આપણી વાત- વર્ષા પાઠક / એમના શબ્દભંડોળમાં દેખાતી ખોટ ક્યારેય નહીં પુરાય?

article by varsha pathak

Divyabhaskar.com

Aug 14, 2019, 04:48 PM IST

આપણી વાત- વર્ષા પાઠક
ચારેક વર્ષ પહેલાંની વાત છે. મુંબઈના એક અપર મિડલ ક્લાસ યુગલને ત્યાં લગ્નના બહુ લાંબા સમય પછી દીકરીનો જન્મ થયો. હોંશે હોંશે એમણે પરિચિતોને મેસેજ મોકલ્યો, એમાં લખ્યું હતું કે ‘અમારે ત્યાં સિન્ડ્રેલાનો જન્મ થયો છે.’ વર્ષોની વાટ પછી માતા-પિતા બનેલાં દંપતીનો આનંદ સમજી શકાય એવો હતો. દીકરી એમને પ્રાણથી યે વહાલી લાગતી હશે, પરંતુ સિન્ડ્રેલા? આ દંપતી વૅલ એજ્યુકેટેડ છે, એમણે સિન્ડ્રેલાની સ્ટોરી નહીં સાંભળી હોય અને સાંભળ્યા પછી યે સાત ખોટના સંતાન માટે કોઈ સિન્ડ્રેલા જેવું નામ કે વિશેષણ કે લાડકું નામ રાખી શકે?
કદાચ પરીકથા કે ઇતિહાસનાં અમુક નામ બોલવા, સાંભળવામાં એટલાં સારાં લાગે છે કે વધુ વિચાર કર્યા વિના આપણે આડેધડ વાપરી નાખીએ છીએ અને ખરેખર માનીએ છીએ કે ‘હું કેટલું સારું બોલ્યો કે બોલી’. હમણાં ગુજરાતી ભાષાના સહુથી જાણીતા, સહુથી પ્રોલિફિક પત્રકાર અને દિવ્ય ભાસ્કરના કટારલેખક કાંતિ ભટ્ટનું અવસાન થયું. એમના ટીકાકારો ઓછા નહોતા, પરંતુ એક વાત નિર્વિવાદ કે ગુજરાતી છાપાં અને સામયિકો વાંચતી બે આખીયે પેઢીના લોકોએ કાંતિ ભટ્ટને જેટલો પ્રેમ આપ્યો એટલો કદાચ બીજા કોઈ પત્રકારને નથી આપ્યો. સ્વાભાવિક રીતે એમનું અવસાન થયું એટલે સમાજના મોટા, મહત્ત્વના ગણાતા લોકોએ એમને શ્રદ્ધાંજલિ આપી. એમાં મેં ત્રણ-ચાર વાર કાંતિભાઈ માટે ગુજરાતી પત્રકારત્વના ભીષ્મ પિતામહ જેવો શબ્દ વપરાતો સાંભળ્યો. પહેલી નજરે આ નામ-વિશેષણમાં કંઈ વાંધાજનક ન લાગે, ઊલટું મહાભારતના સહુથી આદરણીય, ગરવા પાત્ર સાથે કોઈની સરખામણી થાય એટલે એ વ્યક્તિનું બહુમાન થયું હોવાનું લાગે, પરંતુ પછી પોતાની લાડકી પુત્રી માટે સિન્ડ્રેલા શબ્દ વાપરનારાં મા-બાપ યાદ આવી ગયાં. આમ તો સિન્ડ્રેલા સાવ નબળી ભીરુ દુઃખી છોકરી હતી, જેનામાં સાવકી માતા અને બહેનોના અત્યાચાર સામે અવાજ ઉઠાવવાની હિંમત નહોતી અને છેવટે માત્ર એના રૂપ પર મોહી પડેલો રાજકુમાર આવ્યો ત્યારે એ અબળાનો ઉદ્ધાર થયો. બાકી સિન્ડ્રેલાએ એની જિંદગીમાં વખાણવા જેવું એકેય કામ નહોતું કર્યું. ટૂંકમાં, કોઈ છોકરી માટે સિન્ડ્રેલા રોલમોડેલ ન હોવી જોઈએ, પણ આટલું કોણ વિચારે? કદાચ બીજા લાખો કરોડો લોકોની જેમ પેલા ઉત્સાહી માતા-પિતાએ એટલું જ યાદ રાખ્યું કે સિન્ડ્રેલા બહુ બ્યૂટીફૂલ હતી અને એમની પોતાની દીકરી પણ કંઈ કમ નહોતી.
ચાલો, આ માતા-પિતાનું ભોળપણ કદાચ માફ કરી દઈએ, પણ સાહિત્ય, પત્રકારત્વ, કેળવણી જેવાં ક્ષેત્રોમાં મોટું નામ ગણાતા હોય એ લોકો કાંતિ ભટ્ટ માટે ભીષ્મ પિતામહ જેવા વિશેષણ ફંગોળે ત્યારે પૂછવાની ઇચ્છા થાય, ‘એટલે?’ કોઈપણ ક્ષેત્રમાં પાયાનું, અતિ મહત્ત્વનું કાર્ય કરનાર અને પછી બીજાઓ માટે રસ્તો તૈયાર કરનાર વ્યક્તિને સંબંધિત ક્ષેત્ર કે મિશનના ભીષ્મ પિતામહ કહેવાનો ચીલો આપણે ત્યાં છે, પરંતુ કોઈ પણ ક્ષેત્રમાં ભીષ્મ એક જ હોય, એના પછી આવનારા ગમે તેટલા પ્રતિભાવંત હોય તોયે અર્જુન કે દુર્યોધન જ કહેવાય, પણ આવાં નામોમાં ભીષ્મ જેટલું વજન પડતું નથી એટલે આપણે વારંવાર, વગર વિચાર્યે કોઈ પણ ક્ષેત્રમાં મહત્ત્વનું કામ કરનારને ભીષ્મ પિતામહ કહી દઈએ છીએ. બીજું કંઈ ન સૂઝે ત્યારે આવા વિશેષણ કે તુલનાનો સહારો લેવો પડે. આવાં વિશેષણોની જેમ જ અમુક વાક્યો પણ એવાં છે જે દરેક જાણીતી વ્યક્તિના અવસાન વખતે કામ આવે છે અને બધાને આવડે છે. એમાં નંબર વન છે, ‘એમના જવાથી એક યુગનો અંત આવ્યો.’ રાજકારણ, સાહિત્ય, પત્રકારત્વના ક્ષેત્રમાં આ વધુ વપરાય છે. સાચું કહું છું, જ્યારે પણ આ સાંભળું ત્યારે મને પ્રશ્ન થાય કે કયા યુગનો? મરનાર વ્યક્તિ કયા યુગને રિપ્રેઝન્ટ કરતી હતી અને એ પણ લાસ્ટમ લાસ્ટ, જેની પાછળ કોઈ નહીં?
મરણપ્રસંગે શ્રદ્ધાંજલિ આપવા માટે એટલું જ હાથવગું બીજું વાક્ય છે, ‘એમના જવાથી પડેલી ખોટ ક્યારેય નહીં પુરાય.’ હવે મરનારની પત્ની, પતિ કે ગાઢ મિત્ર જેવી વ્યક્તિ કહે કે, ‘એના ગયાથી મારા જીવનમાં પડેલી ખોટ ક્યારેય નહીં પુરાય.’ તો માની શકાય. મતલબ એવો નહીં કે મરનારને યાદ કરીને એ સતત રડ્યા કરશે. એ પણ પછી સામાન્ય જીવન જીવવાનું શીખી લેશે, પરંતુ એમના હૃદયમાં ખરેખર મરનારે પાછળ છોડેલી જગ્યા ખાલી જ રહે છે. બહારના બીજાઓ કઈ ખોટની વાત કરે છે? હા, કોઈ મારા કરોડ રૂપિયા ચાઉં કરીને ગુજરી જાય તો ખાલી ખિસ્સું મરનારની યાદ દેવડાવતું રહે, બાકી બધીયે ખોટ પુરાઈ જાય છે. ફલાણા સાહિત્યકાર કે પત્રકારના ગયા પછી પડેલી ખોટ ક્યારેય નહીં પુરાય એવું બોલનાર હકીકતમાં એ ક્ષેત્રમાં પાછળ જીવતા રહેલા લોકોનું અવમૂલ્યન કરે છે. જેમની વિદાય નિમિત્તે આવાં શબ્દો, વાક્યો સાંભળ્યાં, એ કાંતિ ભટ્ટને છેલ્લે પાછા યાદ કરી લઈએ તો અનેક હોશિયાર ભાઈઓ, બહેનોએ જુદા-જુદા શબ્દોમાં એક સરખી વાત કરતાં કહ્યું કે કાંતિ ભટ્ટ અત્યારે પણ નવરા નહીં બેઠા હોય. ઉપર જતાં-જતાં યમદેવતા અને એમના પાડાનો ઇન્ટરવ્યૂ લઇ લીધો હશે. અત્યારે સ્વર્ગ પર સ્પેશિયલ રિપોર્ટ તૈયાર કરતા હશે વગેરે વગેરે. અરે યાર, બાલિશતાની પણ હદ હોય કે નહીં? આવું બોલનારા કદાચ એકનો એક જોક પણ વારંવાર કહેતા હશે.
[email protected]

X
article by varsha pathak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી