. તેમણે રાવણનો વિરોધ કરતા તેને સમજાવવાનું શરૂ કર્યું. ભરી સભામાં લાત ખાધી અને રામ મળી ગયા અને જીવન ધન્ય થઇ ગયું. આ રીતે વિભીષણને શ્રીરામ સુધી પહોંચાડનારા હનુમાનજી જ હતા. આ જ એ લોકોના એ પ્રશ્નનો જવાબ છે કે હનુમાનને વિભીષણને કયો મંત્ર આપ્યો હતો?
વિભીષણ હનુમાનજીને શા માટે અને કેવી રીતે મળી ગયા? ઘણા લોકોના મનમાં આવો સવાલ ઊભો થાય છે. એનો જવાબ એ છે કે રાક્ષસોની વચ્ચે લંકામાં રહીને વિભીષણના ઘરમાં છ વિશેષતાઓ હતી. એ વિશેષતાઓ તેની ઇશ્વર પ્રત્યેની ભક્તિને પ્રમાણિત કરતી હતી અને આજે આપણા બધાના ઘરમાં પણ હોવી જોઇએ. આ છ બાબતોની ઉપસ્થિતિથી પરમાત્મા જીવનમાં આવી શકે છે.
પહેલી બાબત ઘરમાં એક પૂજાઘર એટલે કે મંદિર હોય. શ્રદ્ધાનું સર્વસ્વીકૃત સ્થાન હોય.
બીજું, વિભીષણના ઘરમાં હતું એવું શુભ ચિહ્ન અંકિત થયેલું હોવું જોઇએ. ત્રીજી બાબત તેના આંગણામાં તુલસીનો છોડ હતો. તુલસી એ સંતોષનો છોડ છે. તેનો વાસ જીવનમાં સંતોષ આપે છે. ચોથી બાબત, સવારમાં ઊઠતાવેંત ઘરમાં શુભ વાક્યો બોલો. સવારે ઊઠીને એકબીજાને જુઓ અને મળો ત્યારે ‘રામ- રામ’, ‘જય શ્રીકૃષ્ણ’, ‘જય શ્રીરામ’ બોલો. ‘રામ- રામ’ ન બોલી શકો તો ઊઠતાવેંત એકબીજાને જોઇને મીઠું સ્મિત આપો. સ્મિત આપવું એ પણ રામનામનું જ કામ કરે છે. પાંચમી બાબત સંતોનો સત્સંગ જરૂર કરો. સાધુસંતોને તમારા ઘરે પધારવા માટેનું આમંત્રણ આપતા રહો.
એવું કહેવાય છે કે જ્યારે સંતની પધરામણી કોઇના ઘરે થાય ત્યારે તે પોતાનું પુણ્ય આપીને અને પાપને પોતાની સાથે લઇને જાય છે. તમારું અહિત સાથે લઇને જાય છે અને હિત તમારી પાસે મૂકીને જાય છે. એટલા માટે સાધુસંતોની અવરજવર ઘરમાં રહે એવો પ્રયત્ન કરો અને છઠ્ઠી બાબત યુક્તિ હતી. વિભીષણે યુક્તિ બતાવી કે સીતાજી ત્યાં અશોકવાટિકામાં છે. એનો અર્થ એવો થાય કે સમાજમાં સીતાજી એટલે કે શક્તિ-ભક્તિની શોધ માટે યુક્તિ અજમાવતા રહેવી. સત્સંગ પણ ભક્તિને પામવા માટેની એક યુક્તિ છે.
આ છ વિશેષ બાબતોને લીધે વિભીષણના જીવનમાં હનુમાનજી આવ્યા અને હનુમાનજી આવ્યા તો રામજી પણ મળી ગયા.
સાર: જીવનમાં સંતોની સંગત અચૂક કરવી. જ્યારે સંત કોઇના ઘરે પધરામણી કરે ત્યારે તે પુણ્ય મૂકીને જાય છે અને પાપને સાથે લઇને જાય છે.

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી